રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામેથી 7 વર્ષના બાળકથી લઈને 17 વર્ષ સુધીના સગીરોને સુરતના પુણાની બિલનાથ સોસાયટીમાં સાડીના કારખાનામાં ગોંધી રાખી કાળી મંજૂરી કરાવવામાં આવી રહી હતી. સવારના 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સતત 17 કલાક સુધી કામથી અને શેઠના મારથી ત્રાસીને બે બાળક હિંમત કરીને ભાગી પોલીસ સ્ટેશન પહોંચી ગયાં હતાં. જે બાદ પોલીસે તેમની પૂછપરછ કરી સમગ્ર વિગત મળ્યાં બાદ બે દિવસ સુધી બાળકોને સાથે રાખી પગપાળા કરીને કારખાનું શોધી અન્ય એક બાળક અને બે સગીરને કારખાનેદારની ચૂંગલમાંથી મુક્ત કરાવ્યાં હતાં. બે બાળક ભાગીને પોલીસ સ્ટેશન પહોંચી ગયાં
મળતી માહિતી પ્રમાણે, ગોડાદરા પોલીસ મથકે 18 એપ્રિલની રાત્રે સાત-સાત વર્ષની વયનાં બે બાળક આવી ચઢ્યા હતા. ગભરાયેલા લાગતા પોલીસ દ્વારા આ બંને બાળકની પૂછપરછ કરતા તેઓ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ગામના હોવાનું જણાવ્યું હતું. તેઓને ગામડેથી લાવી સુરતમાં સાડીની ગડી વાળવાના કારખાનામાં ગોંધી રાખી સતત 17 કલાક કાળી મજૂરી કરાવવામાં આવતી હોવાનો પણ પોલીસ સમક્ષ ચોકાવનારો ખુલાસો કર્યો હતો. બાદમાં ગોડાદરા પોલીસે બંને બાળકોને કતારગામમાં આવેલા ચાઇલ્ડ વેલફેર સેન્ટરમાં મોકલી આપ્યા હતા. પોલીસે ત્રણ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી
બાદમાં મહિલા સેલના એસીપી મિની જોસેફ બાળકો પાસે પહોંચ્યા હતા અને વિગતવાર પૂછપરછ કરતાં તેમણે વધુ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પોતાની ઉપરાંત બીજા ત્રણ લોકોને પણ આ કારખાનેદારે ગોંધી રાખ્યા હોવાનું જણાવતાં આ કારખાનું શોધવાનો પોલીસે નિર્ણય કર્યો હતો. જેથી પોલીસની અલગ-અલગ ટીમો પણ બનાવવામાં આવી હતી. બાળકે કારખાના તરફ આંગણી ચીંધીને પોલીસ અંદર પહોંચી
બાળકોને કારખાનું તો યાદ હતુ, પરંતુ તેઓ રાત્રે ભાગ્યા હતા અને ઘણું ચાલ્યા હોવાથી ચોક્કસ વિસ્તાર વિશે અજાણ હોવાનું જણાવ્યું હતું. બીજા બાળકોને બચાવી શકાય તે માટે વરાછા, પુણા અને ગોડાદરા એમ ત્રણ પોલીસ મથકમાંથી મહિલા પીએસઆઇની આગેવાનીમાં ત્રણ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ બે દિવસ બાળકોને લઇ પગપાળા ફરતી રહી હતી. ત્યારે 19 એપ્રિલના રોજ પુણા સીતારામ સોસાયટીની પાછળ બિલનાથ સોસાયટીમાં આવેલું કારખાના તરફ બાળકોએ આંગળી ચીંધી હતી. બાળકે પોતાની આપવીતી પોલીસને જણાવી
પોલીસને આ કારખાનામાંથી સાત વર્ષનું એક બાળક અને 17-17 વર્ષના બે સગીર મળી આવ્યા હતા. બાળકોએ પોલીસને જણાવ્યું હતું કે, અનેક મહિનાથી તેઓ આ કારખાનામાં કાળી મજુરી કરી રહ્યા છે. મળસ્કે પાંચ વાગ્યે જ શેઠ તેમને ઉઠાડી દેતો. ન ઉઠે કે કામ કરવામાં આળસ કરે તો તે સંજોગોમાં માર મારવામાં આવતો. રાત્રે દસ વાગ્યા સુધી 17 કલાકની કાળી મજૂરીના બદલામાં માત્ર 200 રૂપિયા રોજનું મહેનતાણું અને બપોરે એક કલાકની રિસેસ મળતી હતી. કારખાનું ચલાવનારની ધરપકડ કરાઈ
વરાછાની મહિલા સબ ઇન્સ્પેક્ટર એફ.એસ. ચૌધરીની ફરિયાદને આધારે પુણા પોલીસે આ મામલે ગુનો નોંધી કારખાનું ચલાવતા પ્રકાશ ભુરીલાલ ભૂરીયા (રહે. ગૌરાણા ગાણ, તા. જાડોદ, જિ. ઉદેપુર)ની ધરપકડ કરી હતી.