અરશદ ઉદ્યોગમાં એક જાણીતું નામ છે. જોકે, તેના માટે આ સ્થાન સુધી પહોંચવું સરળ નહોતું. બાળપણમાં જ માતા – પિતાનું અવસાન થયા પછી અરશદની સફર વધુ મુશ્કેલ બની ગઈ, પરંતુ અરશદે હાર ન માની અને એક પછી એક પોતાનાં સપનાં પૂરાં કર્યાં. નાના નાના કામ કરીને ડાન્સ પ્રત્યેનો પોતાનો શોખ પૂરો કર્યો. આ પછી અરશદ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો. અરશદ ઘણી વખત વિવાદોમાં પણ ફસાયો હતો. તે ઘણા મોટા વિવાદો સાથે સંકળાયેલા રહ્યા છે. આજે, અરશદના 57મા જન્મદિવસ નિમિત્તે, જાણો ગરીબીથી લઈને સ્ટારડમ અને વિવાદ સુધીની તેની વાર્તા… અરશદ વારસીનો જન્મ 19 એપ્રિલ 1968ના રોજ મુંબઈમાં થયો હતો. અરશદ એક મુસ્લિમ પરિવારમાંથી આવે છે. અરશદે બાર્નેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો. બાળપણમાં માતા ગુમાવનાર અરશદ માત્ર 14 વર્ષની ઉંમરે પિતાના અવસાન પછી અનાથ બની ગયો. પિતાના ગયા પછી, તેના માટે જીવનયાપન પણ મુશ્કેલ બની ગયું. ઘર ચલાવવા માટે, અરશદે ધોરણ 10 પછી અભ્યાસ છોડી દીધો અને નાની નોકરીઓ કરવાનું શરૂ કર્યું. ઘરે ઘરે મેકઅપ પ્રોડક્ટ્સ વેચી 17વર્ષની નાની ઉંમરે, અરશદે એક કોસ્મેટિક્સ કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કર્યું. થોડા સમય પછી અરશદે ફોટો લેબમાં કામ કરવાનું શરૂ કર્યું. અરશદને બાળપણથી જ ડાન્સનો શોખ હતો. આર્થિક સ્થિતિમાં સુધારો થયા પછી, અરશદે પોતાનું સ્વપ્ન પૂરું કરવાનું વિચાર્યું. પોતાની પ્રતિભાને કારણે, અરશદ ‘અકબર સામી ડાન્સ ગ્રુપ’માં જોડાયો. આ પછી, અરશદે ‘ઠિકાના’ અને ‘કાશ ફિલ્મો’માં કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું. 21 વર્ષની ઉંમરે ડાન્સ સ્ટુડિયો ખોલ્યો અરશદને શરૂઆતથી જ ડાન્સનો શોખ હતો, તેણે પોતાની ડાન્સ કરિયરમાં સફળતા મેળવી.1991માં, અરશદે ઇન્ડિયા ડાન્સ કોમ્પિટિશન જીતી. આ પછી, 1992માં, 21 વર્ષની ઉંમરે, તેમણે લંડન ડાન્સ સ્પર્ધા જીતી અને તે પૈસાથી તેમણે પોતાનો ડાન્સ સ્ટુડિયો “ઓસમ” ખોલ્યો. આ પછી, અરશદે ફિલ્મ ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ના ટાઇટલ ટ્રેક માટે કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું. જયા બચ્ચને અરશદને હિન્દી ફિલ્મ ઉદ્યોગનો અલ પચિનો કહ્યો અરશદ કોરિયોગ્રાફર તરીકે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવી ચૂક્યો હતો, પરંતુ તેની એક્ટિંગ સફર હજુ બાકી હતી. અરશદને એક્ટર બનાવવામાં જયા બચ્ચનનો ફાળો હતો. જ્યારે જયા બચ્ચને અરશદને જોયો ત્યારે તે ડાન્સ કોરિયોગ્રાફ કરી રહ્યો હતો. તે સમયે, અમિતાભ બચ્ચને ABCL પ્રોડક્શન હાઉસ ખોલ્યું હતું અને ‘તેરે મેરે સપને (1996)’ ફિલ્મ માટે નવા ચહેરાઓ શોધી રહ્યા હતા. જયાએ અરશદને કાસ્ટ કર્યો. આ ફિલ્મનું ગીત ‘આંખ મારે’ ખૂબ જ હિટ થયું અને અરશદને એક એક્ટર તરીકે પણ ઓળખ મળી. જ્યારે જયા બચ્ચને પહેલી વાર અરશદને જોયો ત્યારે તેમણે કહ્યું કે તે હિન્દી ફિલ્મ ઉદ્યોગનો ‘અલ પચિનો’ બનશે. સર્કિટની ભૂમિકાથી અલગ ઓળખ મળી પોતાની પહેલી ફિલ્મ પછી, અરશદે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ તેમને ઓળખ 2003 માં આવેલી ફિલ્મ ‘મુન્નાભાઈ MBBS’ થી મળી. આ ફિલ્મમાં અરશદ સંજય દત્ત સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અરશદે સર્કિટનું પાત્ર ભજવ્યું હતું. તેનું પાત્ર ખૂબ જ પસંદ આવ્યું અને લોકો તેને સર્કિટ તરીકે ઓળખવા લાગ્યા. અરશદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જો મને આ ફિલ્મ ન મળી હોત તો કદાચ મારી કારકિર્દી ખતમ થઈ ગઈ હોત. આ પછી અરશદ ‘હલચલ’, ‘સલામ નમસ્તે’, ‘ગોલમાલ’, ‘ધમાલ’, ‘લગે રહો મુન્ના ભાઈ’, ‘ક્રેઝી 4’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. સાઈડ રોલ ભજવીને મુખ્ય પાત્રને એનર્જી આપી મોટાભાગની ફિલ્મોમાં અરશદે સાઇડ હીરોની ભૂમિકા ભજવી હતી, મુખ્ય પાત્ર હંમેશા તેના વિના અધૂરું લાગતું. અરશદે સંજય દત્ત સાથે ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’માં કામ કર્યું હતું. આમાં તેણે સંજયના ખાસ મિત્ર ‘સર્કિટ’ની ભૂમિકા ભજવી હતી. આ પછી, તેણે અજય દેવગન સાથે ગોલમાલ ફ્રેન્ચાઇઝમાં કામ કર્યું. ફિલ્મમાં માધવની ભૂમિકા ભજવી હતી. ફિલ્મના ચારેય ભાગમાં અરશદ માધવની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ભૂમિકાએ અરશદને એક નવી ઓળખ પણ આપી. માત્ર કોમેડી જ નહીં પરંતુ ગંભીર ભૂમિકાઓ પણ સારી રીતે ભજવી અરશદ ફક્ત કોમેડી ભૂમિકાઓ માટે જ ઓળખાતો હતો, પરંતુ તેણે ગંભીર ભૂમિકાઓ પણ ખૂબ સારી રીતે ભજવી હતી. ફિલ્મ ‘સહર’માં અરશદ એસએસપી અજય કુમારની ભૂમિકામાં જોવા મળ્યો હતો. સમદીશ ભાટિયા સાથેની વાતચીતમાં અરશદે પોતાની ફિલ્મ ‘સહર’ વિશે વાત કરી. એક્ટરેર કહ્યું કે બધાએ મારી ફિલ્મ ‘સહર’ જોવી જોઈએ. મેં પોતે કબીર (દિગ્દર્શક) ને કહ્યું હતું કે શું તમને લાગે છે કે મને આટલી ગંભીર ભૂમિકા માટે કાસ્ટ કરવો યોગ્ય રહેશે કારણ કે મેં શરૂઆતથી જ કોમેડી ફિલ્મો કરી છે.’ અરશદ વારસી સાથે જોડાયેલા વિવાદો ‘કલ્કિ’ ફિલ્મમાં પ્રભાસના પાત્રને ‘જોકર’ કહેતાં વિવાદ થયો અરશદ વારસી વિવાદો સાથે પણ સંકળાયેલા છે. અરશદનું નામ ઘણા મોટા વિવાદો સાથે જોડાયેલું છે. તાજેતરમાં જ તેણે સાઉથ એક્ટર પ્રભાસને ‘જોકર’ કહ્યો હતો. તેમની આ ટિપ્પણી બાદ ઘણો વિવાદ થયો હતો. વાસ્તવમાં, અરશદ વારસીએ સમદીશ ભાટિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રભાસને જોકર કહ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું કે તેમણે જોયેલી છેલ્લી ખરાબ ફિલ્મ કઈ હતી? આ અંગે એક્ટરે પ્રભાસની ફિલ્મ ‘કલ્કિ’નું નામ લીધું અને કહ્યું કે પ્રભાસ તે ફિલ્મમાં જોકર જેવો દેખાતો હતો. તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે મેં ‘કલ્કિ’ જોઈ મને તે ગમી નહીં. મને ખૂબ ખરાબ લાગ્યું છે પણ અમિત જી, હું તે માણસને સમજી શકતો નથી. કસમથી, જો મને તેના જેટલી શક્તિ મળે, તો મારી લાઇફ બની જાય. તે અદ્ભુત છે, અવિશ્વસનીય છે. પ્રભાસને જોયા પછી મને ખૂબ જ દુઃખ થયું. તે ફિલ્મમાં તે કેમ હતો, માફ કરશો પણ તે ‘જોકર’ જેવો દેખાતો હતો. મારે ‘મેડ મેક્સ’ (હોલિવૂડ ફિલ્મ) જોવા માગું છું. હું મેલ ગિબ્સન (હોલિવૂડ એક્ટર) ને ત્યાં જોવા માગું છું. તમે તેને શું બનાવી દીધો યાર? આવું કેમ કરો છો, મને સમજાતું નથી.’ અરશદ વારસી અને તેની પત્નીને સ્ટોક માર્કેટમાં પ્રતિબંધિત કર્યા વર્ષ 2023 માં, અરશદ વારસી અને તેની પત્ની મારિયા ગોરેટ્ટી પર સેબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપ હતો કે અરશદ વારસીએ યુટ્યુબ પર પ્રમોશનલ વીડિયો બનાવીને નાના રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા હતા. આના કારણે રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું. ફરિયાદ બાદ, સેબીએ તપાસ હાથ ધરી હતી અને સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા અરશદ વારસી અને તેમની પત્ની મારિયા ગોરેટ્ટીને સિક્યોરિટીઝ માર્કેટમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. જોકે,સેબીના પ્રતિબંધ પછી, અરશદ વારસીએ પોતાની સ્પષ્ટતામાં લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી. તેણે ટ્વીટ કર્યું હતું કે, ‘કૃપા કરીને તમે જે પણ સમાચાર વાંચી રહ્યા છો તેના પર વિશ્વાસ ન કરો. મને અને મારિયાને શેર વિશે કોઈ જાણકારી નથી. સલાહ લીધા પછી અમે શારદામાં રોકાણ કર્યું અને બીજા ઘણા લોકોની જેમ અમે પણ અમારી બધી મહેનતની કમાણી ગુમાવી દીધી. બોની કપૂર પર ઓછા પૈસા આપવાનો આરોપ અરશદે દાવો કર્યો હતો કે ફિલ્મ ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’માં તેને ઓછું ચુકવણું કરવામાં આવ્યું હતું. એક્ટરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘પ્રોડક્શનના લોકોએ મને ગીત ઝડપથી પૂરું કરવાનું કહ્યું કારણ કે ચાર દિવસ શૂટિંગ કરવા માટે વધુ પૈસા ચૂકવવા પડે તેમ હતા.’ અમે ગીત પૂર્ણ કરવા માટે ખૂબ જ મહેનત કરી અને ત્રણ દિવસમાં પૂર્ણ કરી દીધું. મને લાગ્યું કે પ્રોડક્શનના લોકો ખુશ થશે. હું મારો ચેક લેવા ગયો અને તેમણે મને 75,000 રૂપિયા આપ્યા. મેં કહ્યું, ‘મેં તમારા એક આખા દિવસનું શૂટિંગ બચાવ્યું, તમારે મને વધુ પૈસા આપવા જોઈએ.’ પણ તેણે કહ્યું, ‘ના, ચાર દિવસ માટે ૧ લાખ રૂપિયા અને ત્રણ દિવસ માટે 75,000 રૂપિયા’ આ પછી, બોની કપૂરે બોલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘અરશદે જે કહ્યું તે સાંભળીને મને હસવું આવે છે. ફિલ્મનું શૂટિંગ 1992માં શરૂ થયું હતું અને તે સમયે અરશદ સ્ટાર નહોતો. કોરિયોગ્રાફી ચાર દિવસમાં પૂર્ણ થવાની હતી, પરંતુ સંગીત દિગ્દર્શક પંકજ પરાશરે તેને ત્રણ દિવસમાં પૂર્ણ કરી, જેના માટે અરશદને ત્રણ દિવસ માટે 75,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. અરશદના આ નિવેદન પર બોની કપૂરે એમ પણ કહ્યું કે તેણે આ બધું મીડિયાનું ધ્યાન ખેંચવા માટે કર્યું.’ ‘જોલી એલએલબી 2’ માં મુખ્ય ભૂમિકા ન મળી અરશદે ‘જોલી એલએલબી’માં મેઇન એક્ટર તરીકે કામ કર્યું હતું. અરશદ અને ફિલ્મને ઘણી પ્રશંસા મળી હતી, પરંતુ અક્ષય કુમારે ‘જોલી એલએલબી 2’ માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ અંગે અરશદે મેશેબલ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું ખૂબ જ આળસુ માણસ છું. મને ઘરે બેસવું ગમે છે. ફોક્સ સ્ટુડિયો આ ફિલ્મ બનાવવા માગતો હતો. અક્ષય આ ફિલ્મ કરવા માગતો હતો. હું સ્ક્રિપ્ટથી ખુશ નહોતો, પણ હું ફિલ્મ કરવા માટે તૈયાર હતો કારણ કે ફિલ્મના દિગ્દર્શક સુભાષ મારા ખૂબ સારા મિત્ર છે અને જો સુભાષ કહે કે ફિલ્મ ખરાબ છે, તો પણ હું તેમના માટે ફિલ્મ કરત. મેં પોતે સુભાષને કહ્યું હતું, સુભાષ, આ ફિલ્મમાં અક્ષય સાથે કામ કરો અને ફિલ્મ બનાવો. જો તમે મને આ ફિલ્મમાં કાસ્ટ કરશો તો તમને મારા 500 જ ફેન્સ મળશે, પણ જો તમે અક્ષયને કાસ્ટ કરશો તો તમને તેના 5000 ફેન્સ મળશે. અરશદ વારસી ઘણી ફિલ્મોમાં જોવા મળશે અરશદ આગામી ફિલ્મો ‘જોલી એલએલબી 3’, ‘વેલકમ ટુ ધ જંગલ’, ‘ધમાલ 4’ માં જોવા મળશે. અરશદ ફિલ્મ ‘જોલી એલએલબી 3’ માં અક્ષય કુમાર સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. અહેવાલો અનુસાર, અરશદની ત્રણેય ફિલ્મો વર્ષ 2025 માં રિલીઝ થઈ શકે છે.