બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ઘરમાં ઘૂસીને મારી નાખવાની ધમકી મામલે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામમાં રહેતા યુવક પરિવાર સાથે આજે મુંબઈ પહોંચ્યો હતો અને યુવક મયંક પંડ્યા મુંબઈ પોલીસ સમક્ષ હાજર થયો હતો. જ્યાં મુંબઈ પોલીસે તેની પૂછપરછ કરી હતી અને પરિવારજનોએ યુવકની સારવારના મેડિકલ પુરાવા રજૂ કર્યા હતા. સલમાનને ધમકી મળતા મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો
ગત રવિવારે રાત્રે બોલિવૂડ એક્ટર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મુંબઈના વર્લી વિસ્તારમાં સ્થિત ટ્રાફિક પોલીસના ગ્રુપમાં એક અજાણી વ્યક્તિએ મેસેજ મોકલીને સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. સલમાને મળેલી ધમકીના સંદર્ભમાં વર્લી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. વાઘોડીયાના રવાલ ગામના યુવકનું નામ ખૂલ્યું હતું
મુંબઈ ટ્રાફિક પોલીસને મેસેજમાં એવું પણ લખ્યું હતું કે, સલમાન ખાનના ઘરમાં ઘૂસીને તેને મારી નાખશે. આ દરમિયાન મુંબઈ પોલીસે મોબાઈલ કોલ ડિટેઇલના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં ધમકી ભરે મેસેજ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામમાંથી કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું. જેથી મુંબઇ પોલીસે વાઘોડિયા પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી વાઘોડિયા પોલીસ રવાલ ગામમાં રહેતા મયંક પંડ્યાને શોધી કાઢ્યો હતો અને તેને વાઘોડિયા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને તેની પ્રાથમિક પૂછપરછ કરી હતી, જેમાં ધ્યાનમાં આવ્યું હતું કે 26 વર્ષીય મયંક પંડ્યાની માનસિક સ્થિતિ સારી નથી અને તેની સારવાર પણ ચાલી રહી છે. વધુ તપાસ કરતાં એ પણ ધ્યાનમાં આવ્યું હતું કે તે સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે અને તેને વ્હોટ્સએપના ગ્રુપમાં જોડાઇ જતો હોય છે અને તેને સોશિયલ મીડિયામાં પર પ્રસિદ્ધિ મળે એવી ચાહના તે રાખે છે. મુંબઈ પોલીસની ટીમે યુવકની પૂછપરછ કરી હાજર થવા નોટિસ આપી હતી
આ દરમિયાન મુંબઈ પોલીસે પણ રવાલ ગામમાં આવીને મયંક પંડ્યાની પૂછપરછ કરી હતી અને માનસિક અસ્થિર અને સારવાર લેતી વ્યક્તિને 2-3 દિવસમાં વર્લી પોલીસ સમક્ષ હાજર થવા નોટિસ ફટકારી હતી અને પરિવારજનોને યુવકને ત્રણ દિવસમાં મુંબઈ પોલીસ સમક્ષ ડોક્ટરી પ્રમાણપત્ર સાથે હાજર રહેવા જણાવ્યું હતું. જેથી આજે પરિવાર મેડિકલ ના તમામ પુરાવા સાથે યુવકની સાથે રાખીને મુંબઈ પોલીસ સમક્ષ હાજર થયો હતો. વડોદરાથી આજવા ડેમ તરફ જતા રવાલ ગામ આવેલું છે. મયંકે ધો.10 સુધીનો અભ્યાસ કર્યો છે. ધો. 10માં નાપાસ થતાં તેણે અભ્યાસ છોડી દીધો હતો અને તેના પિતાના જ્યૂસ વેચવાના કામમાં તેમને મદદ કરવા લાગ્યો હતો. મયંકના પિતા વિજયભાઇ આજવા ખાતે જ્યૂસ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મયંક સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અને તે પોતાની પ્રસિદ્ધિ માટે વિવિધ ગ્રુપોમાં જોડાઇ જાય છે અને સતત મેસેજ કર્યા કરતો હોય છે. સલામાન ખાનને ધમકીભર્યો મેસેજ પણ તેણે પ્રસિદ્ધિ મેળવવા માટે જ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોએ કહ્યું હતું કે મયંકની સારવાર વડોદરામાં ચાલે છે. તેને આવી કોઈ સમજણ પડતી નથી. તે નિર્દોષ છે. તેને રમત રમતમાં આવો મેસેજ કરી દીધો હશે, પરંતુ એકવાર મેસેજ થઇ ગયા પછી કોઇ કંઇ કરી શકતું નથી.