મહેસાણાના રાધનપુર ચોકડી પાસે થયેલી યુવકની હત્યાના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. ત્રણ દિવસ પહેલા મહેસાણાના મગપરા વિસ્તારના રહેવાસી વિક્રમસિંહ વાઘેલાની જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. ઘટના 15મી તારીખની રાત્રે બની હતી, જ્યારે વિક્રમસિંહ પોતાની નાની બાળકીને આઈસક્રીમ ખવડાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. બલેનો કારમાં આવેલા હુમલાખોરોએ પહેલા તેમના એક્ટિવાને ટક્કર મારી અને પછી હથિયારો વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે વિક્રમસિંહનું મૃત્યુ થયું હતું. મહેસાણા બી ડિવિઝન પોલીસે 50થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી હત્યામાં વપરાયેલી કાર (GJ02EG8721)ના માલિકની ઓળખ કરવામાં આવી. પોલીસે રાહુલ રમેશ વાઘેલા, રાહુલસિંહ વિનુસિંહ વાઘેલા અને વિકાસ ઉર્ફે વિકી ચેનાજીને ગાડી સાથે ઝડપી લીધા છે. ચોથો આરોપી દશરથજી ઉર્ફે પિન્ટુભા હજુ ફરાર છે. PI નિલેશ ઘેટિયાના જણાવ્યા મુજબ, આરોપીઓ હત્યા બાદ ટીમબા, સતલાસણા, અંબાજી અને પાટણ જેવા વિસ્તારોમાં ફરતા હતા. તેઓ બલેનો કાર છોડીને અન્ય વાહનમાં ભાગવાની તૈયારીમાં હતા, પરંતુ ઊંઝા હાઈવે પરથી પકડાઈ ગયા. આરોપીઓને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.