બોટાદ SOG પોલીસે આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપીને 43.50 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી શિલ્પા દવેની અમદાવાદથી ધરપકડ કરી છે. શિલ્પા દવે છેલ્લા નવ મહિનાથી ફરાર હતી. આ કેસમાં બોટાદ અને રાજકોટ જિલ્લાના 16 લોકો સાથે છેતરપિંડી થઈ હતી. આરોપી શિલ્પા દવેએ આરોગ્ય વિભાગમાં ઊંચી વગ ધરાવતી હોવાનો દાવો કરીને લોકોને નોકરી અપાવવાનું કહ્યું હતું. ગત 22 જુલાઈ 2024ના રોજ બોટાદ પોલીસ સ્ટેશનમાં એક મહિલા સહિત ત્રણ લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં એક વ્યક્તિની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બે આરોપી ફરાર હતા. શિલ્પા દવે સામે અરવલ્લી જિલ્લામાં પણ વિદેશ મોકલવાની લાલચ આપીને 29 લાખની છેતરપિંડી કરવાનો કેસ મોડાસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. SOG PI મયુરધ્વજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે અમદાવાદ જઈને શિલ્પા દવેની ધરપકડ કરી છે. હવે પોલીસ વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરશે.