રાજકોટમાં વધુ એક બોગસ ડૉક્ટર ઝડપાઈ ગયો છે. RTO કચેરી પાછળ બ્યુટી પાર્લરની આડમાં ક્લિનિક ચલાવતા નકલી ડોકટર હરેશ મારૂને SOGની ટીમે પકડી લઈ મેડિકલ દવાઓ સહિત રૂ.17,115નો મુદામાલ કબ્જે કર્યો હતો. મૂળ આંકોલવાડી ગીરનો વતની બોગસ તબીબ છેલ્લા 10 વર્ષથી બિહારની ડિગ્રી પર દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો. RMC હેલ્થ ઓફિસરે દરોડો પાડી બોગસ ડૉક્ટરને અટકમાં લીધો
SOG સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે નેશનલ હાઇવે નજીક RTO કચેરી પાછળ શ્રી રામ સોસાયટીમાં હરેશ મારૂ નામનો શખસ ઘરે જ ક્લિનિક ધરાવી લોકોને જોઈ તપાસી દવા આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. એવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે RMC હેલ્થ ઓફિસરને સાથે રાખી દરોડો પાડી બોગસ ડૉક્ટરને અટકમાં લીધો હતો. જેનું નામ પૂછતા તે હરેશ સવજી મારુ (ઉ.વ 58, મૂળ વતન આંકોલવાડી ગીર,તળાલા) હોવાનું જણાવેલ હતું. 17, 115નો મુદામાલ કબ્જે કરી ધરપકડ કરી
SOGની ટીમે મકાન-કિલનિકમાં જોતા તે દવાખાનામાં પ્રવેશતા અંદરના ભાગે એક ખુરશી-ટેબલ તથા એક સારવાર માટેના બેડ પડેલ હત. બેડના ખાનામાં મેડિકલ સારવારના સાધનો તથા અન્ય જુદી-જુદી એલોપેથીક દવાઓ વગેરે ગોઠવી હતી. બોગસ ડૉક્ટર પાસે મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગે ડિગ્રી સર્ટીફીકેટ માંગતા તેની પાસે માન્ય ડિગ્રી સર્ટિફિકેટ મળી આવ્યું નહીં. જેથી એસઓજીની ટીમે અલગ-અલગ મેડિકલ દવાઓ સહિત રૂ.17, 115નો મુદામાલ કબ્જે કરી બોગસ તબીબની ધરપકડ કરી હતી. 10 વર્ષથી બ્યુટી પાર્લરની આડમાં દવાખાનું ચલાવતો હતો
વધુમાં પોલીસે જણાવ્યા અનુસાર, પકડાયેલ હરેશ મારૂ છેલ્લા 10 વર્ષથી પોતાના ઘરે જ બ્યુટી પાર્લરની આડમાં દવાખાનું ચલાવતો હતો અને તેની પાસેથી બિહારના પટનાની આયુર્વેદિક યુનિવર્સિટીની ડિગ્રી મળી આવી હતી તેમજ મકાન પર કોઈપણ જાતનું બોર્ડ માર્યુ નહોતું અને તે નીચેના માળે ક્લિનિક અને ઉપરના માળે બાટલા ચડાવી સારવાર પણ આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.