રાજ્યભરમાં હાલ મણિપુર અને નાગાલેન્ડના બોગસ લાયસન્સના આધારે હથિયાર ખરીદવાના કૌભાંડની ચર્ચા ચાલી રહી છે. આ કેસમાં 23 જેટલા આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.ગુજરાત ATSએ પકડેલા આરોપીઓ ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી કેવી રીતે લાઇસન્સ મેળવતા હતા, તેની મહત્વની માહિતી સામે આવી છે. બોગસ લાઈસન્સ લેનારા શખ્સોએ હથિયારનું લાયસન્સ લેવા માટે UIN(યુનિક આઇડેન્ટીફિકેશન નંબર) ફરજિયાત થયા પહેલા રિન્યૂ નહીં થયેલા લાયસન્સમાં ખેલ કર્યો હતો. આ લાયસન્સમાં ચેડાં કરીને લોકોના નામ ઘુસાડ્યા હતા. તેમજ ગમે તેમ કરીને ડોક્યુમેન્ટ દ્વારા અન્ય રાજ્યમાંથી ભાડા કરાર મેળવવા સુધીના આખા રેકેટની કડી ગુજરાત એટીએસએ શોધી કાઢી છે. આ પણ વાંચો: મંત્રી મુકેશ પટેલના પુત્રએ પણ હથિયાર લેવા નાગાલેન્ડથી લાયસન્સ લીધું UIN નંબર વગર હથિયાર મળી શકે તેવી છટકબારી રાખી
ગેરકાયદે હથિયારનું આખું રેકેટ ભલે ગમે તે રીતે ચાલે પણ તેને ચલાવનારા ભેજાબાજો છે. જ્યારે અન્ય રાજ્યના લાયસન્સના આધારે હથિયાર ખરીદ્યા ત્યારે આ ટોળકીએ છટકબારી શોધીને 2016 પહેલા UIN નંબર ફરજીયાત થયો તે પહેલાના લાયસન્સનો ડેટા ભેગો કર્યો હતો. ખાસ કરી હાથથી લખેલા લાયસન્સમાં એજન્ટ અને ગુજરાતના ખેલાડીઓએ રીતસર આખી સિસ્ટમ ગોઠવી હતી. જેમાં UIN નંબર વગર હથિયાર મળી શકે તેવી છટકબારી રાખવામાં આવી હતી. UIN નંબર ફરજીયાત થયા બાદ જુના હાથેથી લખેલા અને રિન્યૂ નહીં થયેલા લાયસન્સમાં ગુજરાતીમાં નામ અને ફોટો લગાવી બોગસ લાયસન્સ તૈયાર કર્યા હતા. ગુજરાત ATSએ જણાવ્યું કે, 2016થી હથિયાર માટે UIN નંબર ફરજીયાત થતા જૂના લાયસન્સમાં ગોટાળો કરવાનું શરૂ થયું હતું. મોટા ભાગના લાયસન્સ બોગસ છે. મોટાભાગના લાયસન્સ હાથથી લખેલા છે
આ અંગે ATSના ડીઆઈજી સુનિલ જોષીએ જણાવ્યું કે,અમારી તપાસ ચાલુ છે. અલગ અલગ રાજ્ય દ્વારા આ અંગે જાણ થતા લાયસન્સ રદ કરવાની અને કાર્યવાહીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમારી તપાસમાં આવેલા મોટાભાગના લાયસન્સ હાથથી લખેલા હોવાનું સામે આવ્યું છે. મણિપુર ઓથોરિટીએ હથિયાર લાયસન્સ રદ કરવા અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે. આ રેકેટ સાથે તપાસમાં હજી મહત્વની કડી સામે આવી શકે છે. જેમાં કેટલીક જગ્યાએ લાયસન્સ ઈસ્યૂ કરનાર શાખામાં કેટલાક લોકોની મિલિભગતના કારણે જે તે રાજ્યના કલેકટરની જાણ બહાર લાયસન્સ ઈસ્યૂ થઈ ગયા હતા. હાલ અલગ અલગ રાજ્ય દ્વારા આ સંદર્ભે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો: બોગસ લાઇસન્સ પર ઈચ્છા હોય તે પિસ્તોલ-રિવોલ્વર મેળવી લો હરિયાણાના બે શખસ નાગાલેન્ડ-મણિપુરના લાઇસન્સ તૈયાર કરી આપતા
આરોપીઓની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે આ હથિયાર અને હથિયાર લાઇસન્સ અગાઉ પકડાયેલા સાત આરોપી થકી મેળવ્યાં હતાં અને સાત આરોપીએ હરિયાણા ખાતે આવેલા નૂહમાં આવેલા સૌકતઅલી ફારુકઅલી સોહિમઅલી તેમજ આસિફ નામના શખસોએ નાગાલેન્ડ અને મણિપુરના લાઇસન્સ તૈયાર કરાવી આપ્યા હતા. ગુજરાત ATSને શંકા છે કે નાગાલેન્ડ અને મણિપુર તંત્રના કોઈ કર્મચારી કે અધિકારી પણ આ બોગસ લાઇસન્સ કૌભાંડમાં સંડોવાયેલા હોઈ શકે છે. 16માંથી 6 આરોપીનો ગુનાહિત ઇતિહાસ
