5 વર્ષ પહેલા રાજકોટના રવિરત્ન પાર્કની શેરીમાં છરીના આડેધડ ઘા ઝીંકી હરેશ માધવજીભાઈની હત્યા કરનાર આરોપી ફિરોજ ઝીકરભાઈ મોટલીયા (હાલ ઉમર વર્ષ 35)ને તકસીરવાન ઠરાવી અધિક સેશન્સ જજ વી.એ.રાણાએ આજીવન સખત કેદની સજા તથા રૂ.25,000નો દડ ફટકારેલ છે. તેમજ મૃતકના પરીવારજનોને રૂ.10 લાખનું વળતર ચુકવવા જિલ્લા કાનુની સેવા સતા મંડળને ભલામણ કરવામાં આવી છે. મૃતકના વાહન સાથે વાહન અથડાવી છરી વડે ઉપરાછાપરી ઘા માર્યા
ગત તા.23.02.2019ના રોજ બપોરના સમયે કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિરની સામે મૃતક હરેશ માધવજીભાઈ અને આરોપી ફિરોજ મોટલીયા નાણાકીય વ્યવહાર અર્થે મળ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થતા મૃતક હરેશભાઈ સ્થળ ઉપરથી રવિરત્ન પાર્ક, શેરી નંબર 4ના ખુણા પાસે જઈ રહ્યા હતા. ત્યારે આરોપી ફિરોજ માટલીયા પોતાનું વાહન મૃતકના વાહન સાથે અથડાવી તેને પછાડી દઈ પોતાની પાસે રહેલ છરી વડે મૃતકના શરીર ઉપર ઉપરાછાપરી ઘા માર્યા હતા. મોટર સાઈકલ ભટકાવાથી આરોપી ફિરોજને પણ ઈજા થતા તેઓએ બનાવ બાદ સિવીલ હોસ્પિટલે જઈ સારવાર લીધી હતી. બનાવ અંગે મૃતકના ભત્રીજા પિયુષ મકવાણાએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ જગ્યાએથી સીસીટીવી ફુટેજ કબ્જે કર્યા હતા અને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. સીડી સાથે જરૂરી પ્રમાણપત્ર ન હોવાથી ડેટા જોવાય નહી
પોલીસ તપાસ બાદ આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ રજૂ થતા આરોપી તરફે બચાવ લેવામાં આવ્યો હતો કે, રવિરત્ન પાર્ક શેરી નંબર 4માં નજરે જોનાર સાહેદ મૃતકના સગા છે અને તે બનાવ સમયે સ્થળ ઉપર હાજર હોય તે સંભવિત નથી. આ ઉપરાંત બચાવ લેવામાં આવ્યો હતો કે, સીસીટીવી ફુટેજની જે સીડી મેળવવામાં આવેલ છે તે સીડી સાથે પુરાવા અધિનિયમની કલમ-65(બી)નુ પ્રમાણપત્ર ન હોવાથી આ સીડીની અંદરનો ડેટા જોઈ શકાય નહી. સાક્ષી મૃતકના સગા હોવાથી અવિશ્વસનીય માની શકાય નહી
સરકાર તરફે જિલ્લા સરકારી વિકિલ એસ.કે.વોરાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, કોઈ નજરે જોનાર સાક્ષી મૃતકના સગા હોય તેથી તે સાક્ષી અવિશ્વસનીય માની શકાય નહી. સાક્ષીની વિશ્વસનીયતા તેની ઉલટ તપાસ દરમિયાનના જવાબોથી નક્કી થાય છે. આ કેસમાં નજરે જોનાર સાક્ષીની ઉલટ તપાસ દરમ્યાનના કોઈપણ જવાબ તેઓની વિશ્વસનીયતાને ઘટાડતા નથી. સીસીટીવી ફુટેજની સીડી સાથે કલમ-65(બી)નુ પ્રમાણપત્ર ન હોય તો પણ ગાંધીનગર ખાતેની ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાએ આ સીડીનુ પરીક્ષણ કરી તેની સચોટતા અંગે અહેવાલ આપેલ છે તેથી પુરાવા અધિનિયમની કલમ-65(બી)નુ પ્રમાણપત્ર ન હોવા છતા સીડીની અંદરનો ડેટા વિજ્ઞાનિક વિશ્વસનીયતા ધરાવે છે. આ કારણે સીડીમાં રહેલ ડેટા ઉપરથી મરણજનાર તથા તેનુ વાહન અને આરોપી તેમજ તેનુ વાહન સ્પષ્ટપણે ઓળખી શકાતુ હોય ત્યારે આરોપીને તકસીરવાન ઠરાવવો જોઈએ. 1 સાક્ષીની જુબાનીથી કેસ પુરવાર થતો હોય તો બીજાની જુબાની લેવી જરૂરી નથી
આરોપી સામેની ચાર્જશીટમાં 51 સાહેદોના નામ જણાવવામા આવેલ છે પરંતુ બીજા સાક્ષીઓની જુબાની નોંધવામા આવેલ નથી. આ અંગે સરકાર તરફે જવાબ આપવામા આવેલ કે, ભારતીય પુરાવા અધિનિયમની જોગવાઈ મુજબ ફકત 1 સાક્ષીની જુબાનીથી આરોપી સામેનો કેસ પુરવાર થતો હોય તો બીજા સાક્ષીની જુબાની લેવી પણ જરૂરી નથી. આ મુજબ પ્રોસીકયુશનને જેટલા સાક્ષીઓ મહત્વના લાગેલ હોય તેટલા જ સાક્ષીઓની જુબાનીથી આરોપી સામેનો કેસ પુરવાર થઈ શકે. જયારે આરોપીને બનાવ સમયે ઈજા થયેલ હોય અને સિવિલ હોસ્પિટલમા તે અંગે આરોપી સારવાર લેવા ગયેલ હોય તે પણ સચોટ સાયોગીક પુરાવો છે જેના આધારે પણ આરોપીને તકસીરવાન ઠરાવવો જોઈએ. આરોપીને આજીવન સખત કેદની સજા અને રૂ.25,000નો દંડ
સરકાર તરફેની આ દલીલોના અંતે અધિક સેશન્સ જજ વી.એ.રાણા સાહેબે આરોપી ફિરોજ ઝીકરભાઈ માટલીયા, ઉ.વ.35ને આજીવન સખત કેદની સજા અને રૂ.25,000નો દંડ ફરમાવેલ છે તથા મૃતકના પરિવારજનોને રૂ.10 લાખ વળતર ચુકવવા માટે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને ભલામણ કરેલ છે. આ કેસમા સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજય કે. વોરા રોકાયેલા હતા.