ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના વડોદરા ડિવિઝનમાં 650 જેટલી બસો કાર્યરત છે, જેમાંથી દર મહિને 1 હજાર ટાયર બદલવાં પડે છે. રેસકોર્સના એસટી વર્કશોપમાં આવાં 3 હજારથી વધુ ટાયરોનો જથ્થો મૂકાયેલો છે. આ અંગે એસટી ડેપોના અધિકારી વિકલ્પ શર્માએ જણાવ્યું કે, વડોદરા ડિવિઝનમાં 650 બસો રોજ મુસાફરોનું વહન કરે છે. રોજિંદા ફેરાને કારણે ટાયરોને પડતાં ઘસારા અને મુસાફરોની સેફ્ટી માટે બસોનાં ટાયરો બદલવાં પડતાં હોય છે. આ ટાયરોના વેસ્ટને રેસકોર્સ વર્કશોપ ખાતે રાખવામાં આવે છે. બસોમાંથી દર મહિને અંદાજે 800થી 1 હજાર ટાયરોનો વેસ્ટ નીકળતો હોય છે. આ ટાયરોના વેસ્ટના નિકાલ માટે દર મહિને ઓનલાઇન ઓક્શન યોજવામાં આવે છે. સાથે જ આ ખુલ્લામાં પડી રહેલાં ટાયરોમાં જો કોઇ અગમ્ય કારણોસર આગ લાગે તો તેને કાબૂમાં લેવા માટે દરેક પ્રકારની ફાયર સેફ્ટી પણ તૈયાર રાખવામાં આવી છે, જેથી કોઇ મોટી દુર્ઘટના ન સર્જાય.