ગુજરાતમાં નલકી અને કૌભાંડના દિવસે ને દિવસે બનાવો સામે આવતા રહે છે. ત્યારે હવે સુરતથી ટોલ ટેક્સમાં ઝોલ થયાનું સામે આવ્યું છે. સુરતના એક એપાર્ટમેન્ટના પાર્કિગમાં પાર્ક કરેલી કારનો 155 કિમી દુર વડોદરાના ટોલ ટેક્સ પર ફાસ્ટેગથી રૂ. 160 કપાઈ ગયાં હતાં. આ અંગેનો કાર માલિકને મોબાઈલમાં મેસેજ મળતા તેઓ ચોંકી ઉઠ્યાં હતાં. બાદમાં આ મામલે NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા) અને ફાસ્ટેગ એકાઉન્ટ સાઉથ ઇન્ડિયન બેંકમાં ફરિયાદ નોંધાવી હતી. બન્ને જગ્યાએથી યોગ્ય કોઈ જવાબ ન મળતા તેઓ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપવા પહોંચ્યાં હતાં, પણ પોલીસે ફરિયાદ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. સુરતથી વડોદરા સુધીના રસ્તાની હકીકત
સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા રઘુવીર સૈફ્રોન એપાર્ટમેન્ટમાં વિમલેશ તાતેડે રહે છે અને ફાઈનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓને પાસે બાઈક અને એક અર્ટીગા કાર છે. તેઓ મોટા ભાગે શહેરની અંદર ઘર સહિતના કામ માટે ટૂ-વ્હીલરનો જ ઉપયોગ કરે છે. તેમની કાર ઘણા સમયથી રઘુવીર સૈફ્રોન એપાર્ટમેન્ટના બેસમેન્ટ પાર્કિંગમાં જ રાખેલી છે. 16 એપ્રિલની રાત્રે 10 વાગ્યે એમના મોબાઇલ પર મેસેજ આવ્યો કે, વડોદરા ટોલ પ્લાઝા પરથી પસાર થતી વખતે ફાસ્ટેગમાંથી રૂ.160 કપાઈ ગયા છે. આ વાંચી તેઓ હેરાન રહી ગયા હતાં. રસ્તમાં અનેક ટોલ છતાં એક જ જગ્યાએ કેમ કપાયો?
તાતેડેની કાર તો લગભગ એક અઠવાડિયાથી પાર્કિંગની બહાર જ નીકળી જ હોવા છતાં અહીં પ્રશ્ન એ ઉઠે છે કે, ફાસ્ટેગ કપાઈ કઈ રીતે? આ સાથે સુરતથી વડોદરા જતા એનએચ-48 પર લગભગ 155 કિમીનું અંતર છે. આ રસ્તે અનેક મોટા ટોલ પ્લાઝા આવેલા છે. જેમ કે, ભરૂચ નજીકનો ટોલ અને કરજણના આસપાસનો વડોદરા તરફનો ટોલ. તો માત્ર એક ટોલ ટેક્સ પર જ કેવી રીતે ટોલ કપાયો? પોલીસે પણ ફરિયાદ ન લીધીઃ વિમલેશ તાતેડે
આ અંગે ભોગ બનનાર વિમલેશ તાતેડેએ જણાવ્યું કે, મને એવી શક્યતા છે કે કોઈએ મારા કાર નંબરની નકલી પ્લેટ બનાવી હોય શકે છે. અથવા ફાસ્ટેગનું રજિસ્ટ્રેશન ડુપ્લિકેટ બનાવ્યું હોય શખે છે. વાત 160 રૂપિયાની નથી પણ કોઈ દુરપયોગ કરે તેની છે. આ મામલે મેં NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ને ઓનલાઈન અને લેખિતમાં ફરિયાદ કરી છે, પણ હજુસુધી કોઈ જવાબ મળ્યો હતો. આ સાથે મારૂ ફાસ્ટેગ એકાઉન્ટ સાઉથ ઇન્ડિયન બેંકમાં હોવાથી ત્યાં પણ ફરિયાદ નોંધાવી છે. ચાર દિવસ પસાર થયા છતાં પૈસા રિફંડ મળ્યા નથી કે કોઈ પણ સ્પષ્ટ કારણ પણ આપવામાં આવ્યું નથી. વધુમાં ઉમેર્યું કે, મારા કાર નંબર કે ફાસ્ટેગનો કોઈ દુરૂપયોગ ન કરે આ માટે અલથાણ પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનર કચેરીમાં લેખિત ફરિયાદ કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને ફરિયાદ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. ફરિયાદ ન લેવા મામલે દિવ્ય ભાસ્કરે સવાલ કરતા અલથાણા પોલીસે જણાવ્યું હતું કે, અરજી લઈને તપાસ કરી રહ્યાં છીએ. ફાસ્ટેગ પ્રોસેસ અને તેમાં કેવી રીતે થઈ શકે છે ગડબડી?
એનએચઆઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફાસ્ટેગ ટોલ પર RFID (Radio Frequency Identification) ટેક્નોલોજીથી કારનું યુનિક ટેગ સ્કેન થાય છે. જ્યારે એ સ્કેન ન થાય અથવા ટેકનિકલ ખામી આવે ત્યારે ટોલ સ્ટાફ દ્વારા મેન્યુઅલ એન્ટ્રી કરવામાં આવે છે. આવા સમયે ઘણીવાર ભૂલથી બીજા વાહનના નંબર નાખી દેવામાં આવે છે અથવા કોઈ નકલી નંબર પ્લેટવાળી કાર જ હાજીર હોય તો સાચા માલિકના ફાસ્ટેગમાંથી પેમેન્ટ કપાઈ શકે છે.