સુપ્રીમ કોર્ટ પર અત્યારે ચારેય બાજુથી તાતાતીર છૂટી રહ્યાં છે. સત્તાકારણમાં સુપ્રીમ કોર્ટ ટાર્ગેટ હોય એ દેશ માટે ચિંતાજનક અને ગંભીર બાબત છે. આજે આપણે બે મુદ્દા પર વાત કરીએ… નમસ્કાર, સુપ્રીમ કોર્ટે જ્યારે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને સત્તાની મર્યાદા બતાવી દીધી છે ત્યારથી દેશમાં ઉત્પાત મચી ગયો છે. આ ઉત્પાત એવા લોકો કરી રહ્યા છે, જેને સુપ્રીમ સામે વાંધો છે. સુપ્રીમ કોર્ટ સામે શું કેટલાક નેતાઓને શું વાંધો છે એની વાત આગળ કરીશું, પણ અત્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પછી ભાજપના બે સાંસદ- નિશિકાંત દુબે અને દિનેશ શર્માએ સુપ્રીમ કોર્ટ અને CJI માટે અસભ્ય વાણીનો ઉપયોગ કર્યો. પહેલા બંગાળના રાષ્ટ્રપતિ શાસનની વાત કરીએ…
સુપ્રીમ કોર્ટમાં બે અરજી થઈ હતી. પહેલી અરજીમાં માગણી થઈ હતી કે બંગાળના મુર્શિદાબાદમાં મોટેપાયે હિંસા થઈ અને મમતા દીદીની સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ રહી. ઘણા હિન્દુઓ પલાયન કરી ગયા, માટે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ. આ અરજીની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચમાં થઈ.
બીજી અરજીમાં એવી માગણી કરવામાં આવી કે બંગાળની હાલત જોતાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે. આ બીજી અરજીની સુનાવણી જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ એ.જી. મસીહની બેન્ચમાં થઈ. ગવઈની બેન્ચે પૂછ્યું, અમે રાષ્ટ્રપતિને આદેશ આપીએ?
બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા અને અર્ધલશ્કરી દળો તહેનાત કરવાની માગ કરતી અરજી પર આદેશ આપવાનો ઇનકાર સુપ્રીમ કોર્ટે કર્યો હતો. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ એ.જી.મસીહની બેન્ચે આ અંગે કોઈ આદેશ આપ્યો નહોતો. બેન્ચે અરજદારને પૂછ્યું- શું તમે ઈચ્છો છો કે અમે રાષ્ટ્રપતિને એનો અમલ કરવા માટે આદેશ મોકલીએ? અત્યારે આમ પણ અમારા પર બીજાના અધિકારક્ષેત્રમાં દખલ કરવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. સૂર્યકાંતની બેન્ચે અરજદારને સણસણતા સવાલો પૂછ્યા
આ અરજીની જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહની બેન્ચમાં સોમવારે સુનાવણી થઈ તો સુપ્રીમ કોર્ટ નારાજ થઈ ગઈ. અરજદારને ખખડાવી નાખ્યો. અરજી કરવાના આધાર સામે સણસણતા સવાલો ઉઠાવ્યા. અરજદારને કહ્યું, આ રીતે અરજી ન હોય. યોગ્ય રીતે ફરીથી અરજી દાખલ કરો. સુપ્રીમે ખખડાવતાં અરજદારે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી. ન્યાયાધીશ સૂર્યકાંતે અરજદારને શું પૂછ્યું? બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન મામલે કોણે શું કહ્યું?
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે ANI સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જ્યારે વક્ફ એક્ટ બન્યો ત્યારે બંગાળનાં મુખ્યમંત્રી ચોક્કસ કોમના લોકોને ભેગા કરીને એવું કહે છે કે હું આ રાજ્યમાં વક્ફ એક્ટનો અમલ નહીં થવા દઉં. તો આ સંવિધાન પ્રત્યે તેમની નિષ્ઠાનું, તેમના શપથનું ઉલ્લંઘન છે. આ એ બતાવે છે કે અહીંનુ શાસન સંવિધાન મુજબ નથી ચાલતું. એટલે અમે મોટા પરિપ્રેક્ષ્યમાં માગણી કરી રહ્યા છીએ કે કેન્દ્ર સરકારે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનનો વિચાર કરવો જોઈએ.
