17મી અખિલ ભારતીય ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભારતના 20 રાજ્યમાંથી 570થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ટેક્નિકલ ખામીના કારણે ઘણા હકદાર વિજેતાઓને અવગણવામાં આવ્યા હતા અને ખોટી રીતે બીજા સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, તંત્રે આ ખામી સ્વીકારી અને સમિતિ રચીને 20 દિવસ પછી નવા વિજેતાઓ જાહેર કર્યા હતા. પોલીસ દોડ અને અન્ય સ્પર્ધામાં ઉપયોગમાં લેવામાં આવેલી ચીપ્સ સિસ્ટમમાં થયેલી ગંભીર ખામીના કારણે સ્પર્ધકોના યોગ્ય ટાઈમ રેકોર્ડ થયા જ નહોતા. જેથી ગંભીર ગોબાચારીને કારણે ખોટા વિજેતા જાહેર થયા હતા અને તંત્ર હવે નવા વિજેતા જાહેર કરશે. સ્પર્ધાનું આયોજન જૂનાગઢ જિલ્લામાં તામઝામથી કરવામાં આવ્યું હતું. પરંતુ સ્પર્ધા બાદ જે કંઈ સામે આવ્યું છે, તે તંત્રની જવાબદારી અને વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. ખોટા દસ્તાવેજો વડે ભાગ લેનારસ્પર્ધકોનું નામ વિજેતામાં
સ્પર્ધામાં ભારતના 20 જેટલા રાજ્યોમાંથી 570થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પરંતુ તેમાં આંતરરાજ્યના બે વિદ્યાર્થીઓએ ડુપ્લિકેટ આધાર કાર્ડ રજૂ કરીને ઉંમર છુપાવી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે પછી તપાસમાં બહાર આવ્યું કે તેમણે ખોટા દસ્તાવેજોના આધારે ભાગ લીધો હતો. ત્યારબાદ તેમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા હતા. તંત્રે આ ખામી સ્વીકારી છે અને માહિતી મળી રહી છે કે સમિતિ રચીને 20 દિવસ પછી નવા વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ દુર્ભાગ્યજનક બાબત એ છે કે, ઘણા હકદાર વિજેતાઓને હજુ સુધી પ્રમાણપત્ર કે ટ્રોફી પણ આપવામાં આવી નથી. સ્પર્ધકોના શબ્દોમાં દુઃખ અને હકનો આક્રોશ “2022માં રેકોર્ડ, પણ આ વર્ષે ચીપ્સની ભૂલથી ખોટું પરિણામ આવ્યું” સ્પર્ધક લાલા પરમાર, જેને અગાઉના વર્ષોમાં પ્રથમ ક્રમ મળતો રહ્યો છે, એ જણાવે છે કે – “હું છેલ્લાં સાત વર્ષથી આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છું. 2022માં મેં 55.30 મિનિટમાં ગીરનાર સર કરી રેકોર્ડ બનાવ્યો હતો. આ વર્ષે મારી પરફોર્મન્સ પણ સારા સ્ટાન્ડર્ડની હતી, છતાં ટેક્નિકલ ખામીના કારણે ચોથા ક્રમે બતાવાયો. જ્યારે ખોટા ડેટા પરથી કોઈએ 53 મિનિટ બતાવીને રેકોર્ડ તોડ્યો બતાવાયો.” જશુબેન ગરેજા અને નયન ચાવડાનો ન્યાય માટે સંઘર્ષ
