ચૈત્રી પૂનમે દહાણુંમાં મહાલક્ષ્મી માતાના મંદિરે દર્શનાર્થે ગયેલા સુરતના યુવકનું ડુંગર પર પગ લપસી જતા ખીણમાં પડી જતા કરૂણ મોત થયું હતુ. શિખર પર ધજાના દર્શન કરી પરત ફરતી વેળા મેરિક કાચવાલા કાળનો કોળિયો બની ગયો હતો. શિખર પર ધજાના દર્શન કર્યાનો યુવકનો છેલ્લો વીડિયો કોલનો વીડિયો સામે આવ્યો છે. ખુશ દેખાતો યુવક વીડિયો કોલના થોડા સમય બાદ જ કાળનો કોળિયો બની ગયો હતો. સુરતથી મેરિક સહિતના અનેક લોકો દહાણું પહોંચ્યા હતા
દર વર્ષે ચૈત્રી પૂનમે સુરતથી મોટી સંખ્યામાં ભક્તો દહાણુંમાં મહાલક્ષ્મી માતાના મંદિરે દર્શનાર્થે જતા હોય છે. આ વર્ષે પણ 12 એપ્રિલ શનિવારે સુરતી ભક્તો દહાણું માતાના દર્શનનો લ્હાવો લેવા પહોંચ્યા હતા. દહાણુંમાં હાઇવે પાસે મહાલક્ષ્મી માતાનું મંદિર છે પણ મુખ્ય મંદિર થોડે દૂર ડુંગર પર આવેલું છે. ચૈત્રી પૂનમે મધરાત્રે મંદિરના પૂજારી એક હાથમાં મશાલ અને બીજા હાથમાં માતાજીની ધજા લઈ ડુંગર ચઢે છે અને શિખરની ટોચે ધજા ચઢાવવાની પરંપરા છે. દરમિયાન સુરતના યુવકો મોટી સંખ્યામાં માતાજીની ધજાના દર્શનાર્થે ડુંગર પર પહોંચ્યા હતા. સુરતમાં બમરોલી રોડ ખાતે સાઈ સમર્પણ સોસાયટીમાં રહેતો મેરિક કનૈયાલાલા કાચવાલા (ઉ.વ.39) પણ મિત્રો સાથે ડુંગર પર ધજાના દર્શન માટે પહોંચ્યો હતો. જ્યાં પહોંચી તેણે મિત્રોને વિડીયો કોલ કર્યો હતો. આ વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ મિત્રો દ્વારા કરી લેવામાં આવ્યું હતું. ગત રવિવારે સવારે 7 વાગ્યે ડુંગર ઉતરતી વેળા મેરિકે બેલેન્સ ગૂમાવ્યું હતુ. પગ લપસી જતા તે ખીણમાં પડયો હતો. જેને પગલે ડુંગર પર દોડધામ મચી ગઇ હતી. ગંભીર ઈજાને કારણે મેરિકનું સ્થળ પર જ કરૂણ મોત થયું હતુ. સ્થાનિક પોલીસ-તંત્રને ખીણમાં પડેલી મેરિકની ડેડબોડી શોધવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. દહાણું પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. મેરિક ઇલેકટ્રીક ફિટિંગ્સના કામ સાથે સંકળાયેલો હતો. આ કરૂણાંતિકાને પગલે પત્ની હેતલબેન, પુત્ર મોનિલ સહિત કાચવાલા પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડયો છે. જુવાનજોઘ પુત્રના મૃત્યુથી ખત્રી સમાજમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ હતી.