નવસારી ગણદેવી રોડ પર રાજહંસ સિનેમા પાસે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. રસ્તા પર અચાનક ગાય આવી જતાં અને અંધારાને કારણે ચાલકને ડિવાઈડર ન દેખાતા પેટ્રોલ-ડીઝલથી ભરેલું ટેન્કર પલટી ગયું હતું. ટેન્કરમાં 8 હજાર લીટર પેટ્રોલ અને 4 હજાર લીટર ડીઝલ ભરેલું હતું. અકસ્માતને પગલે ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલ રસ્તા પર ઢળી ગયું હતું. તાત્કાલિક નવસારી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટેન્કર પલટી જવાને કારણે નવસારી-ગણદેવી માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા કરી હતી.