ગુજરાત રાજયની જીવાદોરી નર્મદાનું ગુજરાતનું પ્રવેશદ્વાર એવા છોટાઉદેપુર જિલ્લાના હાફેશ્વરના ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારવા મજબૂર બન્યા છે. સામે દેખાતી નર્મદા નદીના પાણી જોઈ શકે છે પણ તેનું પી શકતા નથી. કારણ કે નર્મદા નદી કરતા ડુંગરના કોતરોમાંથી નીકળતું પાણી નજીક પડે છે. પણ ઉનાળાની કાળઝાળ ગરમી, સૂરજ મધ્યાહને તપે અને મહિલાઓ માથે બેડા મૂકી ડુંગરના કોતરો સુધી જઈને પાણી ભરવા મજબુર બને છે. સરકારની નલ સે જલ યોજનાનું હાફેશ્વરમાં સુરસુરિયું
ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે,ત્યારે છોટા ઉદેપુર જીલ્લામાં ઠેર ઠેર પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. નર્મદા નદીના કાંઠે વસતા હાફેશ્વર ગામના લોકો પીવાના પાણી માટે હવાતિયાં મારી રહ્યા છે. સરકારની નલ સે જલ યોજનાનું હાફેશ્વરમાં સુરસુરિયું જોવા મળે છે. અહીંયા નળ તો દૂર પાઇપલાઇન પણ પૂરી કરવામાં આવી નથી. લગભગ 50 ઘર વચ્ચે પાઇપ લાઈન દ્વારા સ્ટેન્ડપોસ્ટ બનાવીને નળ બેસાડ્યા છે. પણ તેમાંય એક પણ દિવસ પાણી નથી આવ્યું. કેટલીક જગ્યાએ સંપથી સ્ટેન્ડ પોસ્ટ સુધી પાણી પહોચાડતી પાઇપ પણ ખુલ્લી જોવા મળે છે. હાફેશ્વર ગામમાં 12 ફળીયા, 7 હજાર લોકોની વસ્તી, 10 ફળિયામાં નથી મળી રહ્યું પાણી
હાફેશ્વર ગામમાં મુખ્ય 12 ફળિયા આવેલા છે, જેમાં કુલ લગભગ 7 હજારની વસ્તી આવેલી છે. ગામના આમલાપાની ફળિયું, ઝરણા ફળિયું,પાદર ફળિયું, કેલિયાબારી ફળિયું,ઉતલધરા ફળિયુ,મહુંડીયાબારી ફળિયું,વાકવી ફળિયું,ઝરવી ફળિયું,મહુડા બારી ફળિયું, આંબાબારી ફળિયું, સિંગલાબારી ફળિયું, માથામહુડી ફળિયું આમ 12 મુખ્ય ફળિયા છે અને તેમાંથી માત્ર 2 ફળીયામાં જ પાણી પુરવઠા અને વાસ્મો દ્વારા સંચાલિત નલ સે જલ યોજનાનું પાણી મળે છે. બાકીના 10 ફળિયાના લોકો પાણી માટે હવાતિયાં મારી રહ્યા છે. આ ગામ ડુંગરાળ વિસ્તાર છે, અને લોકો દૂર દૂર છૂટા છવાયા વસવાટ કરે છે જેમણે હજી સુધી નલ સે જલ યોજનાના પાણીનું એક ટીપું પણ જોયું નથી. ગામમાં 100 કરતા વધુ હેન્ડપંપ અને બોર આવેલા છે. તેમાં પણ પાણી ઊંડે ઉતરી જતાં પાણીની મુશ્કેલી સર્જાઈ છે.જેના કારણે ગ્રામજનો કોતરમાંથી પાણી ભરવા મજબુર બન્યા છે. ગામની મહિલાઓને ડુંગરો વચ્ચેથી પસાર થતા કોતરોમાંથી પાણી ભરીને ડુંગરો ચઢીને ઘર સુધી લઈ જવાની ફરજ પડે છે. આંગણવાડી, સરકારી શાળાઓ અને આરોગ્ય કેન્દ્રમાં પણ નથી આવી રહ્યું પાણી
ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ આવેલા છે, તેમાં પણ આજદિન સુધી પાણી નથી આવ્યું. આ અંગે ગામના પૂર્વ સરપંચ અને પૂર્વ તાલુકા ભાજપના પ્રમુખે ઉચ્ચ અધિકારીઓને આ વિશે જાણ કરી હોવાનું જણાવ્યું હતું પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અન્ય જગ્યાએ જતું પાણી બંધ કરી આંદોલન કરવાની ચીમકી
એક તરફ સરકાર વિકાસના મોટા મોટા દાવા કરી રહી છે. નલ સે જલ યોજના હેઠળ આખા ગુજરાતમાં પાણી પહોંચી ગયાનો દાવો સરકાર કરી રહી છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં પાણી ન મળતું હોવાની સાબિતી મળી રહી છે અને સૌથી વધુ જિલ્લાના કવાંટ તાલુકાના ગામોને પીવાના પાણી માટે હવાતિયાં મારવાની વારો આવી રહ્યો છે. આગામી દિવસોમાં પાણી નહિ મળે તો સ્થાનિક લોકો પાઇપલાઇન દ્વાર રાજ્યના કેટલાક ભાગોમાં જતું પાણી બંધ કરીને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. દીકરીના લગ્ન માટે પાણીનો સંગ્રહ કરવા મજબૂર પરિવાર
હાફેશ્વર ગામમાં 20 એપ્રિલના રોજ એક દીકરીના લગ્ન છે, હાલ આ પરિવારની દીકરી સહિતના સભ્યો ઘરની સજા સજાવટ તેમજ અન્ય તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.પણ લગ્ન માટે બહારગામથી આવતાં મહેમાનો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે જેના લગ્ન છે એ દીકરીથી લઈને ઘરની વૃદ્ધ મહિલા સહિતના તમામ લોકો ડુંગરના કોતરમાંથી પાણી લાવવા અને સંગ્રહ કરવા મજબૂર બન્યા છે.