કેથોલિક ખ્રિસ્તી ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે અવસાન થયું છે. વેટિકન અનુસાર પોપે આજે સ્થાનિક સમય મુજબ સવારે 7:35 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમને 14 ફેબ્રુઆરીના રોજ રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા અને એનિમિયાની પણ સારવાર ચાલી રહી હતી. ફેફસાના ચેપને કારણે તેમને 5 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન કેથોલિક ચર્ચના હેડક્વાટર વેટિકને કહ્યું હતું કે પોપના બ્લડ ટેસ્ટ રિપોર્ટમાં કિડની ફેઇલ હોવાના લક્ષણો જોવા મળ્યા હતા. સાથે જ, પ્લેટલેટ્સ પણ ઘટી ગયા હોવાની જાણકારી મળી હતી. જોકે પછી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, તેઓ ગઈકાલે જ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને મળ્યા હતા. 1000 વર્ષમાં પોપ બનનારા પ્રથમ બિન-યુરોપિયન
પોપ ફ્રાન્સિસ એક આર્જેન્ટિનાના જેસુઈટ પાદરી હતા જે 2013માં રોમન કેથોલિક ચર્ચના 266મા પોપ બન્યા. તેમને પોપ બેનેડિક્ટ સોળમાના અનુગામી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પોપ ફ્રાન્સિસ 1,000 વર્ષમાં કેથોલિક ધર્મમાં સર્વોચ્ચ પદ પર પહોંચનારા પ્રથમ બિન-યુરોપિયન હતા. પોપનો જન્મ 17 ડિસેમ્બર, 1936ના રોજ આર્જેન્ટિનાના ફ્લોરેસ શહેરમાં થયો હતો. પોપ બનતા પહેલા તેઓ જોર્જ મારિયો બર્ગોગ્લિયોના નામથી જાણીતા હતા. પોપ ફ્રાન્સિસના દાદા-દાદી સરમુખત્યાર બેનિટો મુસોલિનીથી બચવા માટે ઇટાલી છોડીને આર્જેન્ટિના ગયા. પોપે તેમના જીવનનો મોટાભાગનો સમય આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસમાં વિતાવ્યો હતો. પોપ ફ્રાન્સિસના મોટા નિર્ણયો
સમલૈંગિક વ્યક્તિઓના ચર્ચ આવવા પર
પદ સંભાળ્યાના માત્ર 4 મહિના પછી પોપની સમલૈંગિકતાના મુદ્દા પર સવાલ કરવામાં આવ્યો હતો. આના પર તેમણે કહ્યું, ‘જો કોઈ સમલૈંગિક વ્યક્તિ ભગવાનને શોધતો હોય, તો હું તેનો ન્યાય કરનાર કોણ?’ પુનર્લગ્ન માટે ધાર્મિક મંજૂરી: પોપએ ફરી લગ્ન કરનાર અને ડિવોર્સી કેથોલિક લોકોને ધાર્મિક માન્યતા આપી. તેમણે સામાજિક બહિષ્કારને ખતમ કરવા માટે એવા લોકોને કમ્યૂનિયન પ્રાપ્ત કરવાનો અધિકાર આપ્યો. કમ્યૂનિયન એક પ્રથા છે જેમાં ઈશૂના અંતિમ ભોજને યાદ કરવા માટે બ્રેડ/પવિત્ર રોટલી અને વાઇન/દ્રાક્ષના રસનું સેવન કરવામાં આવે છે. આ પ્રભુ ભોજ અથવા યૂકરિસ્ટના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સમાચાર અમે સતત અપડેટ કરીએ છીએ….