ટીએમસી નેતા કલ્યાણ બેનર્જીએ કહ્યું હતું કે ભાજપ તો 2019થી બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માગણી કરે છે. કેસ હાઈકોર્ટમાં હતો, પણ કોર્ટ અમારા કામથી સંતુષ્ટ છે. હવે મુર્શિદાબાદમાં પહેલાં જેવું નોર્મલ થઈ ગયું છે.
ભાજપના નેતા અને એક્ટર મિથુન ચક્રવર્તીએ કહ્યું હતું કે હું કેન્દ્રીય ગૃહમંત્રીને અપીલ કરું છું કે તે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવે. બંગાળમાં આગામી ચૂંટણી સેનાની હાજરીમાં કરાવવામાં આવે. અમે બંગાળમાં નિષ્પક્ષ ચૂંટણી ઈચ્છીએ છીએ. અમે રાજ્યમાં તોફાન નથી ઈચ્છતા. બંગાળમાં ખરાબ હાલત છે. ટાર્ગેટ સુપ્રીમ કોર્ટ જ કેમ?
સુપ્રીમ કોર્ટ પર ચારેય દિશામાંથી પ્રહાર થઈ રહ્યા છે, એનાં ઘણાં કારણો છે, પણ સૌથી મોટું કારણ છે સુપ્રીમ કોર્ટે આપેલા કેટલાક ચુકાદા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે શું કહ્યું હતું?
રાજ્યસભાના ઈન્ટર્નને સંબોધન કરતાં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે પદની ગરિમા લજવાય એવું ભાષણ આપ્યું હતું. 18 એપ્રિલે ધનખરે કહ્યું હતું કે આપણી પાસે એવા ન્યાયાધીશો છે, જે કાયદા બનાવશે, જે કાર્યકારી કામ કરશે, જે ‘સુપર સંસદ’ની જેમ કામ કરશે. તેમની કોઈ જવાબદારી રહેશે નહીં, કારણ કે દેશનો કાયદો તેમને લાગુ પડતો નથી. સુપ્રીમ કોર્ટ પાસે કલમ 142 છે, જેનો તે ન્યૂક્લિયર મિસાઈલની જેમ ઉપયોગ કરે છે. ધનખર પછી ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ શું કહ્યું?
ભાજપના ઝારખંડના ગોંડા સીટના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું, આ દેશમાં જેટલાં પણ ગૃહયુદ્ધ થઈ રહ્યાં છે એના માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના જવાબદાર છે. સુપ્રીમ કોર્ટ તેની હદ પાર કરે છે. સુપ્રીમની હદ એ છે કે ભારતના સંવિધાને જે કાયદાને બનાવ્યો એ કાયદાની વ્યાખ્યા કરવાની છે. જો એ વ્યાખ્યા નથી કરી શકતા અને બધા માટે સુપ્રીમ કોર્ટ જ જવાનું છે તો આ સંસદનો કોઈ મતલબ નથી, વિધાનસભાનો કોઈ મતલબ નથી. એને બંધ કરી દો.
રામ મંદિરનો મુદ્દો આવે છે તો સુપ્રીમ કહે છે કે કાગળ બતાવો. મથુરામાં કૃષ્ણ જન્મભૂમિની વાત આવે છે તો કહે છે, કાગળ બતાવો. જ્ઞાનવાપીમાં શિવલિંગની વાત આવે છે તો કાગળ માગે છે અને મુઘલકાળમાં મસ્જિદ બની છે એના માટે કહે છે કે આના કાગળ ન હોય. આ તો બહુ જૂની છે. આ દેશમાં ધાર્મિક યુદ્ધ ભડકાવવા માટે સુપ્રીમ જવાબદાર છે. નિશિકાંતે પૂર્વ ચૂંટણી કમિશનરને પણ ન છોડ્યા
ભારતના પૂર્વ ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશીએ વક્ફ એક્ટ પર પોસ્ટ કરીને લખ્યું કે વક્ફ કાયદો મુસ્લિમોની જમીનો હડપ કરી લેવા માટે સરકારની કૂટનીતિક યોજના છે. મને ખાતરી છે કે સુપ્રીમ કોર્ટ આના પર સવાલ ઉઠાવશે. એની સામે નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે તમે ચૂંટણી કમિશનર નહીં, પણ મુસ્લિમોના કમિશનર હતા. ઝારખંડના સંથાલ પરગણામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો તમારા કાર્યકાળમાં જ મતદારો બની ગયા હતા. ભાજપના બીજા સાંસદે સુપ્રીમ વિશે શું કહ્યું?
