ગઈકાલે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ દર્શન માટે પહોંચી હતી. આ દરમિયાન અબજોપતિ ઈલોન મસ્કના માતા મેય મસ્ક પણ તેની સાથે જોવા મળ્યા હતા. આ પ્રસંગે જેકલીન ગોલ્ડન એથનિક સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પોતાના માથા પર દુપટ્ટો પણ ઓઢ્યો હતો. બીજી તરફ મેય પણ યલો કલરના આઉટફીટમાં સુંદર લાગી રહ્યા હતા. મંદિરમાં પૂજા-અર્ચના કરતા અને મંદિરના પૂજારી પાસેથી આશીર્વાદ લેતી તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધા પછી, જેક્લીને હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતા કહ્યું- મારી મિત્ર મેય સાથે મંદિરમાં પૂજા કરવાનો અનુભવ ખૂબ જ સુંદર રહ્યો. જે (મેય) પોતાના પુસ્તક વિમોચન માટે ભારત આવી છે. આ પુસ્તકમાંથી મને ઘણું શીખવા મળ્યું છે. ખાસ કરીને તે બાબત કે સપનાની કોઈ ઉંમર નથી હોતી. મેય મસ્ક, ઈલોન મસ્કની માતા હોવા ઉપરાંત, એક લેખક અને ન્યુટ્રિશિયન છે. તે પોતાના પુસ્તક “અ વુમન મેક્સ અ પ્લાન” ના હિન્દી સંસ્કરણના લોન્ચ માટે ભારત આવી છે. તેમણે તાજેતરમાં ભારતમાં પોતાનો 77મો જન્મદિવસ ઉજવ્યો. તાજેતરમાં જ જેકલીન ફર્નાન્ડીઝની માતા કિમ ફર્નાન્ડીઝનું નિધન થયું હતું. માતાના મૃત્યુ પછી એક્ટ્રેસ પહેલીવાર પબ્લિક સ્પોટ પર દેખાય છે. એક્ટ્રેસનાં વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે તાજેતરમાં સોનુ સૂદની ફિલ્મ ‘ફતેહ’માં જોવા મળી હતી. ટૂંક સમયમાં જ તે અજય દેવગન અને વાણી કપૂર સ્ટારર ફિલ્મ ‘રેડ-2’ના એક આઈટમ સોન્ગમાં જોવા મળશે. આ ઉપરાંત, તે આ વર્ષે અક્ષય કુમાર સાથે ‘હાઉસફુલ-5’ અને ‘વેલકમ ટુ’ જંગલમાં પણ જોવા મળશે.