‘ડ્રીમ ગર્લ 2’ના ડિરેક્ટર રાજ શાંડિલ્યએ એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મના કાસ્ટિંગ વિશે વાત કરી. તેણે ખુલાસો કર્યો કે, ‘આ ફિલ્મ સિક્વલ તરીકે નહીં, પરંતુ ફ્રેન્ચાઇઝીની આગળની કડી તરીકે બનાવવામાં આવી હતી. જો તે સિક્વલ હોત, તો હું નુસરતને કાસ્ટ કરત.’ તાજેતરમાં નુસરતે ‘ડ્રીમ ગર્લ 2’નો ભાગ ન બનવા બદલ નિરાશા વ્યક્ત કરી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા સમયે ડિરેક્ટર રાજ શાંડિલ્યએ જણાવ્યું હતું કે, ‘ડ્રીમ ગર્લ 2 સીધી સિક્વલ તરીકે નહીં પરંતુ ફ્રેન્ચાઇઝીના ચાલુ ભાગ તરીકે બનાવવામાં આવી હતી. જો તે સિક્વલ હોત, તો હું નુસરતને કાસ્ટ કરત. પણ તે એક ફ્રેન્ચાઇઝ ફિલ્મ હતી, તેથી મેં એક નવી લીડ એક્ટ્રેસને કાસ્ટ કરી.’ રાજ શાંડિલ્યએ વધુમાં જણાવ્યું કે, ‘ડ્રીમ ગર્લની વાર્તા આયુષ્માન અને નુસરતના પાત્રો સાથે પૂર્ણ થઈ હતી. બીજી કડીમાં એક નવી વાર્તા દર્શાવવા માટે બનાવવામાં આવી હતી, જેમાં નવી ફિમેલ લીડની જરૂર હતી.’ જોકે, ફિલ્મમાં અન્નૂ કપૂર, મનજોત સિંહ અને વિજય રાજ જેવા કેટલાક મહત્વપૂર્ણ પાત્રોને જાળવી રાખવામાં આવ્યા હતા. રાજે એમ પણ કહ્યું કે, ‘તેણે આ નિર્ણય વિશે નુસરત સાથે પહેલાથી જ વાત કરી હતી અને તેને કારણ સમજાવ્યું હતું. તેવામાં, તેણીના નિરાશ થવાનું કોઈ કારણ નથી.’ જો રાજ શાંડિલ્યનું માનીએ તો, જો ‘ડ્રીમ ગર્લ’નો ત્રીજો ભાગ બનાવવામાં આવે, તો તેમાં એક નવી અભિનેત્રીને કાસ્ટ કરવામાં આવશે અને અનન્યા પાંડે પણ તે ફિલ્મનો ભાગ નહીં હોય. રાજે નુસરતને પોતાની સારી મિત્ર પણ ગણાવી. તેણે ખુલાસો કર્યો કે, ‘તે હાલમાં એક નવી ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે અને તેમાં ભૂમિકા માટે નુસરતનો સંપર્ક પણ કરી રહ્યા છે.’ તેણે એવી આશા પણ વ્યક્ત કરી કે, તે ટૂંક સમયમાં નુસરત સાથે ફરી કામ કરશે. ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ 2019માં રિલીઝ થઈ હતી ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ નુસરત ભરૂચા આયુષ્માન ખુરાના સાથે ‘ડ્રીમ ગર્લ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.