સુરતમાં પોલીસ રેડ પાડવા ગઈ અને સુરતનો ‘જમીલ ઉર્ફે જંગલી’ નામનો ડ્રગ્સ પેડલર ડ્રગ્સ વેચાણ કરવાની સાથે પોતે પણ નશાના રવાડે ચડેલો મળ્યો. બંને હાથો હજારો ઇન્જેક્શનનાં નિશાનોથી ઘાયલ, આરોપી માત્ર ઇન્જેક્શન લેતો પીડિત નહિ, પણ ડ્રગ્સ વેચતો પેડલર પણ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે રેડ દરમિયાન 35 ઇન્સ્યુલિન સિરીન્જ, 10ML ડીસ્ટીલ વોટરની 11 બોટલ, 12.540 ગ્રામ MD ડ્રગ્સ સાથે અન્ય બે આરોપી તૌફીક જહાંગીર પટેલ અને રહેમાન રેહાનખાન રહેમાનને ઝડપી પાડ્યા હતા. ‘મેં હજારો વખત ઇન્જેક્શનો લીધાં છે’
સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉમિયા મંદિર પાછળ આવેલા પંચશીલનગરના મકાનમાં દરોડા પાડ્યા હતા. તેમણે એવું દૃશ્ય જોયું કે પોલીસે પણ શ્વાસ અટકાવ્યો. ‘જમીલ ઉર્ફે જંગલી’ના બંને હાથ પર હજારો ઈન્જેક્શનનાં નિશાન સ્પષ્ટ દેખાતાં હતાં. પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે તે વર્ષોથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે અને પોતાના શરીરમાં ઇન્સ્યુલિન સિરીન્જ મારફત એમડી ડ્રગ્સનાં ઇન્જેક્શન ઘુસાડતો હતો. આરોપીએ પણ કબૂલી લીધું કે ‘હું અત્યારસુધીમાં મારાં બંને હાથમાં હજારો ઇન્જેક્શન લઈ ચૂક્યો છું…’ મકાનમાંથી મળ્યો નશાનો જથ્થો
પોલીસને રેડ દરમિયાન ત્રણ માળના મકાનમાંથી અન્ય બે આરોપી પણ ઝડપાયા. તૌફીક જહાંગીર પટેલ (પદ્માવતી સોસાયટી, લિંબાયત), રહેમાન રેહાનખાન રહેમાન (માનદરવાજા, કિન્નરી સિનેમા સામે), આ બંને સાથે જમીલ ઉર્ફે જંગલી મકાનનો બહારથી દરવાજા લોક કરી ડ્રગ્સનું સેવન કરતા અને વેચાણ કરતા હતા. જ્યારે કોઈ ખરીદદાર આવે ત્યારે ડ્રગ્સ પાઉચ રસ્સી વડે નીચે મોકલતા. ક્રાઇમ બ્રાન્ચે 35 ઇન્સ્યુલિન સિરીન્જ, 10ML ડીસ્ટીલ વોટરની 11 બોટલ, 12.540 ગ્રામ એમડી ડ્રગ્સ (કિંમત: રૂ. 1.25 લાખ), 4 મોબાઇલ અને રોકડ રકમ મળીને રૂ. 2.61 લાખની મત્તા કબજે કરી હતી. જમીલનો આખો હાથ આખો ‘ઈન્જેક્શન હિટ’
જમીલને અટકમાં લીધા બાદ તેની તબીબી તપાસ દરમિયાન ખૂલ્યું કે તેનો હાથ આખો ‘ઈન્જેક્શન હિટ’ છે અને અનેક નસો સુકાઈ ગઈ છે. ઘણા ભાગોમાં ખાડા જેવી ખાલી જગ્યા સર્જાઈ છે. જ્યારે પોલીસે પૂછ્યું કે તું પોતે કેમ લે છે? ત્યારે શરમાતા નહિ, તે હસતાં બોલ્યો, ‘હવે ડ્રગ્સ લેવાનો એટલો શોખ થઇ ગયો છે કે વેચતાં વેચતાં મન થાય તો હું પણ ઇન્જેક્શન મારી લઉં છું.’ ડ્રગ્સના બંને સપ્લાયર્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા
ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે, આ ત્રણેય આરોપીઓ લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં રહેતા દાનિશ સદ્દામ ખજૂર અને ટ્વિશા નામની મહિલા પાસેથી એમડી ડ્રગ્સ લાવતા અને છૂટક વેચાણ કરતા હતા. બંને સપ્લાયર્સ હાલ ફરાર છે અને પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ત્રણેયે મળીને એક એવી ડાર્ક દુનિયા ઊભી કરી હતી, જ્યાં નશો પાઉડરમાં નહીં, સીધો ઇન્જેક્શન દ્વારા લોહીમાં ભરાતો હતો.