વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર નિલુ સિંધી ગેરકાયદે ગોડાઉન બનાવીને તેનો અન્ય જગ્યા પર દારૂ સપ્લાય કરતો હતો. આ દરમિયાન હરિયાણા તથા PCB પોલીસે સંયુક્ત રીતે રેડ કરીને ઘરમાંથી કુખ્યાત બૂટલેગર નિલુ સિંધીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પતરાના શેડનું બનાવેલુ વિદેશી દારૂનું ગોડાઉન પણ ઝડપાયું હતું. જેમાં વિદેશી દારૂની પેટીઓ, ત્રણ જેટલા વાહનો અને 5 આરોપીઓની ધરપકડ કરવા સાથે મુદ્દામાલ કબજે કરીને હરણી પોલીસને સોંપવામાં આવ્યો હતો. બુટલેગર સહિતના મળતિયા મળીને 5 લોકો ઝડપાઇ ગયા
વડોદરા શહેરમાં બુટલેગરો દ્વારા મોટી સંખ્યામાં વિદેશી દારૂનો વેપલો કરાઇ રહી છે. આ દરમિયાન દારૂનું સામ્રાજ્ય ફેલાવનાર લિસ્ટેડ બુટલેગર નિલુ સિંધી દ્વારા મોટી સંખ્યામાં દારૂ અલગ-અલગ જગ્યા પર સપ્લાય કરવામાં આવતા હોય છે. આ દરમિયાન આજે 20 એપ્રિલે હરિયાણા તથા PCB પોલીસની ટીમની મળેલી બાતમીના આધારે ખોડિયારનગર વિસ્તારમાં રહેતા કુખ્યાત નિલુ સિંધીને તેના તેના ઘરમાંથી દબોચી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ બંને પોલીસ દ્વારા ખોડિયારનગર પેટ્રોલ પંપની પાછળ પતરાના શેડવાળા દારૂનું ગોડાઉન પર રેડ કરી હતી. જેમાં સ્થળ પરથી બુટલેગર કાલુ ટોપી સહિતના તેના મળતિયા મળીને 5 લોકોને ઝડપાઇ ગયા હતા. લાખોનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસ દ્વારા ગોડાઉનમાં તપાસ કરી હતી ત્યારે દારૂની પેટીઓ, ટેમ્પો સહિતના ત્રણ જેટલા વાહનો મળી આવતા જપ્ત કરાયા હતા. વિદેશી દારૂનો જથ્થો અને ત્રણ જેટલા વાહનો મળીને લાખોનો મુદ્દામાલ કબજે કર્યા બાદ આગળની કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. હાલમાં હરિયાણા પોલીસે એક્સાઇઝ ચોરીના ગુનામાં નિલુ સિંધીની ધરપડક કરીને લઇ ગઇ છે. આગામી દિવસમાં વડોદરા પોલીસ તેનો કબજો મેળવશે. કારના ચોરખાનામાં 60 બોટલ સાથે આવતા બે આરોપીને ઝડપી પાડ્યા
બીજી તરફ વડોદરા શહેરમાં પીસીબીની ટીમે ખોડિયારનગર સ્થિત ગોડાઉન પર દરોડો પાડી ઇમ્પોર્ટેડ દારુ ભરેલી કાર ઝડપી પાડી છે. અમદાવાદ પાર્સિંગની કારમાં વિદેશી દારૂનો જથ્થો શહેરમાં પ્રવેશે તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો હતો. ગુના નિવારણ શાખાએ સીઆઝ કારમાં બનાવેલા ચોર ખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી સ્કોચ વ્હીસ્કીની 60 બોટલ સાથે હિતેશભાઇ ઉર્ફે સોમભાઇ ઘનશ્યામભાઇ પટેલ (51) (રહે. ભગત કોલોની, સુસેન સર્કલ પાસે, વડસર – GIDC રોડ) અને પરિવાર ચાર રસ્તા નજીક નારાયણ નગરમાં રહેતા હર્ષદકુમાર ગંભીરસિંહ પરમાર (26)ની ધરપકડ કરી છે. આ દારૂ હરિયાણાના ગુરુગ્રામ ખાતેના ઇંગ્લીશ દારૂના ઠેકા પરથી લાવવામાં આવ્યો હોવાથી ઠેકાના માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે 1.56 લાખનો દારૂ સહિત કુલ 3.71 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણે સામે હરણી પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરાયો છે.