હમણાં સોશિયલ મીડિયા પર એવા સમાચાર ચાલી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયાએ ગુજરાત સહિત ભારતના 6 રાજ્યોના વિદ્યાર્થીઓ માટે તેના દરવાજા બંધ કરી દીધા છે… પણ શું આ વાત સાચી છે? ભાસ્કર એક્સપ્લેનર પર અમે આ વાતની સચ્ચાઈ લાવ્યા છીએ સ્ટુડન્ટ વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરની મદદથી. પાર્થેશભાઈ જણાવે છે કે, આ સમાચાર માત્ર એક અફવા છે. હકીકતમાં ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા મળવાનો દર તો વધી રહ્યો છે! વર્ષ 2023-24માં ઓસ્ટ્રેલિયામાં વિઝા એપ્લાય કર્યા હોય તેવા ભારતીયોનો આંકડો 63 ટકા હતો, તે જાન્યુઆરી 2025 સુધીમાં 83 ટકા અને સપ્ટેમ્બર 2024માં તો 84 ટકા સુધી પહોંચી ગયો છે. સ્ટુડન્ટ વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરના જણાવ્યા મુજબ, “ભારતના વિદ્યાર્થીઓ માટે વિદેશમાં ભણવા જવાના સૌથી પસંદગીના પાંચ દેશો છે: કેનેડા, યુએસ, ઓસ્ટ્રેલિયા, યુકે અને જર્મની.” પાર્થેશભાઈના જણાવ્યા મુજબ ઓસ્ટ્રેલિયા ઘણા વિદ્યાર્થીઓ માટે ખાસ પસંદગીનું કેન્દ્ર બન્યું છે. તેના ત્રણ મુખ્ય કારણો છે, ત્યાં બેચલર્સ અને માસ્ટર્સ ડિગ્રી માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે, ભણ્યા પછી ચાર વર્ષ સુધી વર્ક પરમિટ મળી શકે છે અને જો યોગ્ય રીતે પ્લાનિંગ કરવામાં આવે તો ભણવામાં ખર્ચ થયેલા પૈસા પણ કમાણી દ્વારા પાછા મેળવી શકાય છે. ઘણા વિદ્યાર્થીઓને એ પણ જાણવામાં રસ હોય છે કે ભારતીયો માટે વિદેશ જવાના પાંચ હોટ ફેવરિટ દેશોમાં ભણવાનો અને રહેવાનો ખર્ચ કેટલો આવે છે અને શું ભણવાની સાથે કમાણી કરી શકાય છે? જેના પર પાર્થેશ ઠક્કર જણાવે છે કે, ઓસ્ટ્રેલિયામાં તમે અઠવાડિયામાં 20 કલાક કામ કરી શકો છો. કેનેડામાં આ મર્યાદા 24 કલાકની છે. યુએસમાં તમે કોલેજ કે યુનિવર્સિટી કેમ્પસમાં જ કામ કરી શકો છો, જ્યારે યુકેમાં પણ અઠવાડિયામાં 20 કલાક કામ કરવાની છૂટ છે. એક મહત્વની વાત એ છે કે ઓસ્ટ્રેલિયામાં આજે પણ 14 લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ચીન પછી બીજા નંબરે છે. તેથી, કોઈ પણ અફવા પર ધ્યાન આપ્યા વગર સાચી માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરી વીડિયો જુઓ.