યુપીથી રાજ્યસભાના ભાજપના સાંસદ ગિરીશ શર્માએ ANI સાથેની વાતચીતમાં કહ્યું, નિયમ બનાવવા કે કાયદો બનાવવાનું કામ સંસદનું છે. એ નિયમનું પાલન થાય છે કે નહીં એ જોવાનું કામ સુપ્રીમનું છે. સંવિધાન મુજબ કોઈપણ લોકસભા અને રાજ્યસભાને નિર્દેશ ન આપી શકે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ છે. તેમને કોઈ પડકારી ન શકે. બંને સાંસદનાં નિવેદનો પછી ભાજપે હાથ ઊંચા કરી દીધા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ એક્ટ પર લખ્યું કે ભાજપના સાંસદો નિશિકાંત દુબે અને ગિરીશ શર્માએ જે નિવેદનો આપ્યાં છે એનાથી ભાજપને કોઈ લેવા-દેવા નથી. આ તેમનું વ્યક્તિગત નિવેદન છે. ભાજપ ક્યારેય આવાં નિવેદનોને સમર્થન આપતો નથી. ભાજપ આ બંનેનાં નિવેદનોને ફગાવે છે.
ભાજપે ન્યાયપાલિકાનું સન્માન કર્યું છે. તેમના આદેશોનો સહર્ષ સ્વીકાર કરવામાં આવે છે, કારણ કે એક પાર્ટી તરીકે અમારું માનવું છે કે સર્વોચ્ચ અદાલત સહિતની તમામ કોર્ટ આપણા લોકતંત્રનું અભિન્ન અંગ છે અને સંવિધાનની રક્ષા કરનાર મજબૂત આધારસ્તંભ છે. પાર્ટીએ બંનેને આવાં નિવેદનો ન આપવા સૂચના આપી દીધી છે. ધનખરે કલમ 142ને મિસાઈલ ગણાવી એ કલમે શું કામ કર્યું?
અયોધ્યા મંદિર નિર્માણના નિર્ણયમાં આ જ કલમ 142નો ઉપયોગ સુપ્રીમ કોર્ટે કર્યો. 142 હેઠળ જ સુપ્રીમ કોર્ટે મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન આપવાનો આદેશ આપ્યો. કોર્ટે આવું એટલા માટે કર્યું અને કહ્યું કે જે ખોટું થયું છે એની ભરપાઈ થવી જોઈએ.
ચંદીગઢના મેયરની ચૂંટણીમાં ગોલમાલ થઈ હતી, એને સુપ્રીમ કોર્ટે પકડી પાડી. ચૂંટણી અધિકારી ગોલમાલ કરે છે એવા સીસીટીવી સામે આવ્યા હતા. ત્યારે જસ્ટિસ મનોજ મિશ્રાએ કહ્યું હતું કે આવા ફ્રોડથી લોકતંત્રની પ્રક્રિયાનું ગળું દબાવી ન શકાય. અમે આર્ટિકલ 142 હેઠળ અધિકારોનો ઉપયોગ કરીશું અને આવું નહીં થવા દઈએ.
સુપ્રીમ પાસે આર્ટિકલ 142 ન હોત તો ઈલેક્ટોરલ બોન્ડનો અસંવૈધાનિક કાયદો આજે પણ ચાલુ રહ્યો હોત. સંસદ બહુમતીના નશામાં પ્રજાતંત્રનું ગળું ન દબાવી દે એટલે સુપ્રીમને આ કલમ 142નો પાવર અપાયો છે. છેલ્લે,
પૂર્વ CJI ડી. વાય. ચંદ્રચૂડ સામે રાષ્ટ્રપતિને ફરિયાદ થઈ છે. આરોપ છે કે તીસ્તા સેતલવાડ કેસમાં તેમણે બે બેન્ચ બનાવી હતી, તેની સામે CBI તપાસ કરવામાં આવે. નવાઈની વાત એ છે કે આ ફરિયાદ પટના હાઇકોર્ટના સેવાનિવૃત્ત જજ રાકેશ કુમારે કરી છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… નમસ્કાર…. (રિસર્ચ – યશપાલ બક્ષી)