અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની સત્તા હોવા છતાં પણ કામગીરી ઝડપી ન થતી હોવાની ફરિયાદ ખુદ ભાજપના જ ધારાસભ્ય દ્વારા કરવામાં આવે છે. વેજલપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન સમિતિમાં વેજલપુર બુટ ભવાની મંદિર પાસે બની રહેલા ઓવરબ્રિજની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ થાય છે. બે વર્ષ મોડું કામ થયું છે, જેના કારણે ટ્રાફિક વધારે થાય છે. જીવરાજ પાર્ક અને વેજલપુર વિસ્તારના નાગરિકોને હાલાકી પડતી હોવાથી આ બ્રિજની કામગીરી ઝડપી કરી અને પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. વરસાદી પાણીના નીકાલની લાઈન ઝડપી નાખવા રજૂઆત
એક અઠવાડિયા પહેલા જ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર સપ્લાય અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મકરબા હેડ ક્વાર્ટરથી બુટ ભવાની મંદિર સુધી વરસાદી પાણીના નિકાલ માટે લાઈન નાખવાના કામને મંજૂરી આપી હતી. ધારાસભ્યે જણાવ્યું હતું કે, આ લાઇન નાખવા માટે સરકારમાંથી ગ્રાન્ટ લાવવામાં આવી હતી, પરંતુ ટેન્ડરની પ્રક્રિયા ધીમી અને હજી સુધી કામગીરી શરૂ નહીં થઈ હોવાને લઈને પણ તેઓએ ઉગ્રતાથી રજૂઆત કરી હતી. આગામી ચોમાસા સુધી હવે આ કામગીરી પૂરી નહીં થાય ત્યારે હજી પણ વેજલપુરના નાગરિકોને વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનો સામનો કરવો જ પડશે. કામગીરી ઝડપીમાં ઝડપી શરૂ કરવા માટેની તેઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી. ગટર ઉભરાવાના પ્રશ્નને પણ ધારાસભ્યએ ઉઠાવ્યો
બીજી તરફ સરદાર પટેલ રિંગરોડ પર શાંતિપુરા સર્કલ પાસે એપલ વુડ અને આજુબાજુના વિસ્તારોમાં હજી પણ ગટરના પાણી ઉભરાવાની સમસ્યા થઈ રહી છે. આ સમસ્યાનો નિકાલ લાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ તે કામગીરી પણ ખૂબ જ ધીમી થઈ રહી છે. જેથી એક સોસાયટીનો પ્રશ્ન હોવાનું અધિકારીઓ જણાવ્યું હતું. ત્યારે ધારાસભ્યએ કહ્યું હતું કે, તેને બાદ કરતાં બાકીનાનું કામ ઝડપીથી પૂરું થાય એના માટે કમિશનર સાથે રાઉન્ડ લઈ અને કામગીરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું. RTEના નામે તોડબાજી કરનારા સામે પગલા લેવા કોંગ્રેસની રજૂઆત
જમાલપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આર.ટી.આઈ એક્ટિવિસ્ટોને લઈને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી કે. સુરતમાં કોર્પોરેશન દ્વારા આર.ટી.આઈ એક્ટિવિસ્ટોને લઈને પરિપત્ર કરવામાં આવ્યો છે તે મુજબ અમદાવાદમાં પણ પરિપત્ર કરવાની માંગણી કરી હતી. કારણ કે, અનેક લોકો આરટીઆઇના નામે તોડબાજી કરતા હોય છે. જે પણ બાંધકામ થતું હોય છે અથવા તો રિપેરિંગ કામ થતું હોય છે, તેમાં જેને કોઈ લેવાદેવા હોતા નથી તેવા લોકો આરટીઆઇ કરી અને માહિતી માંગી ત્યારબાદ તોડબાજી કરતાં હોય છે. એકના એક વ્યક્તિ વારંવાર અનેક જગ્યાએ અરજી કરતા હોય ત્યારે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી કમિશનર સમક્ષ રજૂઆત કરાઈ હતી.