શીલ પોલીસે દરસાલી ગામ નજીક મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ચોખાના બોરાની આડમાં છુપાવેલો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. મહિલા પીએસઆઇ એસ.એ.સોલંકી અને પોલીસ સ્ટાફે સરકારી ખરાબા વિસ્તારમાંથી એક ટ્રક સાથે બે આરોપીઓને પકડ્યા છે. ગઈકાલે રાત્રે 11:30 વાગ્યે મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. ટ્રક નંબર GJ-11-VV-3676માંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ અને બીયરનો જથ્થો મળ્યો હતો. પોલીસે કુલ ₹21,16,806નો મુદ્દામાલ કબજે કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 492 દારૂની બોટલ (₹1,94,856), 112 બીયર ટીન (₹11,200), બે મોબાઇલ ફોન (₹20,000), રોકડા ₹3,000, 235 ચોખાના બાચકા (₹3,87,750) અને આઇસર ટ્રક (₹15,00,000)નો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં જુનાગઢના જામવાડી ગામના રીઝવાન ઉમરભાઈ લાખા (25) અને ઇરફાનશા રફીકશા સર્વદી (20)નો સમાવેશ થાય છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે દારૂનો જથ્થો રાજસ્થાનના ફતેહપુરથી લવાયો હતો. આ જથ્થો દરસાલી ગામના મેહુલ રબારીને પહોંચાડવાનો હતો. શીલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ અન્ય આરોપીઓની શોધખોળ માટે તપાસ હાથ ધરી છે.