લંડનની રહેવાસી 35 વર્ષીય હિન્દુ સંન્યાસી બ્રહ્મચારિણી શ્રીપ્રિયા ચૈતન્ય આ વર્ષની લંડન મેરેથોનમાં ભાગ લઈને સામાજિક અને ધાર્મિક રૂઢીઓને તોડવાની કોશિશ કરશે. તે પહેલીવાર 26 માઇલ (આશરે 42.2 કિલોમીટર)ની આ દોડમાં ભાગ લેશે. નોર્થ લંડનના ચિન્મય મિશનની આધ્યાત્મિક નેતા શ્રીપ્રિયાનો હેતુ આ દોડ મારફતે પ્રાચીન હિન્દુ દર્શનને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. સાથે જ તેના થકી તે મિશનના વૈશ્વિક કાર્યોને સમ્માન આપવા માગે છે. તે આ મેરેથોનમાં ભાગ લઈને ધન પણ એકત્ર કરશે. તેમણે કહ્યું, ‘હું એ કામને સમ્માન આપવા માગુ છું, જે આ સંગઠન દુનિયાભરમાં કરે છે. ચિન્મય મિશન દરેક બેકગ્રાઉન્ડ અને સંસ્કૃતિના લોકો માટે હિન્દુ દર્શનને સરળ અને સુલભ બનાવવાનું કામ કરે છે.’ ભારતમાં ભણ્યા પછી શ્રીપ્રિયા છેલ્લા સાત વર્ષથી લંડનમાં સમાજની સેવા કરે છે. તે લેખિકા છે, પોડકાસ્ટ હોસ્ટ કરે છે અને બીબીસી રેડિયોના કાર્યક્રમમાં નિયમિત પણે સામેલ થાય છે.તેની પ્રેરણા ચિન્મય મિશનના સંસ્થાપક સ્વામી ચિન્મયાનંદ છે, જેમણે 1950ના દાયકામાં આખા ભારતની પગપાળા યાત્રા કરી હતી. શ્રીપ્રિયા કહે છે, ‘તેમણે તેનું જીવન શિક્ષણ અને સમાજ સેવામાં સમર્પિત કર્યું. તેના પ્રમાણે 26 માઇલની દોડ નાની છે.’ શ્રીપ્રિયાએ મેરેથોન માટે જાન્યુઆરીથી તૈયારી શરૂ કરી. તેમણે આ સમગ્ર પ્રક્રિયામાં તેના આધ્યાત્મિક અભ્યાસ અને આસ્થાને માર્ગદર્શક બનાવ્યું. તે કહે છે, ‘મેરેથોન દોડ શારીરિક રીતે પડકારજનક તો છે જ, પણ હકિકતે એ માનસિક દૃઢતાની પણ પરીક્ષા છે. મારી સાધના અને ધ્યાન મને આ મુશ્કેલ પ્રક્રિયામાં સ્થિરતા પ્રદાન કરે છે.’ શ્રીપ્રિયાની દોડનો હેતુ હિન્દુ ધર્મ અને બ્રહ્મચારિણીની ભૂમિકાને લઈને ખોટી ધારણાઓને તોડવાનો છે. શ્રીપ્રિયા ઈચ્છે છે કે તેની આ ભાગીદારી લોકોના વિચારને બદલે અને વિવિધ સંસ્કૃતીઓ અને વિશ્વાસો પ્રત્યે સમ્માન વધે. શ્રીપ્રિયા કહે છે, ‘પ્રાચીન જ્ઞાન અને આધુનિક પડકારો એક સાથે ચાલી શકે છે. હું ઈચ્છું છું કે લોકો હિન્દુ ધર્મને ઊંડાણપૂર્વક સમજે અને બધાની સંસ્કૃતિનું સમ્માન કરે.’ તેમની આ પહેલ ન માત્ર સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહિત કરશે, પણ એ દર્શાવશે કે આધ્યાત્મિકતા અને શારીરિક પડકારો એકબીજાના પૂરક હોય શકે છે. લંડન મેરેથોન 27 એપ્રિલે થશે, જેમાં દુનિયાભરના 50 હજારથી વધુ ખેલાડી ભાગ લેશે.