રાજકીય પક્ષોને મળેલા દાન અંગે દસેક દિવસ પૂર્વે ચૂંટણી અધિકાર સંસ્થા એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે રિપોર્ટ જાહેર કર્યો હતો. તે પછી હવે શહેર ભાજપને કરોડોનું દાન આપનાર બિલ્ડરો અને પાલિકાના કોન્ટ્રાક્ટરોનાં નામ બહાર આવ્યાં છે. પાલિકાના રોડ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વરસાદી કાંસ, ડ્રેનેજ લાઈન, કચરા અને પાણીનાં કામો કરતા 45 કોન્ટ્રાક્ટરે 1 વર્ષમાં અંદાજે 11 કરોડથી વધુનું દાન કર્યું છે. તાજેતરમાં જ રાજકીય પક્ષોને મળેલા દાન અંગેનો રિપોર્ટ જાહેર કરાયો છે, જેમાં ભાજપને 1 જ વર્ષમાં અધધ કરોડોનુંં દાન મળ્યું હોવાનું જાહેર કરાયું છે. જ્યારે શહેર ભાજપને દાન આપવામાં બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો પણ પાછળ નથી. 1 વર્ષમાં પાલિકાના કોન્ટ્રાક્ટરોએ ભાજપને અંદાજિત 11 કરોડથી વધુનું દાન આપ્યું છે. પાલિકા દ્વારા રોડ-રસ્તા, ડ્રેનેજ લાઈન, પાણીની લાઈન સફાઈ, સિક્યુરિટી સહિતની સુવિધા અપાય છે. પક્ષનાં જ સૂત્રો મુજબ 2024-25માં પાલિકાએ 1200 કરોડથી વધુનાં ચુકવણાં કર્યાં છે ત્યારે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ કોન્ટ્રાક્ટરોએ 1 ટકા ભાજપને પાર્ટી ફંડ તરીકે આપવાના હોય છે. આ રીતે કોન્ટ્રાક્ટરોએ અંદાજિત 11 કરોડનું દાન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. સ્થાયીના એજન્ડા પર કામ ચઢે અને મંજૂર થાય ત્યારે જ કોન્ટ્રાક્ટરને પાર્ટી ફંડ વિશે જણાવી દેવાય છે. જોકે કેટલાક કોન્ટ્રાક્ટરોના દાન પેટે રૂા.5 કરોડથી વધુ લેવાના બાકી નીકળતા હોવાનું પણ જાણવા મળ્યું છે. બીજી તરફ આ સંદર્ભે પક્ષમાંથી કોઈ પ્રતિક્રિયા જાણવા મળી નહોતી. ભાજપને દાન આપનાર દાનવીરો પૈકી 5 કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર દાન (અંદાજિત) રાજકમલ બિલ્ડર્સ રૂ.3.25 કરોડ એન્વાયરો પ્રોજેક્ટ રૂ.1.50 કરોડ પી. દાસ રૂ.1 કરોડ ડીઆરએ ઈન્ફ્રા રૂ.1 કરોડ શિવાલય ઈન્ફ્રા રૂ. 50 લાખ ભાજપને દાન આપવાનું ફરજિયાત હોવાથી કોન્ટ્રાક્ટર પહેલેથી કામોમાં વધુ ભાવ ભરે છે
શહેરમાં કોઈ પણ વિકાસનાં કામો માટેનાં ટેન્ડર બહાર પડ્યા બાદ કોન્ટ્રાક્ટર પોતાના ભાવ ભરે છે. જોકે સત્તાપક્ષ ભાજપને દાન આપવું ફરજિયાત હોવાથી કોન્ટ્રાક્ટર પહેલેથી જ વધુ ભાવ ભરતા હોય છે. કેટલાક કિસ્સામાં તો કોન્ટ્રાક્ટરે ભરેલા ભાવને ઓછા કરાવવાની તસ્દી લેવાતી નથી. આમ, પ્રજાના પરસેવાના વેરા રૂપે મળતાં નાણાં આડકતરી રીતે કોન્ટ્રાક્ટરો મારફતે ભાજપને મળે છે. કોન્ટ્રાક્ટર ભાજપના નામનો ચેક આપે એટલે રસીદ અપાય છે
રાજ્ય સરકારની ગ્રાંટ અને વેરો ઉઘરાવી પાલિકા દ્વારા શહેરમાં કોન્ટ્રાક્ટરો પાસે કામગીરી કરાવવામાં આવે છે. આ કામગીરી દરમિયાન પાલિકા પેમેન્ટ ચૂકવે એટલે તેમાંથી કોન્ટ્રાક્ટર ભાજપને 1 ટકા મુજબનું પાર્ટી ફંડ આપે છે. જેમાં ચેક સીધો ભારતીય જનતા પાર્ટીના નામે બને છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ભાજપ દ્વારા ચેક લીધા બાદ તેમને ડોનેશનની રસીદ આપવામાં આવે છે, આ રસીદથી કોન્ટ્રાક્ટરોને ટેક્સમાં પણ રાહત મળે છે. રૂા.50 લાખ સુધીનાં અને વાર્ષિક કોન્ટ્રાક્ટનાં કામમાં દાનથી મુક્તિ
પાલિકામાં નાનાં-મોટાં કામો થાય છે. જેમાં 15 લાખથી વધુનાં કામોને સ્થાયી મંજૂરી આપે છે. સ્થાયી સમિતિના એજન્ડા પર કામ ચઢે એટલે કોન્ટ્રાક્ટરને જાણ કરાય છે. જેમાં વર્ષોથી ચાલતી પ્રથા મુજબ ટેન્ડરની મંજૂર થયેલી રકમના 1 ટકા દાન તરીકે આપવાની હોય છે. પાર્ટી ફંડના નામે દરેક કોન્ટ્રાક્ટર પાસેથી દાન લેવાય છે. સૂત્રો મુજબ 50 લાખનાં કામો સુધી અને વાર્ષિક કોન્ટ્રાક્ટના કામોના કોન્ટ્રાક્ટર પાસેથી દાન લેવાતું નથી. કોન્ટ્રાક્ટર તરફથી ભાજપને 1 લાખથી 1 કરોડ સુધીનું દાન મળ્યું છે. તદુપરાંત 1 વર્ષમાં થયેલાં વિકાસ કામોમાં કેટલાક કોન્ટ્રાક્ટરના દાન રૂપે લેવાની રકમ બાકી હોવાનું જાણવા મળ્યું છે. જેમ રાજકીય પાર્ટીઓને સત્તાવાર મળેલા દાનના આંકડાની જાહેરાત કરાય છે, તેવી રીતે શહેરના આંકડા જાહેર કરાય તો પાલિકાના કોન્ટ્રાક્ટર સિવાય બિલ્ડરો અને કંપનીઓએ પણ કરેલા દાનની વિગત સપાટી પર આવી શકે તેમ છે.