અમરેલી જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા એસપી સંજય ખરાતની સૂચના મુજબ નાગેશ્રી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામની સીમમાં નદી કાંઠે આવેલી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન 91 લિટર દેશી દારૂ, 90 લિટર ગરમ આથો અને 1700 લિટર દારૂ બનાવવાનો આથો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ભઠ્ઠીના સાધનોમાં ત્રણ ટીનના તગારા, પાંચ ગેસના બાટલા, ત્રણ અખાદ્ય ગોળના ડબ્બા, ત્રણ લોખંડના ગેસના ચૂલા અને એક બાઇક મળી કુલ રૂ. 1,01,240નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે વડલી ગામના મહેશભાઈ ઉર્ફે મયલો વિરાભાઈ બારૈયા સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીએસઆઈ પી.બી.ચાવડા સહિત નાગેશ્રી પોલીસની ટીમે આ કાર્યવાહી કરી હતી. દરોડાના પગલે અનેક બુટલેગરો વિસ્તાર છોડીને ભાગી ગયા હતા.