હાલ 16 આરોપી પૈકી 6 આરોપી પર ગુનાઓ પણ નોંધાયેલા છે, જેમાં અરજણ વિહા ભરવાડ સામે 2 ગુના, જનક બલુ પટેલ સામે 1 ગુનો, જગદીશ રેવા ભૂવા સામે 1 ગુનો, મનીષ રમેશ રૈયાણી સામે 4 ગુના, રમેશ ભોજા ભરવાડ સામે 2 ગુના અને વિરમ સોંડા ભરવાડ સામે 1 ગુનો નોંધાયો છે. 16 આરોપીએ આંગડિયા કે બેંક મારફત પૈસા ચૂકવ્યા
આ 16 આરોપી ધાર્મિક અને લગ્નપ્રસંગમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા, ત્યારે આ સાત આરોપી પાસેથી હથિયાર જોઇને પ્રભાવિત થઈ ગયા હતા અને પોતાના માટે પણ લાઇસન્સ પરવાનો લેવા માટેની વાત કરી હતી. એને લઈને આ 16 આરોપીએ ગુજરાત બહારના રાજ્યમાંથી 5 લાખથી લઇને 25 લાખની રકમ ચૂકવીને હથિયાર લાઇસન્સ અને હથિયાર મેળવ્યાં હતાં. ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું છે કે આ 16 આરોપીએ આંગડિયા કે બેંક મારફત પૈસા ચૂકવ્યા હતા. કેવી રીતે આખો ખેલ ઝડપાયો?
આ પહેલાં 3 એપ્રિલે મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમમાં માત્ર ભાડા કરાર પર હથિયાર લાઇસન્સ આપવાના કૌભાંડનો રેલો અમદાવાદ પહોંચ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે થોડા દિવસ પહેલાં પિસ્તોલ સાથે પકડેલા ભરત ભરવાડની તપાસમાં અમદાવાદમાં 3 વર્ષથી આ રેકેટ ચાલતું હોવાનું ખૂલ્યું હતું. નાના ચિલોડામાં રહેતો મુકેશ ભરવાડ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. તેણે રૂ.7 લાખમાં ભાડા કરાર પર ભરત ભરવાડને હથિયારનું ઓલ ઇન્ડિયા પરમિટ લાઇસન્સ આપ્યું હતું. અમદાવાદનો મુકેશ ભરવાડ 10થી 15 લાખમાં બંદૂકનું લાઈસન્સ વેચતો હતો. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખૂલ્યું છે કે મુકેશ ભરવાડ હાલમાં ફરાર છે અને તે હરિયાણાના શૌકતે અત્યારસુધીમાં અમદાવાદ સહિતનાં શહેરોમાં 40થી વધુ લોકોને ભાડા કરાર પર લાઇસન્સ કઢાવી આપ્યાં છે. ક્રાઇમ બ્રાન્ચે ઘાટલોડિયામાં લક્ષમણગઢના ટેકરા પાસે રહેતા ભરત ભરવાડને ગાડી સાથે પક્ડી ગાડીમાંથી પરમિટની ગેરકાયદે પિસ્તોલ મળી હતી. જેની તપાસ કરતાં ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે ભરત ભરવાડે 2022માં નાના ચિલોડામાં રહેતા મુકેશ ભરવાડને હથિયારનું લાઇસન્સ લેવાની વાત કરતાં તેણે રૂ.7 લાખમાં મણિપુરથી ઓલ ઇન્ડિયા પરમિટ લાઇસન્સ કઢાવી આપવાનું કહી, મણિપુરમાં રહેતા હોવાના ભાડા કરારની વાત કરી હતી. ક્યારેય મણિપુર નહીં ગયેલા આરોપી ભરત ભરવાડ મણિપુરમાં રહેતો હોવાનો ભાડા કરાર અમદાવાદમાં કરાવી પોતે મણિપુરમાં શાકભાજીની લારી ચલાવે છે. મણિપુરમાં નકસલવાદીનો ત્રાસ હોવાથી સ્વરક્ષણ માટે લાઇસન્સ કઢાવવાનું લખી આપ્યું હતું. મુકેશ ભરવાડે હરિયાણાના સાગરીત સાથે મળી હથિયારનું લાઈસન્સ કઢાવી આપ્યું હતું. ઝડપાયેલા ભરત ભરવાડે 25 હજારમાં તમંચો લીધો
