back to top
Homeગુજરાતવેકરિયાના કેસમાં એક્શન, પાડલિયામાં મૌન:ધોરાજીના MLA સામે લેટર બોમ્બ, ધારાસભ્ય સામે મહિલાના...

વેકરિયાના કેસમાં એક્શન, પાડલિયામાં મૌન:ધોરાજીના MLA સામે લેટર બોમ્બ, ધારાસભ્ય સામે મહિલાના નામે કોનો ખેલ?

ગુજરાતમાં કે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીને કેડર બેઝ અને શિસ્તમાં રહેનારી પાર્ટી ગણવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ બન્ને વાતને કલંકિત કરનારી અનેક ઘટનાઓ ગુજરાત ભાજપમાં સામે આવી ચૂકી છે.સહકારી ચૂંટણીમાં બે ફોર્મ ભરવાની વાત હોય કે પછી લોકસભા ચૂંટણીમાં ખુલ્લેઆમ ઉમેદવારના વિરોધની વાત હોય આ બધાની વચ્ચે શિસ્તભંગની સૌથી વધુ બાબતો લેટર બોમ્બ દ્વારા સામે આવતી રહે છે. અમરેલી લેટરકાંડ બાદ વધુ એક લેટરકાંડ સામે આવ્યો છે. થોડા દિવસ પહેલાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ ફરતા થયેલા લેટરમાં તેમના પર ભ્રષ્ટ્રાચારના આરોપ લગાવવામાં આવ્યા છે. લખનારે આ લેટરમાં ભાજપ અને સંઘના કાર્યકર તરીકે પોતાની ઓળખ આપી છે. લેટરકાંડની હકીકત જાણવા અમે મહેન્દ્ર પાડલિયા, ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને પ્રદેશ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે સાથે વાતચીત કરી હતી. ધોરાજીના ધારાસભ્ય ડૉ. મહેન્દ્ર પાડલિયા સામે ફરતી થયેલી પત્રિકા મામલે નવો જ ઘટસ્ફોટ થયો છે. આ પત્રિકા કોઇ મહિલાએ નહીં પરંતુ પુરૂષે જ લખેલી હોવાનો સ્વીકાર ખુદ મહેન્દ્ર પાડલિયાએ કર્યો છે. છેલ્લા થોડા સમયમાં પાડલિયા અને ઉપલેટા ભાજપ વિરૂદ્ધ એક, બે નહીં પણ 5 જેટલી પત્રિકાઓ વાઇરલ થઇ છે. મહેન્દ્ર પાડલિયા અને ભાજપ સામે આ એક નહીં પરંતુ અગાઉ 4 જેટલી પત્રિકાઓ વાઇરલ થઇ ચૂકી છે. જે તમામ પત્રિકાઓ દિવ્ય ભાસ્કરને હાથ લાગી છે. નગરપાલિકાની ચૂંટણી પહેલા વાઇરલ થયેલી પત્રિકા
ઉપલેટાના પ્રબુદ્ધ નાગરિકોને ઉદ્દેશીને લખાયેલી આ પત્રિકામાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મત ન આપવાની અપીલ કરાઇ હતી. આ પત્રિકામાં એવો ઉલ્લેખ પણ હતો કે નગરપાલિકાની ચૂંટણીના ચિત્રમાં મનસુખ માંડવિયા, રમેશ ધડૂક, હરિભાઇ પટેલ, પ્રવીણ માંકડિયા જેવા જૂના અને પીઢ આગેવાનો તેમજ સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ક્યાંય નથી. ઉપલેટાનો જાગૃત નાગરિક અને હિતેચ્છુ મતદારના નામે આ પત્રિકા લખાયેલી હતી. ટિકિટ ફાળવણી વિરૂદ્ધ વાઇરલ થયેલી પત્રિકા
નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જયશ્રીબેન સોજીત્રાને ટિકિટ આપતા તેની સામે પણ એક પત્રિકા વાઇરલ થઇ હતી. જેમાં જયશ્રીબેન સોજીત્રા અને હરસુખ સોજીત્રા પર આરોપ લગાવાયા હતા. જાગૃત લેઉવા પાટીદારના નામે લખાયેલી પત્રિકા
જય સરદાર, જય ખોડિયાર શબ્દો સાથે લખાયેલી અન્ય એક પત્રિકા પણ નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ વાઇરલ થઇ હતી. જેમાં મહેન્દ્ર પાડલિયા અને રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી રવિ માંકડિયા પર ખનીજ માફિયાઓને ટિકિટ આપવાનો આરોપ લગાવાયો હતો. પત્રિકા લખનાર તરીકે ઉપલેટા શહેરનો જાગૃત લેઉવા પાટીદાર લખાયેલું હતું. આહિર સમાજને અન્યાય થયાનો દાવો કરતી પત્રિકા
