ઉનાળાની કાળઝાળ ગરમી, સૂરજ મધ્યાહને તપે અને મહિલાઓ માથે બેડા મૂકી પાણી ભરવા મજબૂર બની. હા આ દ્રશ્યો છે ગુજરાતને સમૃદ્ધ કરનાર મા નર્મદા કિનારે વસતા હાફેશ્વર ગામના. મા નર્મદાનું ગુજરાતમાં પ્રવેશદ્વાર એટલે હાફેશ્વર, છતાં હાફેશ્વરના ગ્રામજનો પાણી માટે હવાતિયાં મારે છે. આખા ગુજરાતને સમૃદ્ધ કરનાર મા નર્મદાનું પાણી તેઓ જોઈ શકે છે, પણ પી નથી શકતા. એટલું જ નહીં પણ આજે એક દીકરીના ગામમાં લગ્ન હતા. તો જાનની અગતા સ્વાગત કરવા માટે ગામ આખું કામે લાગ્યું. આસપાસના ઘરમાંથી પીપળા ભેગા કર્યા અને ગામની મહિલાઓએ ધોમધખતા તાપમાં માથે બેડા મૂકી પાણીની વ્યવસ્થા કરી હતી. છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. ત્યારે નર્મદા નદીના કાંઠે વસતા હાફેશ્વર ગામમાં નલ સે જલ યોજનાનું સૂરસૂરિયું જોવા મળે છે. અહીંયા નળ તો દૂર પાઇપલાઇન પણ પૂરી કરવામાં આવી નથી. લગ્નપ્રસંગને માણવાને બદલે પાણીની વ્યવસ્થામાં જ આખા ગામની દોડધામ
ગામમાં 20 એપ્રિલે એક દીકરીના લગ્ન હતા. ત્યારે દીકરી સહિત પરિવારના સભ્યો ઘરની સજાવટ તેમજ અન્ય તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. પરંતુ તમામ સભ્યો તેમજ સગાવહાલાને પીવાના પાણીનો પ્રશ્ન સતાવતો હતો. જેથી બહાર ગામથી આવેલા સગા તેમજ પરિવારના સભ્યો ગામમાંથી એકબીજાના ઘરેથી પીપ લાવીને ડુંગર નીચે કોતરમાંથી પીવાનું પાણી ભરી લાવતા નજરે પડ્યા હતા.