જૈનુલ અન્સારી, ધવલ ભરવાડ
સપ્ટેમ્બર 2022માં 637 મીટર લાંબા મકરબા રેલવે ઓવર બ્રિજનું કામ અંદાજે 88 કરોડના ખર્ચે શરૂ કરાયું હતું, બ્રિજનું કામ મે 2025ના અંત સુધીમાં પૂરું કરવાનું હતું. જોકે રેલવે પોર્શનમાં પાઇલિંગનું કામ શરૂ કરાયું ત્યારે જમીનથી 5થી8 મીટર ઊંડી ડ્રેનેજની અનઆઈડેન્ટિફાઈડ 3 લાઇન મળી હતી. બીજી એક લાઇન હોવાની સંભાવના છે. ડ્રેનેજ વિભાગ પાસેથી પ્લાન માટે જે ડેટા મંગાવ્યો હતો,તેમાં ફક્ત બે લાઇન હોવાનો ઉલ્લેખ હતો. પણ રોડ ખોદતાં 5 લાઈન મળી હતી. રોડની નીચે દબાયેલી ચેમ્બર વિશે માહિતી અપાઈ ન હતી. જોકે રોડ ખોદતા બે ચેમ્બર પણ મળી છે. હાલ બ્રિજનું કામ બે મહિનાથી બંધ છે. મકરબા બાજનું કામ ચાલુ રહેશે પણ વેજલપુર તરફનું કામ પાઈલિંગની ડિઝાઈનને લીધે નવેમ્બર સુધી ખેંચાશે. 40 વર્ષ જૂની લાઇનો મળી
બ્રિજ પ્રોજેક્ટના અધિકારીએ જણાવ્યું કે, ડ્રેનેજ વિભાગે જે અમને ડ્રોઇંગ આપ્યા હતા તે મુજબ, ડિઝાઇન તૈયાર કરાઈ હતી. જોકે, વધારાની ત્રણ લાઇન નીકળી આવી છે. આ લાઇનો ઔડાએ 35થી 40 વર્ષ પહેલાં નાખી હતી.