ઉનાળુ વેકેશન આવે એટલે ગુજરાતીઓમાં પહાડી વિસ્તારમાં ફરવા માટે જબરો ક્રેઝ જોવા મળે છે. હાલ ટ્રેન હાઉસફૂલ છે અને ફ્લાઇટના ભાડામાં પણ બે અઢી ગણો વધારો થઈ ગયો છે, તેમ છતાં ગુજરાતીઓમાં કુલ્લુ મનાલી અને શિમલા જેવા સ્થળોએ ફરવા જવાના ક્રેઝમાં વધારો થઈ ગયો છે. માત્ર વડોદરાથી જ 50 હજાર લોકો ફરવા માટે વિવિધ સ્થળોએ પહોંચશે. કુલ્લુ મનાલી, શિમલા અને કાશ્મીરનો ક્રેઝ વધ્યો
અમરનાથ યાત્રા સંઘના આયોજક નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, જ્યારે વેકેશન પડે ત્યારે ગુજરાતીઓ ફરવા જવા માટે થનગનતા હોય છે. આખા દેશમાં કોઇ પણ ટુરિઝમ ક્ષેત્ર હોય ત્યાં સૌથી વધારે ગુજરાતીઓ જ ફરતા હોય છે. એપ્રિલના સેકન્ડ વીકથી લઇને એપ્રિલના ફર્સ્ટ વીક સુધી ઉનાળુ વેકેશન ચાલતું હોય છે. આ દરમિયાન ટ્રાવેલ્સ સંચાલકો બસો ઉપાડતા હોય છે તેમજ ટ્રેન અને ફ્લાઇટમાં પણ લોકો ફરવા જતા હોય છે. આ ઉપરાંત કુલ્લુ મનાલી, શિમલા અને કાશ્મીરનો ક્રેઝ પણ ખૂબ જોવા મળી રહ્યો છે. આ બંને સ્થળના ખૂબ બુકિંગ આવે છે. કારણ કે, રોહતાંગ પાસ 15 એપ્રિલ પછી ખુલતું હોય છે. જેને જોવાનો ગુજરાતીઓમાં ખૂબ જ ક્રેઝ છે. આ વર્ષે 50 હજાર લોકો વેકેશનમાં ફરવા માટે જશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે સિક્કીમ અને નૈનિતાલનું પણ મોટાપાયે બુકિંગ આવે છે. ચારધામ યાત્રા અને અમરનાથ પણ મોટી સંખ્યામાં લોકો જઇ રહ્યા છે. આ ઉપરાંત વૃંદાવન ગોકુળ અને મથુરાની ઇન્કવાઇરી પણ ખૂબ આવે છે. આવી કાળઝાળ ગરમીમાં ગુજરાતીઓ પહાડો પર જવાનું પસંદ કરતા હોય છે. ટૂંકા રોકાણની વાત કરીએ તો અત્યારે સાપુતારા હાઉસફૂલ હોય છે. સળંગ અઢી મહિના સુધી લોકો ફરતા જ રહે છે. વડોદરામાં આ વર્ષે 50 હજાર લોકો વેકેશનમાં ફરવા માટે જશે. અત્યારે ટ્રેનો હાઉસફૂલ છે અને ફ્લાઇટમાં પણ ભાડા બેથી અઢી ગણા થઈ ગયા છે. લોકોમાં બહાર ફરવા ક્રેઝ વધતા ટ્રાવેલ્સની બસોના ભાડામાં પણ વધારો થયો છે. આ વર્ષે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે જે પણ હાઉસફૂલ થઈ જશે. ‘મેં મારા ગ્રુપ સાથે ફરવા જવાનો પ્લાન બનાવ્યો’
વડોદરાના રહેવાસી આશિષ પટેલે જણાવ્યું હતું કે, હમણા ઉનાળાની ઋતુમાં અમે અમારા ગ્રુપ સાથે શિમલા અને મનાલી ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે. અમે ફરવા જવા માટે ઉત્સુક છીએ.