દિવાના સ્કૂલમાંથી ભાગ લેનારી જશુબેન ગરેજાએ કહ્યું, “હું દર વર્ષે ભાગ લઈ રહી છું. આ વખતે પણ રાજ્ય કક્ષાએ પ્રથમ રહી. પરંતુ નેશનલ લેવલે મને સાતમો ક્રમ આપ્યો. કોચ દ્વારા રીવ્યુ માટે રજૂઆત કર્યા બાદ બીજો ક્રમ મળ્યો, પણ આજે સુધી ટ્રોફી કે પ્રમાણપત્ર મળ્યું નથી.” નયન ચાવડા કહે છે, “ધોરણ 11માં ભણતો છું, બીજો નંબર મળવો જોઈતો હતો, પણ 50માં પણ નામ ન હતું. રિવ્યુ પછી બીજો નંબર જાહેર થયો, પણ ઇનામ તો ક્યાં છે?” “ટાઈમિંગ નોટ કરતાં અમે જાણતા હતા કે તંત્ર ખોટું પરિણામ આપી રહ્યું છે”
પી.ડીસા શાળાના કોચ શૈલેષ મોકરીયાએ જણાવ્યું કે – “અમારા ખેલાડીઓનું રિયલ ટાઈમિંગ અમારું નોટ થયેલું હતું. જ્યારે સમિતિએ જાહેર કરેલું પરિણામ જોયું, ત્યારે તરત જ વિરોધ કર્યો. આખરે વીડિયો ફૂટેજ અને મેન્યુઅલ બેકઅપ ચકાસીને પરિણામ સુધારવામાં આવ્યું.” મંજુબેન ઘુસરએ પણ આવી જ વેદનાની અનુભૂતિ કરી. તેમની શાળાના ઘણા સ્પર્ધકોને યોગ્ય નંબર મળ્યો નહોતો. “અમે વારંવાર તંત્રને રજૂઆત કરી, છતાં અમારું સન્માન થયું નહી.” કોઈ બાલિશ ભૂલ નહીં
નકલી દસ્તાવેજ સાથે પણ સ્પર્ધામાં ભાગ લેવાયો,સ્પર્ધાના વધુ એક પડછાયામાં, બે સ્પર્ધકોએ નકલી આધાર કાર્ડના આધારે ઉમર છુપાવી સ્પર્ધામાં ભાગ લીધો હોવાનું ખુલ્યું છે. તપાસ બાદ તેઓને ડિસ્ક્વોલિફાય કરાયા. અધિકારીઓનો જવાબ અને સમિતિની કામગીરી
જૂનાગઢના અધિક કલેક્ટર ચરણસિંહ ગોહિલના જણાવ્યા મુજબ, “સ્પર્ધાના પરિણામમાં વિલંબ અને ભૂલ અંગે ખેલાડીઓ તરફથી લેખિત રજૂઆત મળી હતી. પછી મામલતદાર સ્તરે સમિતિ રચવામાં આવી હતી. CCTV ફૂટેજ, મેન્યુઅલ બેકઅપ અને ચીપ્સના આંકડાના આધારે સમીક્ષા કરીને નવી વિજેતા યાદી જાહેર કરવામાં આવી છે.” ચીપ્સ સર્વિસ આપતી એજન્સીએ પણ ભૂલ સ્વીકારી હતી. તેમ છતાં, નવી યાદી અનુસાર વિજેતાઓના નામ જાહેર થયા હોવા છતાં રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્ર વિતરણ હજુ અટકાયું છે, જેનું પડકારજનક કારણ તંત્રના સુસ્ત વલણને માનવામાં આવે છે. દેશભરની પ્રતિભા સામે ઉદાસીન વ્યવસ્થા?
આ વર્ષે ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં કુલ 570થી વધુ સ્પર્ધકો 20 જેટલા રાજ્યોમાંથી આવ્યા હતા. ત્યારે આટલી મોટી પ્રતિસ્પર્ધી સ્પર્ધામાં આ પ્રકારના ગોટાળા થતાં, તંત્ર અને રમતગમત વિભાગની વ્યવસ્થાપન ક્ષમતા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્પર્ધકોના માતા-પિતાઓએ પણ રજૂઆત કરી છે કે, “આટલા વર્ષથી બાળકો મહેનત કરે છે, દેશનું નામ રોશન કરે છે. ત્યારે જો તેમનું સાચું સન્માન ન થાય, તો ભાવિ પેઢીનું મનોબળ નબળું પડશે.” અંતમાં પ્રશ્ન એ છે કે આટલી મોટી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં જો ટેક્નિકલ ખામીને કારણે અસલી વિજેતાઓને પછાડવામાં આવે, તો શું રમતગમત ક્ષેત્રે વિકાસ અને ન્યાયની અપેક્ષા સાચી ઠરે છે?