સાઉથનાં સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. આ કેસમાં બે રિયલ એસ્ટેટ કંપનીઓ પર ખરીદદારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સાઈ સૂર્યા ડેવલપર્સ અને સુરાના ગ્રુપ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ મહેશ બાબુને 27 એપ્રિલે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. આ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતા વિવાદાસ્પદ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા બદલ અભિનેતાની તપાસ ચાલી રહી છે. અહેવાલો સૂચવે છે કે મહેશ બાબુને એન્ડોર્સમેન્ટ ડીલ માટે સાઈ સૂર્યા વેન્ચર્સ પાસેથી 5.9 કરોડ રૂપિયાની રકમ મળી હતી. EDના સૂત્રોએ સંકેત આપ્યો છે કે અભિનેતાને ચૂકવવામાં આવેલી રકમ ગુનાની આવક હોવાની શંકા છે. જેથી તપાસ વધુ તેજ થઈ ગઈ છે. કથિત મની લોન્ડરિંગની તપાસ ચાલુ રહે ત્યાં સુધી અભિનેતા અધિકારીઓને સહકાર આપે તેવી અપેક્ષા છે. આ સમન્સ છેતરપિંડીભર્યા રિયલ એસ્ટેટ સોદાઓની વ્યાપક તપાસના ભાગ રૂપે આવ્યું છે. મહેશ બાબુની સંડોવણી હવે તપાસ હેઠળ છે. અભિનેતા દ્વારા સાંઈ સૂર્ય પ્રોજેક્ટ્સના પ્રમોશનને કારણે ઘણા લોકોએ કથિત છેતરપિંડી વિશે જાણ્યા વિના રોકાણ કર્યું. જોકે તે સીધી રીતે સંડોવાયેલા રહેશે નહીં, પરંતુ ED ડેવલપર્સ દ્વારા તેમને આપવામાં આવેલા પૈસાની તપાસ કરી રહી છે. ‘ગ્રીન મીડોઝ’ નામના પ્રોજેક્ટના રોકાણકારો સાથે છેતરપિંડી કરવા બદલ સાંઈ સૂર્યા કંપની સામે કેસ નોંધવામાં આવ્યો છે. સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુએ ગ્રીન મીડોઝનું પ્રમોશન કર્યું. કંપનીએ તેમને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવ્યા. ED સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, મહેશ બાબુને સાંઈ સૂર્યા ડેવલપર્સની જાહેરાત માટે 5.9 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આમાંથી 3.4 કરોડ રૂપિયા સત્તાવાર બેંકિંગ ચેનલો દ્વારા અને 2.5 કરોડ રૂપિયા રોકડામાં હોવાનું કહેવાય છે. ED અધિકારીઓને શંકા છે કે રોકડનો હિસ્સો છેતરપિંડી દ્વારા એકત્રિત કરાયેલા નાણાંનો એક ભાગ છે. 5 દિવસ પહેલાં કંપની ઉપર દરોડા પડ્યા
તેલંગાણામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મોટી કાર્યવાહી કરી હતી. EDના જણાવ્યા અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હૈદરાબાદના સિકંદરાબાદ, જ્યુબિલી હિલ્સ અને બોવેનપલ્લી વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં સુરાના ગ્રુપ અને સાંઈ સૂર્યા ડેવલપર્સ સામે આ દરોડા પાડવામાં આવ્યા હતા. શું મામલો છે?
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર રિયલ એસ્ટેટ રોકાણકારો સાથે કથિત છેતરપિંડી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. સુરાના ગ્રુપ અને સાંઈ સૂર્યા ડેવલપર્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સિકંદરાબાદ, જ્યુબિલી હિલ્સ અને બોવેનપલ્લી સ્થિત જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ ન કરવાનો આરોપ
પીએમએલએ હેઠળની તપાસ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ ન કરવાના આરોપો સાથે સંબંધિત છે. સાઈ સૂર્યા ડેવલપર્સના માલિક કંચરલા સતીશ ચંદ્ર ગુપ્તા ‘ગ્રીન મીડોઝ’ નામના પ્રોજેક્ટમાં કથિત ભૂલો માટે પોલીસ તપાસનો સામનો કરી રહ્યા છે. અભિનેતા મહેશ બાબુ આ પ્રોજેક્ટના બ્રાન્ડ એમ્બેસેડર હતા. જોકે, હજુ સુધી તેમની સામે કોઈ આરોપ નથી. સોફ્ટવેર એન્જિનિયરની ફરિયાદ પર કાર્યવાહી
સૂત્રોના જણાવ્યા અનુસાર, 32 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે હૈદરાબાદના વેંગલ રાવ નગર સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ ફર્મ કંચરલા સતીશ ચંદ્ર ગુપ્તા અને તેમની કંપની સામે સ્થાનિક પોલીસમાં છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. મધુરા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, નક્કા વિષ્ણુ વર્ધન અને અન્ય ઘણા લોકોએ એપ્રિલ 2021માં સાઈ સૂર્યા ડેવલપર્સના ગ્રીન મીડોઝ વેન્ચર (શાદનગરમાં 14 એકર જમીન)માં ત્રણ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું હતું. પ્રોજેક્ટમાં રોકાણ કરનાર કોણ-કોણ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટમાં રોકાણ કરનારા અન્ય લોકોમાં ડૉ. સુધાકર રાવ, શ્રીકાકુલમા વિટલ મહેશ, રાજેશ, શ્રીનાથ, કે હરીશ, કોટલા શશાંક, રવિ કુમાર, કે પ્રભાવતી, વેંકટ રાવ અને કૃષ્ણ મોહનનો સમાવેશ થાય છે. આ કેસમાં સુરાના ગ્રુપની પણ તપાસ ચાલી રહી છે. મહેશ બાબૂને બોલિવૂડ અફોર્ડ કરી શકતું નથી
મહેશ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે. તે પેન ઇન્ડિયા એક્ટર છે. ચાહકો બોલિવૂડમાં તેમની એન્ટ્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મહેશ બાબુએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બોલિવૂડ તેમને અફોર્ડ કરી શકે તેમ નથી, એટલે તેઓ બોલિવૂડમાં કામ કરી રહ્યા નથી. મહેશ બાબુની આગામી ફિલ્મ
મહેશ બાબુ હાલમાં તેમની આગામી ફિલ્મ SSMB29 ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં પ્રિયંકા ચોપરા પણ છે. આ ફિલ્મ માટે પ્રિયંકા ચોપરાને 30 કરોડ રૂપિયા મળ્યા હોવાનું કહેવાય છે, જે કોઈપણ બોલિવૂડ અભિનેત્રી માટે સૌથી વધુ ફી છે. રાજામૌલી અને મહેશ બાબુ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન પણ મુખ્ય ભૂમિકામાં છે.