અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી ન હોવા છતાં સલીમખાન સહિતના પાંચ લોકોએ વક્ફ બોર્ડની અને બોર્ડે AMCને આપેલી જમીન પર ગેરકાયદે દુકાનો અને મકાન બનાવી લાખો રૂપિયાના ભાડાની વસૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. જે પાંચ લોકો ઝડપાયા છે તેઓ વક્ફ બોર્ડમાં ટ્રસ્ટી ન હોવા છતાં ખોટી ઓળખ આપી બોર્ડની મિલકતમાં રહેતા લોકો પાસેથી ભાડાની વસૂલાત કરતા હતા. તેઓ 100 મકાનનું મકાન દીઠ 7થી 8 હજાર ભાડું લેતા હતા. વક્ફ બોર્ડે AMCને શાળા માટે આપેલી જમીન પરની શાળા જર્જરિત થયા બાદ આરોપીઓએ ત્યાં નવી શાળા બનાવવાના બદલે ગેરકાયદે દુકાન ખડકી દીધી હોવાનું પણ સામે આવ્યું છે. સલીમખાન સહિતની ટોળકીએ વક્ફ બોર્ડની અંદાજિત 100 કરોડની મિલકતનું ગેરકાયદે રીતે ભાડું વસૂલતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે પાંચેય આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. બની બેઠેલા ટ્રસ્ટીઓએ શાળાનું બાંધકામ તોડી ગેરકાયદે દુકાનો ખડકી દીધી
જમાલપુરમાં કાચની મસ્જિદની પાસે રહેતા મોહમ્મદ રફીક અન્સારીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ વર્ષોથી કાચની મસ્જિદ ટ્રસ્ટની મિલકતમાં રહે છે. ટ્રસ્ટના તમામ જૂના ટ્રસ્ટીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. મસ્જિદ ટ્રસ્ટમાં મસ્જિદને અડીને જમીન આવેલી છે. જમીન વર્ષો પહેલાં ટ્રસ્ટ દ્વારા એએમસીને સોંપવામાં આવી હતી. 2001ના ભૂકંપમાં AMCની સ્કૂલ જર્જરિત થતા તકનો ફાયદો લીધો
ત્યાર બાદ એએમસીએ આ જગ્યા ઉપર સ્કૂલ બનાવી હતી. 2001માં ભૂકંપ સમયે સ્કૂલનું બાંધકામ જર્જરીત થઈ ગયું હતું. આ તકનો ફાયદો ઉઠાવી 2009માં બની બેઠેલા ખોટા ટ્રસ્ટીઓએ શાળાનું બાંધકામ તોડી પાડ્યું હતું અને બીજી ઉર્દૂ શાળા બનાવી નહોતી. તે જગ્યા ઉપર 10 જેટલી દુકાનો બનાવી હતી, જેમાં સલીમખાને પોતાની સોદાગર કન્સ્ટ્રક્શન નામની ઓફિસ ખોલી હતી અને અન્ય નવ દુકાનો ભાડુઆતને ભાડે આપી હતી. જે ભાડું આવ્યું તે ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા કરાવ્યું નથી અને કોર્પોરેશનમાં પણ જમા કરાવ્યું નથી. સલીમ ખાને એએમસી અને વકફ બોર્ડ સાથે છેતરપિંડી કરી છે. ટ્રસ્ટની મિલકતમાં આરોપીઓએ ફ્લેટ પણ બનાવી નાખ્યા
સલીમખાન 15 લોકો પાસેથી મકાનના ભાડા પેટેના ગેરકાયદેસર ભાડાં ઉઘરાવે છે. આ ઉપરાંત બોર્ડમાં સલીમ ખાન પઠાણ, મહેબૂબ ખાન તથા અન્ય કોઈ વ્યક્તિની ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ નથી છતાં તે લોકો ગેરકાયદેસર રીતે ભાડા ઉઘરાવે છે. એટલું જ નહીં 2005થી સલીમ ખાન અને તેમની સાથેના અન્ય ચાર લોકો ભેગા મળીને વકફ બોર્ડમાં ટ્રસ્ટી તરીકે ન હોવા છતા ટ્રસ્ટની મિલકતના 25થી 30 દુકાનો 200 જેટલામ મકાનો જેમાં બે ગેરકાયદેસર 6 માળના ફ્લેટ પણ બનાવ્યા છે, તેનું પણ ભાડું ઉઘરાવે છે. ભાડાની રકમ તે તો પોતાના ફાયદા માટે ઉપયોગમાં લે છે. શાહ બડા કાસિમ ટ્રસ્ટની દાનપેટી છે, જે દાનપેટીમાં દર મહિને 50,000ની આવક થાય છે તે પણ આ લોકો વાપરે છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પાંચ સામે ફરિયાદ
સલીમ ખાન વિરુદ્ધમાં હત્યા, રાયોટિંગ સહિતના ગુના પણ નોંધાયેલા છે. 23 જુલાઈ 2024ના રોજ ખોટું સોગંદનામું કરીને ટ્રસ્ટી તરીકે વખત બોર્ડમાં રજૂ કર્યું હતું. વકફ બોર્ડ ગાંધીનગર ખાતે પણ ખોટું સોગંદનામું રજૂ કર્યું છે. આમ સલીમ ખાન પઠાણ, મોહમ્મદ યાસર શેખ, મહેમુદ ખાન પઠાણ, ફેઝ મોહમ્મદ જોબદાર, શાહિદ અહેમદ શેખ પાંચેય જણાએ ભેગા મળીને ટ્રસ્ટી ન હોવા છતાં વકફ બોર્ડની મિલકતમાં રહેતા અને દુકાન ધરાવતા લોકો પાસેથી ગેરકાયદેસર ભાડા વસૂલ કર્યાં છે. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે પાંચે સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓએ 100 કરોડની મિલકત પર ભાડું વસૂલ્યુંઃ ડીસીપી
ઝોન 3ના ઈન્ચાર્જ ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે, આરોપીઓએ કુલ 100 કરોડની મિલકત પર લોકો પાસેથી ભાડું વસૂલ્યું હતું. 100 મકાનોનું મકાન દીઠ 5થી 7 હજાર ભાડું વસૂલવામાં આવતું હતું. 10 દુકાનનું દુકાન દીઠ 10 હજાર ભાડું વસૂલવામાં આવતું હતું. આરોપીઓ વર્ષ 2005થી ટ્રસ્ટના નામે ભાડું લેતા હતા. છેલ્લાં 20 વર્ષથી ભાડું લેતા હતા. પાંચેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.