રાજકોટ આંગણવાડીમાં આધુનિક શિક્ષણ આપવામા આવી રહ્યું છે. જ્યાં મનહરપુર સરકારી કેન્દ્રમાં ભૂલકાઓને ટેકનિકલ લર્નિંગ મટીરીયલથી એજયુકેશન એજયુકેશન આપવામા આવતા આ ભૂલકાંઓના વિકાસની ફૂલવારી બની છે. કોર્પોરેશનના આઇ.સી.ડી.એસ. વિભાગના બાળ વિકાસ યોજના ઘટક 3 ( સેન્ટ્રલ ઝોન )માં રેલનગર 2ના નેજા હેઠળ મનહરપુર 1 આંગણવાડી કેન્દ્ર કાર્યરત છે. આ આંગણવાડી કેન્દ્રના બાળકોને ખૂબ જ સરસ રીતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કાર્ય આપવામાં આવે છે. કેન્દ્ર ખાતેથી પ્રોજેક્ટ “પા પા પગલી” અંતર્ગત બાળકોને પ્રવૃત્તિઓ દ્વારા પાયાનું શિક્ષણ આપવામાં આવે છે. જેમાં બાળકો TLM (Teaching Learning Material ) શૈક્ષણિક સાધન સામગ્રી દ્વારા પોતાની જાતે અનુભવ વડે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કાર્ય મેળવી રહ્યા છે. વિવિધ પ્રકારના 25 TLM દ્વારા બાળકો રંગો, આકાર, ફળો, રમતો વિષેની જુદી જુદી સંકલ્પનાઓ શીખી બૌધ્ધિક વિકાસ અને શારીરિક વિકાસ સાધી શકે છે. વાલી ઘરે પ્રવૃત્તિ કરાવી શકે તે માટે TLM ઘરે લઇ જઇ શકવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓથી બાળકોના જ્ઞાનનું દ્રઢિકરણ થાય છે અને બાળકો સચોટ રીતે ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકે છે. મનહરપુર કેન્દ્ર ખાતે આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના જીવન ઘડતરના પાયાને મજબૂત કરવામાં આવી રહ્યા છે. અધિકારી પૂજાબેન જોશીના માર્ગદર્શનમાં કાર્યકર બહેન કિરણબેન વિઠ્ઠા અને તેડાગર બહેન દિવ્યાબેન રાઠોડના સતત પ્રયત્નોથી આ કામગીરી થઈ રહી છે.