આહિર સમાજને સંબોધીને લખાયેલી ચોથી પત્રિકામાં ઉપલેટા નગરપાલિકામાંથી આહિર સમાજનું પત્તું સાફ થઇ ગયું હોવાનો ઉલ્લેખ છે. જેનો આરોપ રંગા (M) અને બિલ્લા (R) પર લગાવાયો છે. આ પત્રિકામાં M એટલે મહેન્દ્ર પાડલિયા અને R એટલે રવિ માંકડિયા તરફ ઇશારો હોવાનું લોકો માની રહ્યા છે. આહિર સમાજને અન્યાય થયો હોવાનો દાવો આ પત્રિકામાં કરાયો હતો. ભ્રષ્ટાચારનો આરોપ લગાવતી પત્રિકા
હમણાં થોડા દિવસ પહેલાં પણ એક પત્રિકા વાઇરલ થઇ હતી. જેમાં મહેન્દ્ર પાડલિયા અને તેના મળતિયા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવાયા છે. આ પત્રના અંતે લખનાર તરીકે ભાજપ અને સંઘની કાર્યકર્તા એવો શબ્દ લખાયેલો છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં મહેન્દ્ર પાડલિયાએ આ પત્ર કોઇ મહિલાએ નથી લખ્યો તેવો ઘટસ્ફોટ કર્યો છે. મહેન્દ્ર પાડલિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, મેં આ અંગે પોલીસ ફરિયાદ કરી છે. દ્વેષ અને ઇર્ષ્યાથી પીડાતા લોકોનું આ કાવતરું છે. મારી પાસે પૂરાવા નથી એટલે હું નામ આપી શકું તેમ નથી. પત્ર લખનાર મહિલા નથીઃ મહેન્દ્ર પાડલિયા
પત્ર લખનારે અંતમાં પોતાને મહિલા ગણાવી છે. આના વિષે મહેન્દ્ર પાડલિયાએ કહ્યું કે, આ મીસ લીડ કરવા માટે કરેલું છે. મારા વધતા કદ સામે ઇર્ષ્યાઃ મહેન્દ્ર પાડલિયા
તેમણે ઉમેર્યું કે, હું ચૂટાયો પછી મેં સંગઠનમાં પણ ખૂબ મહેનત કરી છે. સંગઠન મજબૂત થયા પછી લોકસભા ચૂંટણીમાં અમે અમારા વિસ્તારમાં 18 હજારની લીડ મેળવી હતી. પહેલીવાર મારા વિસ્તારની ત્રણેય નગરપાલિકા પણ જીત્યા. આ બધી ઘટનાઓથી ઘણાને એમ છે કે આનું (મહેન્દ્ર પાડલિયાનું) કદ વધતું જાય છે તેથી ઇર્ષ્યાથી આ પગલું લેવાયું હોઇ શકે છે. જીજ્ઞેશ ડેર સામેના આરોપો ખોટા હોવાનો દાવો
જે પત્રિકા હમણાં વાઇરલ થઇ છે તેમાં જીજ્ઞેશ ડેરનું પણ નામ છે. અમે જીજ્ઞેશ ડેર અંગે પૂછ્યું તો મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યું કે, તે અગાઉ 6 વર્ષ ઉપલેટા ભાજપના મહામંત્રી હતા. તે ખૂબ મહેનતુ અને ઇન્ટેલિજન્ટ છે. મારી ઓફિસનું કામ ઘણા સમયથી તે સંભાળે છે. તેને વહીવટી બાબતોનો ખૂબ અનુભવ છે. કેટલીક વાર સરકારના વિવિધ પ્રોજેક્ટના ક્લાસિફિકેશનની જાણકારી અધિકારી કરતા પણ જીજ્ઞેશને વધારે હોય છે. આવો માણસ સારું કામ કરે એ કેટલાકને પસંદ નથી.પત્રમાં તેના ચરિત્ર પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તમે જોશો તો ખબર પડશે કે તે સાવ સીધો માણસ છે. તે આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવે છે. તેના પર લાગેલા આક્ષેપો તદ્દન ખોટા છે. પક્ષમાં જૂથવાદ વિશે તેમણે કહ્યું કે, ના આવા કોઇ ગ્રુપ નથી. બાકી બધા તો મારા હિતેચ્છુ છે. આ તો કોઇ એવો માણસ છે જેનાથી સારી વાત જોવાતી નથી. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે કૌશિક વેકરિયા વિરૂદ્ધની પત્રિકા મામલે ભાજપે તરત જ કાર્યવાહી કરી પરંતુ મહેન્દ્ર પાડલિયા સામેની પત્રિકા મામલે કોઇ કાર્યવાહી નથી કરી. જેથી મહેન્દ્ર પાડલિયા કરતા કૌશિક વેકરિયા ભાજપને વધુ વ્હાલા છે. આ આક્ષેપને નકારતા મહેન્દ્ર પાડલિયાએ કહ્યું કે, આ વાત તદ્દન ખોટી છે. મને સંગઠન અને સરકાર તરફથી હંમેશા પૂરતો સહયોગ મળ્યો છે. છેલ્લી ઘડી સુધી લડવાનો હુંકાર
