કચ્છ જિલ્લામાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યના ડીજીપી વિકાસ સહાયના આદેશ અનુસાર બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. રાપર તાલુકાના કાનમેર ખાતે નેશનલ હાઈવે પર આયમાતા હોટલના નામે દેવા કરશન ડોડીયાએ 2 એકર સરકારી જમીન પર દબાણ કર્યું હતું. આ વ્યક્તિ વિરુદ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં બે અને સામખીયારી પોલીસ સ્ટેશનમાં એક મળી કુલ ત્રણ ગુના નોંધાયેલા છે. ગાગોદર પોલીસ મથકની નજીક પણ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. અહીં મોતી જોધા ભરવાડની ચામુંડા હોટલ અને સકતા રાયમલ ભરવાડની 4 દુકાનો બનાવવામાં આવી હતી. ગાગોદરના પીઆઈ વી.એ.સેગલ અને પોલીસ સ્ટાફે આ તમામ દબાણો દૂર કર્યા છે. આ કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, મારામારી, ગેરકાયદે મંડળી રચવી સહિતની વિવિધ કલમો હેઠળ ગુના નોંધાયેલા છે.