રાજપીપળા નજીક જીતગઢ ખાતે આવેલા કરજણ ડેમમાં હાલ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નાયબ કાર્યપાલક ઈજનેર મયંક રાઠોડના જણાવ્યા અનુસાર, ડેમમાં અત્યારે 70% પાણીનો જથ્થો છે. આ જથ્થો ચોમાસા સુધી ચાલે તેટલો છે. ડેમમાં હાલ 363.85 મિલિયન ક્યુબિક મીટર પાણી સંગ્રહિત છે. જળ સપાટી 108.63 મીટર નોંધાઈ છે. કરજણ ડેમ ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી ગણાય છે. નાંદોદ અને ગરુડેશ્વર તાલુકાના તેમજ ભરૂચના ઝગડીયા, નેત્રંગ અને વાલિયા તાલુકાના હજારો ખેડૂતોને સિંચાઈનું પાણી કરજણ ડેમની કેનાલો મારફતે મળે છે. રાજપીપળા શહેર અને નાંદોદ તાલુકાના 100થી વધુ ગામોમાં પીવાનું પાણી આ ડેમમાંથી આપવામાં આવે છે. ઉનાળામાં મોટાભાગના જળાશયોમાં ગરમીને કારણે પાણીનો સંગ્રહ ઘટી રહ્યો છે. કરજણ કિનારાના ખેડૂતોને ઉનાળુ પાક માટે ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.