સુરતના ભરથાણા હનુમાન મંદિર પાસે રામનગરમાં દારૂનું વેચાણ થાય છે તેવા કંટ્રોલ રૂમના મેસેજના આધારે રેડ કરવા ગયેલી ઉત્રાણ પોલીસે બુટલેગરને દારૂની 11 બોટલ સાથે ઝડપી લીધા બાદ તેણે બુમાબુમ કરતા તેના પરિજનો અને અન્યો એકત્ર થયા હતા અને પોલીસ સાથે માથાકૂટ કરી તેને ભગાડવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. જોકે, પોલીસે બુટલેગરને ઝડપી પાડી બાદમાં આ અંગે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ વધુ બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, ઉત્રાણ પોલીસે ગતરાત્રે નવ વાગ્યાના અરસામાં કંટ્રોલ રૂમના મેસેજના આધારે ભરથાણા હનુમાન મંદિર પાસે રામનગરમાં રેડ કરી ત્યાં ઘર નં.846 માં દારૂ વેચતા બુટલેગર કરણ કૈલાશ ખીંચીને દારૂની 11 બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસ દારૂ કબ્જે કરી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી રહી હતી ત્યારે કરણે બુમાબુમ કરતા આસપાસથી પરિવાર અને અન્ય લોકોનું ટોળું ધસી આવ્યું હતું. બુટલેગરે બૂમાબૂમ કરતાં પત્ની શારદા, ભાઈ ગજાનંદ ઉર્ફે પટેલ, તેની પતી નીમા, ભરત કૈલાશ ખીચી, લક્ષ્મણ ઉર્ફે જાસુડો દલાભાઈ કછાવા, શંકર ખીચી, તેની પત્ની તેજલ તેમજ અન્ય આશરે આઠથી દસ લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને તમામે પોલીસ સાથે ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા. પોલીસ સાથે ઝપાઝપી કરી કરણને છોડાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે બળપ્રયોગ કરીને કરણને પકડી લીધો હતો.જયારે ગજાનંદ ઉર્ફે પટેલ અને ભરતને તેમણે ભગાડી દીધા હતા. ઉત્રાણ પોલીસે કરણને પકડી પાડ્યો હતો. તેને પોલીસ સ્ટેશન લાવી દારૂ અંગે કાર્યવાહી કરવાની સાથે બનાવ અંગે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો નોંધી અન્ય આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા હતા.