‘ભાભીજી ઘર પર હૈ’માં અંગૂરી ભાભીનો રોલ કરનારી શુભાંગી અત્રેના પૂર્વ પતિ પીયૂષ પુરેનું નિધન થયું છે. પીયૂષ ઘણા સમયથી બીમાર હતો. જોકે, તેના મૃત્યુનું ચોક્કસ કારણ બહાર આવી શક્યું નથી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, પીયૂષ સંપૂર્ણ લીવર સિરોસિસથી પીડાતો હતો. તેની લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. શુભાંગી ઘણા સમયથી તેના પતિથી દૂર રહેતી હતી. પીયૂષના અવસાનના સમાચારથી શુભાંગી આઘાતમાં છે, તેમ છતાં તેણે તેના શોનું શૂટિંગ ફરી શરૂ કર્યું છે. શુભાંગી અત્રે અને પીયૂષના લગ્ન વર્ષ 2003માં થયા હતા. આ દંપતીને એક પુત્રી આશી છે. જોકે, વર્ષ 2023માં, આ દંપતીએ સત્તાવાર રીતે તેમના અલગ થવાની જાહેરાત કરી. એક્ટ્રેસે કહ્યું હતું કે- તે તેના પતિથી અલગ થઈ રહી છે. બંને વર્ષ 2022થી અલગ રહેતા હતા. શુભાંગી અત્રે અને પીયૂષ પુરેના 5 ફેબ્રુઆરી 2025ના રોજ છૂટાછેડા થયા. શુભાંગી અત્રે ફરી લગ્ન કરવા માંગતી નથી
એક ઇન્ટરવ્યૂમાં શુભાંગી અત્રેએ છૂટાછેડા અને પુનર્લગ્ન વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે- છૂટાછેડા પછી હું ખૂબ જ ફ્રી અનુભવી રહી છું. એવું લાગે છે કે જાણે કોઈ બોજ ઉતરી ગયો હોય. હું હવે ફરીથી લગ્ન કરવા માંગતી નથી કારણ કે મારી દીકરી મારી પ્રાથમિકતા છે. મારી બહેનો અને મિત્રોએ મને ફરીથી લગ્ન કરવાની સલાહ આપી છે, પરંતુ હું હાલમાં તેના વિશે વિચારી રહી નથી. શુભાંગીનો પૂર્વ પતિ પિયૂષ કોણ હતો?
પીયૂષ એક બિઝનેસમેન હતો. તેણે વર્ષ 2007માં નવભારત પ્રેસ લિમિટેડમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કર્યું. બાદમાં, તેણે ઝારખંડ અને બિહારના એક પ્રખ્યાત મીડિયા હાઉસમાં સિનિયર માર્કેટિંગ મેનેજર તરીકે કામ કર્યું. તે લાંબા સમય સુધી એક મીડિયા હાઉસના બિઝનેસ હેડ હતો. શુભાંગી અત્રે 2016થી ‘ભાભીજી ઘર પર હૈ’માં અંગૂરી મનમોહન તિવારીની ભૂમિકા ભજવી રહી છે. તેણે આ શોમાંથી શિલ્પા શિંદેની જગ્યા લીધી. આ પહેલા ‘ચિડિયા ઘર’માં પણ તેણે શિલ્પાને રિપ્લેસ કરી હતી.