ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ નંબર Z/210થી 215 પર ફેબ્રિક વેપારી અલ્પેશભાઈ દિનેશભાઈ ઘેલાણીએ શરૂ કરેલા બિલ્ડિંગના બાંધકામ અંગે એક કથિત પત્રકારે બળજબરીથી 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વેપારીએ તબક્કાવાર 22 લાખ રૂપિયા આપી દીધા હોવા છતાં કથિત પત્રકારે બાકી રહેલા 3.21 લાખ માટે પણ ભારે ધમકી આપી. તેણે કહ્યું કે, “જો પૈસા નહીં આપો તો તને કાપી નાખીશ અને કોઈને ખબર પણ નહીં પડે”. આ સમગ્ર મામલે વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. SMC-કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી બાંધકામ તોડવાની ધમકી આપી
FIR મુજબ, વેપારી અલ્પેશભાઈએ જાન્યુઆરી 2024માં ગ્રાઉન્ડ પ્લસ બે માળનું બાંધકામ શરૂ કર્યું હતું. એ દરમિયાન પ્રકાશ નામના કથિત પત્રકાર બાંધકામ સાઈટ પર આવ્યા અને ફોટા ખેંચીને કહ્યું કે, કામ બિનકાયદેસર છે. તેણે ધમકી આપી કે તે SMC અને કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરશે અને બાંધકામ તોડી પાડશે. જો વેપારી 30 લાખ રૂપિયા આપશે તો તે તમામ કાર્યવાહી રોકી દેશે એવું જણાવ્યું હતું. વેપારી ડરી ગયો અને અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી
વેપારીએ ભયના કારણે 25,21,721 રૂપિયાનો સોદો કરી લીધો અને 6 તબક્કામાં કુલ 22 લાખ રૂપિયા રોકડમાં કથિત પત્રકાર પ્રકાશને આપ્યા હતા. આ રકમ માટે વેપારી અને કથિત પત્રકાર વચ્ચે બે ડાયરીઓમાં રસીદરૂપે સહી સાથે તમામ વ્યવહારો નોંધાયા હતા. છતાં 20 ડિસેમ્બર 2024ના રોજ SMCની ટીમ બાંધકામ સ્થળે પહોંચી અને ચોથા માળનું ડિમોલિશન કર્યું હતું. જ્યારે વેપારીએ પોતે આપેલા પૈસાની પરત માંગણી કરી ત્યારે કથિત પત્રકારે ખુલ્લેઆમ ધમકી આપી કે, “જો ફરીથી પૈસા માંગ્યા તો મારી નાખીશ અને કોઈને ખબર પણ નહીં પડશે”. આથી વેપારી ડરી ગયો અને અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી.