નિતુરાજસિંહ પુવાર
મહિસાગર જિલ્લામાં તમિલનાડુ બોર્ડની માર્કશીટનો વિવાદ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. ત્યારે મહિસાગરના ધોરણ 10માં ગુજરાત બોર્ડમાં નાપાસ થયેલા છાત્રોને એજન્ટ મારફતે શોધીને તેમને એજન્સી દ્વારા તમિલનાડુ બોર્ડમાં પાસ કરાવવાના કૌભાંડનો ભાસ્કરના ઇન્વેસ્ટીગેશનમાં ઘટસ્ફોટ થયો હતો. એટલુ જ નહિં પણ આ એજન્ટો દ્વારા પરિક્ષા આપવા તૈયાર ન હોય તેવા છાત્રો પાસે 50 હજાર જેવી રકમ લઇને ડમી વિદ્યાર્થીઓ બેસાડીને તમિલનાડુ બોર્ડની પાસની માર્કશીટ પણ ઘરે પહોંચાડવામાં આવતી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી હતી.
જુનાગઢ ખાતે આવેલી લાઇફ એકેડેમી દ્વારા ખાનપુરના એજન્ટ બનાવીને મહિસાગર જિલ્લામાં ગુજરાત બોર્ડમાં ધો.10-12માં નાપાસ વિદ્યાર્થીઓનો સંપર્ક કરાતો હતો. અને તેઓને તમિલનાડુ બોર્ડમાં પાસ કરાવવાની ગેરંટી આપવામાં આવે છે. અને કોઇ છાત્ર દ્વારા પરિક્ષા આપવાની તૈયાર ન થાય તો તેના સ્થાને ડમી વિદ્યાર્થીઓને બેસાડીને ઘર બેઠા તમિલનાડુ બોર્ડની પાસ થયેલી માર્કશીટ પહોંચતી કરાતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. મહિસાગર જિલ્લામાં 30થી વધુ છાત્રો હોવાોનો અંદાજ સેવાઇ રહ્યો છે. મહીસાગર જિલ્લાના એજન્ટ જીગર વાદી સાથે ભાસ્કરે વાત કરતા તેમને ઘટસ્ફોટ કર્યો કે, જુનાગઢ ખાતે આવેલ લાઇફ એજ્યુકેશન એકેડમીમા રૂપિયા આપી ડમી વિદ્યાર્થીઓ બેસાડી નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરાવી આપવામાં આવે છે. તમિલનાડુની માર્કશીટ પર જુનાગઢ સ્કૂલનો સિક્કો હતો
મારો દીકરો બે વર્ષ પહેલા જીગર વાદીના સંપર્કમા આવ્યો હતો. તેણે મારા દીકરા મીતને પાસ કરાવી આપવાનું કહ્યું હતું. જેમાં 50 હજાર લીધા હતા. ત્યારે તેણે તમિલનાડુની માર્કશીટ આપી હતી. એડમિશન વખતે પ્રિન્સિપાલે કલેક્ટરની મંજૂરી માગી ત્યારે લાગ્યું કે અમે છેતરાયા છીએ. – મુકેશ પટેલ, વિદ્યાર્થીના પિતા કેવી રીતે આખુ કૌભાંડ ચાલી રહ્યું છે… કેશોદ ખાતે આવેલ લાઇફ એકેડમીના એજન્ટો દ્રારા ધોરણ 10/12 ના નબળા વિદ્યાર્થીઓને શોધી તેમણે પાસ કરાવવાની લાલચ આપી તગડી રકમ વસુલવામાં આવે છે. તેમની નાપાસ થયાની માર્કશીટ અને એલ સી મેળવી સૌ પ્રથમ લાઇફ એકેડમીમાં જમા કરાવી ત્યાં આ વિદ્યાર્થીઓના ફોર્મ ભરવામાં આવે છે. હૉલ ટિકિટ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓનો સંપર્ક કરાય છે. છાણીના છાત્રને આગળ પ્રવેશ ન મળતાં કૌભાંડ બહાર આવ્યું
મહીસાગરમાં આવા કેટલાય વિદ્યાર્થીઓ છે જે ધોરણ 10/12 મા નાપાસ થતા રૂપિયા ચુકવી પાસનું માર્કશીટ મેળવી આગળ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ બાબતે ત્યારે સામે આવી જ્યારે છાણી ગામના મીત પટેલ ને એજન્ટ જીગર વાદી દ્રારા તમિલનાડુની માર્કશીટ આપવામાં આવતા કોઈ શાળામાં આગળ અભ્યાસ માટે પ્રવેશ મળ્યો ન હતો. 3થી 4 હજારમાં ડમી પરીક્ષાર્થી પરીક્ષા આપે છે
કેશોદ જૂનાગઢ ખાતે લાઇફ એજ્યુકેશન એકેડમી આવેલ છે. જે જગદીશ પરમાર ચલાવે છે. અમે અહીંયાથી જે બાળકો નાપાસ થયા હોય તેમના એલસી અને માર્કશીટ ત્યાં મોકલાવી એ છીએ. જો કોઈ પરીક્ષા આપવામાં સક્ષમ ના હોય તો ડમી રાઇટર 3000થી 4000 રૂપિયામાં બેસી પરીક્ષા આપે છે. – જીગર વાદી, એજન્ટ માર્કશીટનો ઘટનાક્રમ
1 મહીસાગર જિલ્લામાં તમિલનાડુ માર્કશીટના મુદ્દો ઉઠતા આવા 30 થી વધુ વિદ્યાર્થીઓ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જેમણે રૂપિયા આપી આ રીતે માર્કશીટ મેળવી આગળ અભ્યાસ કરી રહ્યા હોવાની ચર્ચાઓ હાલ જોરશોરથી ચાલી રહી છે ત્યારે આ બાબતે તપાસ કરવામાં આવે તો અસલી માર્કશીટનો નકલી ધંધો ચલાવવાનું કૌભાડ બહાર આવી શકે તેમ છે.
2 પરીક્ષાર્થી દ્રારા ખાનપુર તાલુકાની નવા ગામ શાળામાં તમિલનાડુની માર્કશીટ લઈ ધોરણ 11 મા પ્રવેશ લેવા ગયો હતો. જ્યા શાળા આચાર્ય દ્વારા તમિલનાડુની માર્કશીટ જોતા માર્કશીટ જિલ્લા શિક્ષણ વિભાગમાં મોકલવામાં આવતા પ્રવેશ માટે અન્ય પુરાવા રજુ કરવા જણાવ્યું હતુ. જે રજુ ન કરતા એડમિશન ન મળતા ભાંડો ફુટયો હતો.
3 પરીક્ષાર્થી દ્રારા રૂપિયા પાછા મેળવવા વારંવાર સંપર્ક કરતા જીગર વાદી પાસેથી કોઈ જવાબ ન મળતા ચાર દિવસ અગાઉ જીગરવાદીના ભાઈને પકડી બાકોર પોલીસ મથકે લઇ જતા સમાધાન પેટ કોરો ચેક આપવામાં આવ્યો. ત્યારે રૂપિયા બાબતે બીજે દિવસે રકઝક થતા મામલો પુનઃ ઉંચકાયો હતો.