દક્ષિણના સિંગિંગ રિયાલિટી શો ‘પડુથા થેગા’માં સ્પર્ધક રહી ચૂકેલી પ્રવાસ્તિ આરાધ્યાએ તાજેતરમાં ઑસ્કર એવોર્ડ વિજેતા સિંગર એમ.એમ. કીરવાની અને ગીતકાર-સિંગર ચંદ્રબોસ પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ સિંગર પ્રવાસ્તિએ રિયાલિટી શોના નિર્માતાઓ પર પણ આરોપ લગાવતા કહ્યું કે, “નિર્માતાઓ જાણી જોઈને તેને એવા કપડાં પહેરવાનું દબાણ કરે છે, જેમાં તેનું પેટ દેખાય. ” સિંગર પ્રવાસ્તિ આરાધ્યાએ તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો અને એમ. એમ. કીરવાની અને ચંદ્રબોસ પર આરોપ લગાવ્યો હતો કે, “તેમણે ગાયેલા ગીતો ગાનારા સ્પર્ધકોને જ વધુ માર્ક્સ આપવામાં આવે છે.” ગાયકે એ પણ કહ્યું કે, “જ્યારે તેમણે એમ. એમ. કીરવાનીને કહ્યું કે, તે લગ્ન પ્રસંગોમાં ગીત ગાય છે, ત્યારે તેમણે પ્રતિક્રિયા આપી કે, તે એવા ગાયકોને માત્ર નાપસંદ જ નથી કરતા પરંતુ તેમને નફરત પણ કરે છે.” સિંગર પ્રવાસ્તિએ શોના ત્રીજા જજ સિંગર સુનિતા પર અપમાનજનક ટિપ્પણીઓ કરીને સ્પર્ધકોને માનસિક રીતે હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. શોના નિર્માતાઓ પર ગંભીર આરોપો લાગ્યા વીડિયોમાં પ્રવાસ્તિએ શો ‘પડુથા થેગા’ના નિર્માતાઓ પર એવો પણ આરોપ લગાવ્યો છે કે, તેઓ સ્પર્ધકોને એવા કપડાં પહેરવા માટે દબાણ કરી રહ્યાં છે, જેનાથી તેમનું પેટ દેખાય. પ્રવાસ્તિએ કહ્યું કે, “આવી માંગણીઓ પૂરી કરવામાં તે ખૂબ જ અનકમ્ફર્ટેબલ થઈ જતી હતી.” ઉલ્લેખનીય છે કે, ‘પડુથા થેગા’ શો 1996થી ચાલી રહ્યો છે. આ વર્ષે પ્રવાસ્તિ આરાધ્યા શોની સ્પર્ધક હતી, જેમાં એમ. એમ. કીરવાની, ચંદ્રબોસ અને સિંગર સુનિતા જજ હતાં. થોડા સમય પહેલા પ્રવાસ્તિને શોમાંથી બહાર કરવામાં આવી હતી, ત્યારબાદ તેણે એક વીડિયો બહાર પાડ્યો અને શો પર આરોપો લગાવ્યાં છે. એમ. એમ. કીરવાનીએ ઑસ્કાર અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યા છે વર્ષ 2023માં ફિલ્મ RRRનું “નાટૂ નાટૂ” ગીત કંપોઝ કરનાર સંગીતકાર એમ. એમ. કીરવાનીને આ ગીત માટે ઑસ્કાર અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો હતો. તેમની સાથે ચંદ્રબોસને પણ ઑસ્કાર મળ્યો હતો.