છેલ્લે પોતાની વાત પૂરી કરતા મહેન્દ્ર પાડલિયાએ કહ્યું કે, એક વાત ચોક્કસ છે કે હું પલાયનવાદી નથી. મેદાન છોડીને ભાગે એ બીજો હું નહીં. મને જે જવાબદારી સોંપી છે તે માટે હું છેલ્લી હદ સુધી લડી લેવાનો છું. પ્રદેશ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કૌશિક વેકરિયાના કેસની જેમ મહેન્દ્ર પાડલિયાના કેસમાં પણ ફરિયાદ થઇ લેવાઇ હોવાનું કહ્યું. તેમણે જણાવ્યું કે, મહેન્દ્રભાઇના કેસમાં પણ એક્શન લેવામાં આવી છે. કૌશિક વેકરિયા વખતે પણ પોલીસ ફરિયાદ લેવાઇ હતી. આ કિસ્સામાં પણ પોલીસ ફરિયાદ લેવામાં આવી છે. ધોરાજી-ઉપલેટા ભાજપમાં અસંતોષ કેમ છે? મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધની પત્રિકાનું સત્ય શું છે તે અંગે જાણવા અમે ધોરાજી-ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સાથે પણ વાતચીત કરી હતી. જેમાં તેમણે ભાજપમાં 5 જેટલા જૂથ હોવાનો દાવો કર્યો. ઉપલેટા ભાજપમાં 5 જૂથ છેઃ લલિત વસોયા
લલિત વસોયાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, આ ભાજપનો આંતરિક અસંતોષ છે. મહેન્દ્ર પાડલિયા સહિત ઉપલેટા ભાજપમાં 5 જૂથ છે. દર વખતે મહેન્દ્ર પાડલિયા પોલીસ ફરિયાદ કરે છે પરંતુ કોઇ પરિણામ આવતું નથી. એકવાર મહેન્દ્ર પાડલિયાની ફરિયાદ બાદ ભાજપના કેટલાક કાર્યકરોને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા. તેમને માર પણ મરાયો હતો પરંતુ કોઇ નક્કર પગલાં લેવાયા નહોતા. ભાજપના જૂથ ગણાવતા લલિત વસોયા કહે છે કે, પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયાનું જૂથ, ભાજપ મહામંત્રી રવિભાઈ માંકડિયા અને મયુરભાઇ સૂવાનું ગ્રુપ, કડવા પાટીદાર આગેવાન રમણિકભાઇ સહિતના લોકોનું અલગ-અલગ ગ્રુપ ચાલે છે.આ પ્રકારના જૂથ વર્ષોથી ચાલતા આવ્યા છે. આ બધા લોકો એકબીજા સામે તાકાતથી લડી રહ્યા છે. અમે આ બધું શાંતિથી જોઇએ છીએ. આ લેટર પુરૂષે જ લખ્યો છેઃ વસોયા
આ પત્રિકા કોણે લખી હશે તે અંગે લલિત વસોયાએ જવાબ તો ન આપ્યો પરંતુ એક હિંટ ચોક્કસ આપી કે નીચે ભલે ‘ભાજપ અને સંઘની કાર્યકર્તા’ લખ્યું હોય પરંતુ આ લેટર કોઇ મહિલાએ નહીં પરંતુ પુરુષે જ લખ્યો છે. મહેન્દ્ર પાડલિયાના કામથી લોકોને સંતોષ છે કે નહીં આ પ્રશ્નનો જવાબ આપતા તેઓ કહે છે કે, લોકોને સંતોષ ન હોય તેનું મુખ્ય કારણ છે હાજર ન હોવું. મહેન્દ્ર પાડલિયા રાજકોટ રહેતા હોવાથી જનસંપર્ક કે લોકસંપર્કનો તો પ્રશ્ન જ નથી આવતો. મહેન્દ્ર પાડલિયા સામે ભાજપના નેતાઓના અસંતોષ પાછળનું કારણ જણાવતા લલિત વસોયા કહે છે કે, મહેન્દ્ર પાડલિયા રાજકોટ રહે છે. છતાં પણ ભાજપે તેમને ધોરાજીની ટિકિટ આપી હતી. સ્થાનિક લેવલે અનેક માંગણીદાર હોય છે. તેમને ટિકિટ ન મળતા રાગ દ્વેષ હોય છે. મહેન્દ્ર પાડલિયા કાર્યકરોને નામથી બોલાવતા ન હોવાથી પણ અસંતોષ હોય છે. ‘SPને ફરિયાદ છતાં પગલાં કેમ ન લેવાયા?’
લેટરકાંડમાં કાર્યવાહીનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે કે, સમગ્ર મામલે FIR પણ નોંધાતી નથી. આના પરથી એવું સાબિત થાય કે મહેન્દ્ર પાડલિયા કરતાં તેમની સામે વાળું જૂથ મજબૂત હોઇ શકે તો જ પગલાં નથી લેવાતા. ભાજપ જેટલું મહત્વ કૌશિક વેકરિયાને આપે છે તેટલું મહેન્દ્ર પાડલિયાને નથી આપતો. કૌશિકભાઈની સામે લેટર આવ્યો તો પોલીસે અનેક પગલાં લીધા પરંતુ આ કિસ્સામાં તો FIR પણ નથી લેવાતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments