અરવલ્લી જિલ્લાના 46 યાત્રિકો જમ્મુ-કાશ્મીરમાં પૂરની સ્થિતિમાં ફસાયા છે. આ યાત્રિકો 10 એપ્રિલથી 12 મે દરમિયાન શ્રીનગર, પહેલગામ અને વૈષ્ણોદેવીના પ્રવાસે ગયા હતા. પૂરને કારણે નેશનલ હાઈવે-701 અને મુઘલ રોડ બંધ થતાં, યાત્રિકો શોફિયન જિલ્લાના હિરપોરા વિસ્તારમાં અટવાયા છે. અરવલ્લી કલેકટરે તાત્કાલિક જમ્મુ-કાશ્મીરના કલેકટર સાથે વાત કરી યાત્રીઓની સુરક્ષાની ખાતરી કરી છે. જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) અરવલ્લીએ ટૂર ઓપરેટર અલ્પેશભાઈ ભાવસાર સાથે સંપર્ક કર્યો છે. તમામ યાત્રીઓ સુરક્ષિત છે. સ્થાનિક વહીવટી તંત્રે યાત્રિકોને શેલ્ટર હોમમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરી છે. રાહત કમિશનર અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. જિલ્લાના અન્ય કોઈ યાત્રિકો ફસાયેલા હોય તો DEOC કંટ્રોલરૂમ (02774-250221) અથવા ટોલ ફ્રી હેલ્પલાઇન (1077) પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.