ગોરવા મધુ નગરની કેનાલમાં શનિવારે સાંજે 10 વર્ષનો કિશોર કેનાલ પાસે રમવા જતા દરમિયાન ડૂબ્યો હતો. પરિવારજને જાણ થતા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ શરૂ કરી હતી. મોડી રાત થઈ જતાં શોધખોળ બંધ કરવામાં આવી હતી. રવિવારે વહેલી સવારે ફરી ફાયર બ્રિગેડની ટીમે કામગીરી શરૂ કરી હતી જોકે રવિવારે પણ સાંજે 4:30 સુધી કિશોરનો કોઇ પત્તો લાગ્યો ના હતો. વડોદરામાંથી પસાર થતી કેનાલ દિવસે ને દિવસે વધુ જોખમી બની રહી છે અને વારં વાર ડૂબવાના બનાવો બની રહ્યા છે.ગોરવાના મધુનગર નજીક રાજીવ નગરમાં રહેતો અને ધોરણ-4માં અભ્યાસ કરતો કિશોર તેના મિત્રો સાથે કેનાલ પાસે રમતો હતો ત્યારે તે કેનાલમાં પડી ગયો હતો. બનાવની જાણ અન્ય મિત્રએ કરતાં લોકો ભેગા થઇ ગયા હતા. બનાવના પગલે ગોરવા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ફાયર બ્રિગેડે પણ મોડી રાત સુધી તેમજ રવિવારે સાંજ સુધી તપાસ હાથ ધરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. એક મહિનાના ગાળામાં કેનાલમાં ડૂબવાના બનાવ બન્યો છે. જેને લઇને રહીશો ઘટનાના પગલે પહોંચ્યા હતા અને રોષ જોવા મળ્યો હતો. જેથી તાત્કાલિક ફેન્સિંગ કરાવાની માગ પણ કરવામાં આવી હતી. ખુલ્લી કેનાલ માસૂમોનો ભોગ લઇ રહી છે, તેની સામે તંત્રે આંખ બંધ કરી છે: સ્થાનિક
કેનાલમાં ડૂબવાના બનેલા વધુ એક બનાવને પગલે સ્થાનિકો મોટી સંખ્યામાં કેનાલ પર ઉમટી પડયા હતા. રહીશોએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરી કહ્યું હતું કે, આ વિસ્તારમાં વારંવાર ડૂબવાના બનાવો બની રહ્યા છે અને લાંબા સમયથી કેનાલો પાસે ફેન્સિંગ બનાવવા માંગણી કરવામાં આવી રહી છે.તેમ છતાં તંત્ર સાંભળતું નથી અને તેને કારણે માસૂમોનો ભોગ લેવાઇ રહ્યો છે. 2 એપ્રિલના રોજ જ કોર્પોરેટરના ભત્રીજાનું પણ કેનાલમાં ડૂબી જવાથી મોત થયું હતું. ખુલ્લી કેનાલ કેટલાય લોકોનો જીવ લઇ રહી છે. તેની સામે તંત્ર આંખ બંધ કરી બેસ્યું હોય તેમ લાગી રહ્યું છે.