એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દેશભરમાં રેડની કાર્યવાહી કરવામાં આવી હતી. ED દ્વારા મહાદેવ બેટિંગ એપ કેસને લઈને દેશભરમાં અલગ અલગ 15 જગ્યાઓ પર 16 એપ્રિલના રેડ કરવામાં આવી હતી. જેમાં દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ઇન્દોર, જયપુર અને ચેન્નાઈ સહિતની જગ્યાએ રેડ કરવામાં આવી હતી. EDએ વિવિધ જગ્યાએ સર્ચ દરમિયાન 3.29 કરોડ રોકડા અને 573 કરોડથી વધુના સિક્યુરિટીઝ/ બોન્ડ/ ડિમેટ ખાતાઓ ફ્રીઝ કર્યા છે. તપાસ દરમિયાન EDએ અનેક ગુનાહીત દસ્તાવેજ અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ પણ જપ્ત કર્યા છે. EDની તપાસમાં સામે આવ્યું કે, સટ્ટાબાજી પ્લેટફોર્મ દ્વારા જનરેટ થયેલું ભંડોળ ભારતની બહાર ટ્રાન્સફર કરવામાં આવતું હતું. અત્યાર સુધી ED દ્વારા 170થી વધુ જગ્યાએ સર્ચ કરવામાં આવ્યું હતું. તપાસમાં 3002.47 કરોડની સ્થાવર જંગમ મિલકત જપ્ત કરાઈ અથવા તો ટાંચમાં લેવાઈ છે. આ કેસની અત્યાર સુધીની સમગ્ર તપાસ દરમિયાન ED દ્વારા 13 લોકોની ધરપકડ કરાઇ અને 74 સંસ્થાઓને આરોપી તરીકે રજૂ કરાઈ હતી. શેરની કિંમતોની હેરાફેરીની મોડસ ઓપરેન્ડી જાણવા EDની તપાસ ઈડીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ દ્વારા જનરેટ કરાયેલા ભંડોળ એટલે કે Proceeds of Crime (POC) ભારતની બહાર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હતા અને બાદમાં વિદેશી FPIs (જે મોરેશિયસ, દુબઈ વગેરે સ્થિત છે) ના નામે ભારતીય શેરબજારમાં જમા કરવામાં આવી રહ્યા હતા. સામાન્ય રોકાણકારોને છેતરવા માટે ચોક્કસ એસએમઈ ક્ષેત્રની સિક્યોરિટીઝના કૃત્રિમ ભાવ-વધઘટ માટે કેટલીક કંપનીઓમાં નાણાં જમા કરવામાં આવ્યું હતું. જેમાંથી કેટલાક રોકાણો શોધ દરમિયાન ઓળખી કાઢવામાં આવ્યા છે. હવે આ શેરના ભાવની હેરાફેરીનો સંપૂર્ણ મોડસ ઓપરેન્ડી ઉજાગર કરવા માટે ઈડી દ્વારા તપાસ ચાલુ કરી છે. તપાસ ચાલી રહી છે. આવી લિસ્ટેડ એન્ટિટીના પ્રમોટરોની ભૂમિકા પણ બહાર આવી છે, જેમણે શેરના પ્રેફ્રન્શિયલ ઇશ્યૂ, પ્રમોટર્સ/પ્રમોટર-નિયંત્રિત શેરના વેચાણ અને શેર વોરંટ જારી કરવાના બહાને તેમની કંપનીમાં આ દૂષિત ભંડોળનો ઉપયોગ કર્યો છે. આમાંની કેટલીક લિસ્ટેડ કંપનીઓનો ઉપયોગ શેરબજારમાં રોકાણને સ્તર આપવા માટે પણ થતો હોવાનું જાણવા મળ્યું છે. ઈડીના દરોડા દરમિયાન, પુરાવા મળી આવ્યા છે જે સૂચવે છે કે આવી કંપનીઓના પ્રમોટરોએ આરોપીઓ સાથે સહયોગ કર્યો હતો / સાંઠગાંઠ કરી હતી જેથી એજન્ટો અને વચેટિયાઓની મદદથી તેમની કંપનીનું મૂલ્યાંકન વધારવા માટે બેનામી નાણાંની મદદથી આવી કંપનીઓના શેરના ભાવમાં હેરફેર કરી શકાય. દરોડા દરમિયાન આમાંના કેટલાક એજન્ટો અને સ્ટોક બ્રોકરોને પણ આવરી લેવામાં આવ્યા હતા. સોશિયલ મિડિયા પર વિવિધ રમતો પર સટ્ટો લગાવવા લોકોને પ્રોત્સાહન અપાતું એપના પ્રમોટરો અને અન્ય આરોપીઓએ વિવિધ સોશિયલ મિડિયા મંચો પર જાહેરાતો આપીને ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ, કેસિનો, તીનપત્તી વગેરે જેવી વિવિધ રમતો પર સટ્ટો લગાવવા માટે લોકોને પ્રોત્સાહન આપ્યું હતું. જાન્યુઆરી 2019થી નવેમ્બર 2023 વચ્ચે મોટે પાયે પૈસા ભેગા કરીને દેશવિદેશમાં હોટેલો, મિલકતો અને અન્ય વેપારોમાં નાણાંનું રોકાણ કર્યું છે. મહાદેવ સટ્ટાબાજીની એપ રવિ ઉપ્પલ અને સૌરભ ચંદ્રાકરે સાથે મળીને શરૂ કરી હતી 2017માં રવિ અને સૌરભે મળીને ઓનલાઈન સટ્ટાબાજી દ્વારા પૈસા કમાવવા માટે એક વેબસાઈટ બનાવી હતી. જોકે, શરૂઆતમાં આ વેબસાઈટના યુઝર્સ ઓછા હતા અને તેમાંથી ઘણી ઓછી કમાણી થઈ હતી. સૌરભ 2019માં નોકરી માટે દુબઈ ગયો હતો. થોડા સમય બાદ સૌરભે તેના મિત્ર રવિ ઉપ્પલને પણ દુબઈ બોલાવ્યો હતો. રવિ દુબઈ પહોંચે તે પહેલાં સૌરભે સટ્ટાબાજીની વેબસાઈટ દ્વારા પૈસા કમાવવાનો સંપૂર્ણ પ્લાન તૈયાર કરી લીધો હતો. આ પછી બંનેએ મહાદેવ બુક ઓનલાઈન નામથી બેટિંગ વેબસાઈટ અને એપ બનાવી. સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા તેનો પ્રચાર શરૂ કર્યો. મહાદેવ કંપનીના બિઝનેસને વિસ્તારવા સૌરભે બે રસ્તા અપનાવ્યા. પ્રથમ: સોશિયલ મીડિયા માર્કેટિંગ અને પ્રભાવકો દ્વારા એપ્લિકેશનનો પ્રચાર કર્યો. બીજું: અન્ય સટ્ટાબાજીની એપ્સ અને વેબસાઇટ્સ ખરીદી. લગભગ 4 હજાર પેનલ ઓપરેટર્સનું નેટવર્ક ઊભું કર્યું ઓનલાઈન બેટિંગ એપ દ્વારા સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલે દેશમાં લગભગ 4 હજાર પેનલ ઓપરેટર્સનું નેટવર્ક બનાવ્યું હતું. દરેક પેનલ ઓપરેટર પાસે 200 ગ્રાહકો હતા જેઓ સટ્ટો લગાવતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ રીતે બંને રોજની 200 કરોડ રૂપિયાની કમાણી કરતા હતા. આ કાળાંનાણાંથી તેમણે સંયુક્ત આરબ અમીરાતમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.