ભરત ભરવાડે રૂ.25 હજારમાં રાજકોટના પેડક રોડ પરના ભરવાડ વાસમાં રહેતા સોમા ગમારા પાસેથી દેશી પિસ્તોલ ખરીદી હતી. જેની પાસેથી પિસ્તોલ ખરીદેલી તે સોમાભાઇનું મોત નીપજ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ આદરી ગેરકાયદે હથિયારના પરવાના અંગે જાણવાજોગ ફરિયાદ નોંધી છે. પરવાનાની ચકાસણી માટે મણિપુર પત્ર વ્યવહાર કર્યો છે. ભરત ભરવાડનો ગુનાઈત ઇતિહાસ
ગુનાઈત ઈતિહાસવાળા આરોપી ભરત ભરવાડ સામે નારણપુર પોલીસમાં રાયોટિંગનો ગુનો છે. 2018માં પાલડી પોલીસે પકડ્યો હતો. 2022માં સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ કરી હત્યાની કોશિશના ગુનામાં પકડાયો હતો. સેટેલાઇટ પોલીસે 2024માં આર્મ્સ એક્ટના ગુનામાં આનંદનગર પોલીસે 2024માં જીપી એક્ટના ગુનામાં પકડ્યો હતો. આરોપી પાસેના 3 વેપન પૈકી એક સરદારનગર, બીજું સેટેલાઇટ પોલીસ સ્ટેશને કબજે કર્યું છે. ઘેરબેઠાં જ હથિયાર લાવી આપવામાં આવતું હતું
ભાડા કરારના આધારે ગેરકાયદે મણિપુર, નાગાલેન્ડ અને મિઝોરમમાંથી ઓલ ઇન્ડિયા પરમિટવાળું હથિયારનું લાઇસન્સ મુકેશ ભરવાડ અને શૌકત રૂ.10 લાખથી 15 લાખમાં હથિયારનો પરવાનો આપતા હતા. 3 વર્ષમાં આ આરોપીએ 40થી વધુ લોકોને મણિપુર, નાગાલેન્ડ કે મિઝોરમમાં લઇ ગયા વગર ભાડા કરાર કરી હથિયારનો પરવાનો આપ્યો છે. નાગાલેન્ડના ડીમાપુરના એડ્રેસ પર લાયસન્સ બન્યા
નાગાલેન્ડના ડીમાપુરના એડ્રેસ પર લાઈસન્સ ઈસ્યૂ કરાયા. ત્રણ એવી સોસાયટી સામે આવી છે જ્યાં સૌથી વધારે ભાડા કરાર બનાવીને ગન લાઇસન્સ માટે અરજી કરવામાં આવતી હતી, જેમાં બેંક કોલોનીના અલગ અલગ મકાન, બુરમાં કેમ્પ વેટી કોલોની અને નેપાળી કોલોની સામેલ છે. જ્યાં સુરત ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ હાલ તપાસ માટે ગઈ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે, ગુજરાતના એવા વ્યક્તિઓ કે જે ક્યારેય નાગાલેન્ડ ગયા જ નથી, તેમના નાગાલેન્ડના સરનામા પર હથિયાર લાઇસન્સ બનાવવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને નાગાલેન્ડના આ સરનામા પર બોગસ હથિયાર લાઇસન્સ બનાવવામાં આવ્યા છે. આ તમામ મકાન ઉપર લાયસન્સ બનાવવા માટે બાર લોકોને હથિયારની એન્ટ્રી પોતાના લાઇસન્સ માટે નાગાલેન્ડ ખાતે મોકલવા હોવાથી તેઓ પોતાના હથિયારો ગજાનંદ ગનહાઉસ લઈ ગયા નહોતા. તેની વિગત અંગે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આ 12 સરનામા મળી આવ્યા હતા: ટોળકીએ 51 હથિયારો અલગ અલગ શહેરમાં વેચ્યા
દેશભરમાં હથિયાર વેચવાના રેકેટમાં ઝડપાયેલા ચાર આરોપીઓ દિલીપ રોય, કલ્પેશ માંગુકિયા, મેરુ બેલા અને અતુલ પટેલની પોલીસે ધરપકડ કરી છે. આજે તમામને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં દલીલો બાદ આરોપી અતુલના દસ અને અન્ય ત્રણના દસ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ અરજીમાં પોલીસે દલીલ કરી હતી કે, આરો,પીઓએ ડોક્યુમેન્ટ સુરતથી જુદી જુદી કુરિયર કંપનીઓ મારફત નાગાલેન્ડના ડીમાપુર ખાતેની પોલીસ કમિશનરની કચેરી ખાતે મોકલ્યા હતા. અરજી કરનારા ક્યારેય આ કચેરીમાં ગયા નહોતા તેમ છતાં લાઇસન્સ મળી ગયા હતા. અત્યાર સુધી આવા બોગસ લાઇસન્સના આધારે 51 હથિયારો દેશના જુદા જુદા શહેરોમાં વેચી દેવામાં આવ્યા હતા.