ગેરકાયદેસર બાંધકામ મુદ્દે બ્લેકમેલિંગ કરીને 22 લાખ રૂપિયાની ખંડણી વસૂલ કરનાર કથિત પત્રકાર દેવાજી રાઠોડ રિમાન્ડ પર છે. પોલીસે રિમાન્ડ દરમિયાન તેની પાસેથી 12 લાખ રૂપિયા રિકવર કર્યા છે. આ 12 લાખમાંથી 10 લાખ રૂપિયા પોતાના ભાઈના ઘરમાં મૂક્યા હતા અને 2 લાથ રૂપિયા પોતાના ઘરમાં મૂક્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી કથિત પત્રકારે પોતાના નજીકના ગણાતા 25 જેટલા પત્રકારને આઠ લાખ રૂપિયા ગૂગલ પે અને ચેકના માધ્યમથી આપ્યા છે. ટૂંકડે-ટૂંકડે 22 લાખની વચૂલાત કરી
બ્લેકમેલિંગના એક કેસમાં ધરપકડ કરાયેલા આરોપી પાસેથી ઉધના પોલીસે રિમાન્ડ દરમિયાન રોકડ રૂ. 12 લાખ રિકાવર કર્યા છે. આરોપી પ્રકાશ દેવાજી રાઠોડ (ઉં.વ. 37, સરનામું, સુરભિ સોસાયટી, પુના ટુ બોમ્બે માર્કેટ રોડ) એ એક બિલ્ડરના નિર્માણ કાર્યના ફોટા લઇને પોતાને પત્રકાર દર્શાવતો હતો અને ધમકી આપી હતી કે તે આ નિર્માણ કાર્ય તોડાવી દેશે. નિર્માણ કાર્ય ન તોડાવવા માટે આરોપીએ ફરિયાદી પાસેથી હપ્તે-હપ્તે કુલ રૂ. 22 લાખની વસૂલાત કરી હતી. કોર્ટે આરોપીના બે દિવસમાં રિમાન્ડ મંજૂર કર્યા હતાં
આ બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈ, વી.બી. ગોહિત અને સર્વેલન્સ પીએસઆઈ એમ.કે. ઇશરાણીના નેતૃત્વ હેઠળ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ લીધા હતા. રિમાન્ડ દરમ્યાન પોલીસે આરોપી પ્રકાશ રાઠોડ પાસેથી બ્લેકમેલિંગના આધારે ફરિયાદી પાસેથી વસૂલ કરેલી રોકડ રકમમાંથી રૂ. 12 લાખ જપ્ત કર્યા છે. તેને અન્ય પોતાના અન્ય સાથીદાર કથિત પત્રકારોને આ ખંડણીની રકમમાંથી 8 લાખ રૂપિયા ચેક અને ગૂગલ પેના માધ્યમથી આપ્યા હતા. તેને પોલીસને જણાવાયું છે કે, બાકી ની રકમ અન્ય જગ્યાએ ખર્ચ થયેલા છે.