ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કારણ કે વિવાદિત પોસ્ટના કારણે તેમની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન તથા પોલીસ કમિશનરને એક અરજીના માધ્યમથી ફરિયાદમાં ફિલ્મ જગતના જાણીતા દિગ્દર્શક, ફિલ્મ નિર્માતા, લેખક અને અભિનેતા અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. હાલમાં જ અનુરાગ કશ્યપે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્રાહ્મણ સમાજ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. આ ફરિયાદ ભગવતીપ્રસાદ હોસલાપ્રસાદ દુબે (ઉમર: 38 વર્ષ, વ્યવસાય: વેપાર) નામના અરજદાર દ્વારા કરવામાં આવી છે. અરજદાર સુરત શહેરમાં નિવાસી છે અને પોતે બ્રાહ્મણ સમાજના છે. અરજદારના જણાવ્યા અનુસાર, અનુરાગ કશ્યપે પોતાની ઈન્સ્ટાગ્રામ ID anuragkasap10 પર એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકીને બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ ખોટી ટીકા, અપશબ્દ અને બદનક્ષી કરનારું લખાણ જાહેર કર્યું છે. વિવાદનો મૂળ મુદ્દો
અરજદારનું કહેવું છે કે અનુરાગ કશ્યપની “ધડકન-2” નામની મૂવી રિલીઝ થવામાં વિલંબ થતો હોઈ શકે છે, જેથી ખોટી વાતો, વિવાદિત નિવેદન તથા ચર્ચા મેળવવા માટે તે સોશિયલ મીડિયાના માધ્યમોનો ઉપયોગ કરી રહ્યો છે. તેમણે પોતાની Instagram પોસ્ટ દ્વારા બ્રાહ્મણ સમાજને નિશાન બનાવી અને એમને અશ્લીલ ભાષાઓથી અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. ફરિયાદ અનુસાર ઈન્સ્ટાગ્રામ પર તેમનे મૂકેલી પોસ્ટમાં બ્રાહ્મણ સમાજ સામે અપશબ્દ અને કટાક્ષ કરાયો હોવાનું જણાવાયું છે. વડાપ્રધાનના અટકના ઉલ્લેખ સાથે ટકોર કરવી તથા જાતિગત ટીકા કરાઈ હોવાનો આક્ષેપ છે. તેમની પોસ્ટ પર કમેન્ટ કરનાર લોકો દ્વારા પણ અરજદાર અને સમગ્ર બ્રાહ્મણ સમાજની લાગણીઓ દુભાઈ છે. આ પોસ્ટના કોમેન્ટ વિભાગમાં પણ અશ્લીલ ટિપ્પણીઓ જોવા મળી હોવાનું અરજદારનું માનવું છે. કાયદાકીય કલમો હેઠળ કાર્યવાહીની માગ
અરજદાર ભગવતી પ્રસાદ દુબે દ્વારા ભારતીય ન્યાયસહિતાના 2023ના સુધારેલા કાયદાની કલમો 196, 197, 351, 352, 353, 356 હેઠળ ફરિયાદ નોંધવાની માંગણી કરવામાં આવી છે. અરજદારની અપીલ અને માગ
ભગવતી પ્રસાદ દુબેએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે તેઓ અને તેમનો સમૂહ ઘણા વર્ષોથી સામાજિક સેવા અને બ્રાહ્મણ હિત માટે કામ કરે છે, ત્યારે અનુરાગ કશ્યપ જેવા જાણીતા ફિલ્મકાર દ્વારા પોતાના વ્યકિતગત મંતવ્યોને ઈન્ટરનેટ માધ્યમ દ્વારા જાહેર કરી આખા બ્રાહ્મણ સમાજને નિશાન બનાવવો અત્યંત દુખદાયક અને નુકસાનકારક છે. તેમણે પોલીસ અને સુરત પોલીસ કમિશનરને વિનંતી કરી છે કે આ મામલામાં તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવે તથા અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવે.