back to top
Homeગુજરાતપ.બંગાળમાં હિંદુઓની હત્યાઓ મામલે ગુજરાતમાં વિરોધ:અમદાવાદ VHPએ મમતા બેનર્જીનું પૂતળું બાળતાં પોલીસ...

પ.બંગાળમાં હિંદુઓની હત્યાઓ મામલે ગુજરાતમાં વિરોધ:અમદાવાદ VHPએ મમતા બેનર્જીનું પૂતળું બાળતાં પોલીસ સાથે ઘર્ષણ; વડોદરામાં રેલી કાઢી કલેક્ટર કચેરી બહાર રામધૂન બોલાવી

પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર ચાલી રહેલી હિંસાના વિરોધમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે ગુજરાતભરમાં વિરોધપ્રદર્શન યોજાઈ રહ્યાં છે. જ્યાં અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ મમતા બેનર્જીનું પૂતળું બાળી વિરોધ નોંધાવતાં પોલીસ સાથે સામાન્ય ઘર્ષણ સર્જાયું હતું. જ્યારે વડોદરામાં હાથમાં બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી અને કલેક્ટર કચેરી પહોંચી જય શ્રીરામ નારા સાથે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. તો રાજકોટમાં પણ મુર્શિદાબાદમાં હિંદુઓની થયેલી હત્યા મામલે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા NIAને તપાસ સોંપવાની માગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. અમદાવાદ
મમતા બેનર્જીનું પૂતળું બાળતાં પોલીસ સાથે ઘર્ષણ
પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર થયેલા અત્યાચાર અને હિંદુઓની હત્યા મામલે આજે (19 એપ્રિલ 2025)એ અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા વિરોધપ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સવારથી અહીં લોકો ભેગા થયા હતા અને મમતા બેનર્જીની પશ્ચિમ બંગાળ વિશેની વિચારધારા વિશે વિરોધપ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર આંદોલન અને સૂત્રોચ્ચાર વચ્ચે અચાનક વિહિપ દ્વારા મમતા બેનર્જીનું પૂતળું લાવીને બાળી દેવામાં આવ્યું હતું. આ સમયે પોલીસ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ થયું હતું. હાલ આ કાર્યક્રમમાં ભેગા થયેલા લોકોને પોલીસ દ્વારા ડિટેઇન કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વડોદરા
રાષ્ટ્રપતિશાસન લાવવાની માગ સાથે વિશાળ રેલી
વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે પોસ્ટરો અને બેનરો સાથે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિશાસન લાવવાની માગ સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાયા હતા અને મમતા સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ રેલીને કારણે માર્ગો પર ઠેર-ઠેર ટ્રાફિકજામ થઈ ગયો હતો. એ બાદ રેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચી હતી અને કાર્યકરોએ રામધૂન અને હનુમાન ચાલીસા અને જય શ્રીરામના ગગનભેદી નારા લગાવ્યા હતા. કાર્યકરોએ કલેક્ટર કચેરી રામધૂન સાથે પશ્ચિમ બંગાળ સરકારવિરોધી સૂત્રોચ્ચાર કરીને ગજવી દીધી હતી. કલેક્ટર કચેરી બહાર રામધૂન અને હનુમાન ચાલીસાનું પઠન
વિશ્વ હિન્દુ પરિષદની રેલી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને એ માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ-બંદોબસ્ત વચ્ચે જિલ્લા કલેક્ટરને વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિશાસન લગાવવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી. VHP દ્વારા સમગ્ર દેશમાં વિરોધ ફાટી નીકળશેની ચીમકી
વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં વક્ફ બોર્ડ બિલના વિરોધમાં ફાટી નીકળેલાં તોફાનોમાં હિંદુઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, એને હિન્દુ સંગઠનો દ્વારા સાખી લેવામાં આવશે નહીં. વહેલી તકે હિંદુઓ પરનો અત્યાચાર બંધ કરવામાં નહીં આવે તો સમગ્ર દેશમાં વિરોધ ફાટી નીકળશે એવી ચીમકી ઉચ્ચારી હતી. જોકે વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી વિષ્ણુ પ્રજાપતિને મણિપુરમાં ચાલી રહેલાં તોફાનોમાં હિન્દુઓ પર ગુજારવામાં આવી રહેલા અત્યાચાર અંગે VHP સહિત હિંદુ સંગઠનો કેમ આગળ આવતાં નથી‌, એવા સવાલના જવાબમાં તેમણે ગોળ ગોળ જવાબ આપતાં જણાવ્યું હતું કે મણિપુરમાં ફાટી નીકળેલાં તોફાનો માટે કેન્દ્ર સરકારે કાર્યવાહી કરવાની છે, જેમાં વિશ્વ હિન્દુ પરિષદને કંઈ લાગતુંવળગતું નથી. રાજકોટ
બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવા માગ
વિશ્વ હિંદુ પરિષદ રાજકોટ મહાનગર દ્વારા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી થયેલી હિંદુઓની નિર્મમ હત્યા, તોફાન, આગચંપી, હિંસા, લૂંટફાટ અને વિશાળ પાયે થયેલા સ્થળાંતરના બનાવોની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, સાથે જણાવ્યું હતું કે વિરોધપ્રદર્શન તો દેશભરમાં થાય છે, પરંતુ હિંસા અને હિંદુઓ પરના હુમલા મોટેપાયે બંગાળમાં જ શા માટે થાય છે?, મુર્શિદાબાદની સમગ્ર ઘટનાની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા તપાસ થાય અને બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવે, ઉપરાંત પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશથી મુસ્લિમોની ઘૂસણખોરી બંધ કરવામાં આવે એવી માગ સાથે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. હિંદુઓને ન્યાય મળવો જોઈએ, હુમલાખોરોને કડક સજા થવી જોઇએ
વિશ્વ હિંદુ પરિષદ – રાજકોટના આશિષ શેઠે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓ પર રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી મૌન ધારણ કરે છે. જ્યારે તેઓ પોતે કહે છે કે આ હુમલાઓ પૂર્વનિયોજિત હતા, જેમાં વિદેશી બાંગ્લાદેશીઓનો હાથ છે અને એ આંતરરાષ્ટ્રીય મામલો છે, તો પછી પણ તેઓ એનઆઈએ તપાસની માગ શા માટે નથી કરતી?. અમારું માનવું છે કે પીડિત હિંદુઓને ન્યાય મળવો જોઈએ અને હુમલાખોરોને કડક સજા થવી જોઈએ. જેમની સંપત્તિ લૂંટાઈ છે, સળગાવવામાં આવી છે અથવા ખંડિત કરવામાં આવી છે તેમની તાત્કાલિક ભરપાઈ થવી જોઈએ અને હિંદુઓને રાજ્યમાં સુરક્ષા મળે. સમાજસેવી સંસ્થાઓ સામે પણ શાસનનું કડક વલણ જોવા મળ્યું
તેમણે વધુમાં કહ્યું હતું કે મુર્શિદાબાદમાંથી માલદા સ્થાયી થવા મજબૂર થયેલા હિંદુ પરિવારોના દુઃખ પર છાંયો પાડવાની કે તેમને વાત જ છોડી દો. રાજ્ય સરકારે જે સમાજસેવી સંસ્થાઓ આ પીડિત બહેનો, દીકરીઓ, બાળકો, વૃદ્ધો અને અન્ય લોકોની મદદ માટે આગળ આવી હતી. તેમને ભોજન, પાણી કે જીવન જરૂરિયાતની સુવિધાઓ આપવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ શાસનનું કડક વલણ જોવા મળ્યું. ગઈકાલથી તેમની સહાયને પણ રોકી દેવામાં આવી છે. સરકાર કહે છે કે રાહત સામગ્રી અમને આપો, અમે વહેંચીશું. આ કેવો વ્યવહાર છે? જો શાસન પોતે વહેંચવાનું હતું તો પછી સમાજસેવી સંસ્થાઓને આગળ આવવાની જરૂર શું? રાજ્ય સરકારે આ નિર્ણય પર પુનઃવિચાર કરવો જોઈએ
તેમણે વધુમાં કહ્યું હતું કે ઘણા પીડિત પરિવારોને સરકાર પોતાની ભૂલો છુપાવવા માટે જબરદસ્તી મુર્શિદાબાદ પાછા મોકલી રહી છે, જ્યારે તેઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી કેન્દ્રીય સુરક્ષા દળોની મજબૂત વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ત્યાં જવાનું અમારું જીવન જોખમમાં નાખવા જેવું છે. લોકોને પરત મોકલવા એ જીવતા માણસોને મૃત્યુ તરફ ધકેલવું નથી તો શું છે? રાજ્ય સરકારે આ નિર્ણય પર પુનઃવિચાર કરવો જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments