અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ વાડીલાલ સારાભાઈ (VS) જનરલ હોસ્પિટલમાં કોઈપણ નિયમો વગર બનાવેલી કમિટી દ્વારા બારોબાર ક્લિનિકલ રિસર્ચ કરવાના કૌભાંડમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. કૌભાંડ મામલે સસ્પેન્ડ કરવામાં આવેલા ડો. દેવાંગ રાણાએ પોતાની ઓફિસમાંથી ક્લિનિકલ ટ્રાયલના કરારો, ફાઈલો સહિતના મહત્વપૂર્ણ દસ્તાવેજો અને સામગ્રીઓ ચોરી થઈ ગઈ હતી. જે એ અંગેની ફરિયાદ મેડિકલ કોલેજના ડીનને કરી હતી અને ત્રણ મહિનાના સીસીટીવી ફૂટેજ માંગ્યા હતા પરંતુ તે આપવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે તેઓએ મ્યુનિસિપલ કમિશનરને જાન્યુઆરી 2025માં એક પત્ર લખી ફરિયાદ કરી હતી. જે પત્રની કોપી દિવ્ય ભાસ્કર પાસે છે. પોતાને માનસિક રીતે હેરાન કરાતા હોવાનો ડો. દેવાંગ રાણાએ કમિશનરને પત્ર લખ્યો હતો
વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ કૌભાંડમાં સસ્પેન્ડ કરવામાં આવેલા ડો. દેવાંગ રાણાએ 25 જાન્યુઆરી 2025ના રોજ મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે. જે પત્ર લખ્યો હતો. તેની કોપી દિવ્ય ભાસ્કર પાસે છે. જેમાં 8માં નંબરના મુદ્દામાં તેઓએ લખ્યું છે કે, મેં ડીનને ચોરી, જાસૂસી અને ગેરરીતિઓ સામે ફરિયાદ કરી છે. ક્લિનિકલ ટ્રાયલ કરાર, કેટલીક ક્લિનિકલ ટ્રાયલ ફાઇલો, મહત્વપૂર્ણ દસ્તાવેજો, ભંગાર સામગ્રી પણ મારી ઓફિસમાંથી ચોરાઈ ગઈ હતી. જેના ત્રણ મહિનાના સીસીટીવી ફૂટેજ મેં જોવા માટે માંગ્યા હતા પરંતુ તેઓએ વ્યક્તિગત સ્વાર્થ માટે ચોક્કસ વ્યક્તિઓને બચાવવા માટે જાણી જોઈને 3 મહિનાના સીસીટીવી ફૂટેજ આપવાનો ઇનકાર કર્યો હતો. મને પોલીસ ફરિયાદ ન કરવા દબાણ કરવામાં આવ્યું હતું- ડો. દેવાંગ રાણા
જ્યારે મેં ચોરી માટે પોલીસ ફરિયાદ નોંધાવી, ત્યારે મારા પર પોલીસ ફરિયાદ ન કરવા અને ડીનને ગેરમાર્ગે દોરવા માટે લેખિતમાં માફી માંગવા માટે ભારે માનસિક દબાણ કરવામાં આવ્યું હતું. મને પોલીસ ફરિયાદ રદ કરવાનું કહેવામાં આવ્યું હતું. મને કોઈ પણ વાજબી કારણ વગર ટ્રાન્સફર અને સસ્પેન્શનની ધમકી આપવામાં આવી રહી છે અને મારી માનસિક તકલીફમાં વધારો થઈ રહ્યો છે. ડો. કરણ શાહ અને દર્શનાબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ માટે માફી માંગવા માટે દબાણ કર્યું છે. પ્રમોશનમાં ડીને પક્ષપાત કર્યો હોવાનો આક્ષેપ
મને ગેરમાર્ગે દોરવા બદલ ડીન અને પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટરની માફી પણ માંગવા કહ્યું છે. પત્રમાં ડો. દેવાંગ રાણાએ આક્ષેપ કરતા લખ્યું છે કે, ડીને પક્ષપાત દર્શાવ્યો છે, જેમાં ફક્ત ડૉ. કરણ શાહની જ તરફેણ કરે છે. NMCના પાલન MCI પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલેશન્સ 2000 મુજબ મને એટલે ડો. દેવાંગ રાણાને એસોસિએટ પ્રોફેસર તરીકે નહીં પરંતુ ડો. કરણ શાહને તેઓ એસોસિયેટ પ્રોફેસર તરીકે પ્રમોટ કર્યા છે. ક્લિનિકલ ટ્રાયલના પેમેન્ટ મુદ્દે પણ તેઓએ પત્રમાં ખુલાસો કર્યો છે કે, જ્યારે હું NHL કોલેજની એથિક્સ કમિટીનો હવાલો સંભાળતો હતો. ત્યારે ડો. ફાલ્ગુની મજમુદારે SOPનું પાલન કરવા માટે કહ્યું હતું. જ્યારે સ્પોન્સર પૈસા NHL એથિકસ કમિટીના ખાતામાં નાખશે જે પૈસા આવે તેમાં મુખ્ય તપાસકર્તાને 55 ટકા, AMC METને 40 ટકા, ડીનને 2 ટકા, મેડિકલ સુપ્રિટેન્ડન્ટને 2 ટકા અને સભ્ય સચિવને 1 ટકા પૈસાની વહેચણી કરવાની રહેશે. નંબર 2024 સુધી કોઈ પણ મેમ્બર સેક્રેટરી ડીન કે એથિક્સ કમિટીના સભ્યએ મને કહ્યું નથી કે, NHL એથિકસ કમિટીનું એક જ માત્ર એકાઉન્ટ છે. જેમાં પૈસા જમા થાય છે. 4 વરસના મારા કાર્યકાળ બાદ કોલેજના વહીવટકર્તાઓને ખબર પડી હતી કે, સ્પોન્સર દ્વારા તમામ નાણાકીય વ્યવહારોના અધિકાર SMOને આપવામાં આવ્યા છે. બધી એસઓપીનું પાલન કર્યું હોવા છતાં પણ અચાનક જ હવે કોલેજના વહીવટી તંત્ર આરોપ લગાવે છે કે, એથિક્સ કમિટીના SOPઅને નિર્દેશોનું પાલન કર્યું નથી, અને તેઓ મારા પર દોષારોપણ કરી રહ્યા છે. જો હું ચૂકી ગયો હોઉં, અથવા મને મારા અગાઉના પદાધિકારી દ્વારા સૂચના આપવામાં ન આવી હોય તો પણ હું બધા એથિક્સ કમિટીના સભ્યો અને મુખ્ય તપાસકર્તા, ડીન, પ્રાયોજક, SMOની સામે સમાન ક્લિનિકલ ટ્રાયલ કરાર મૂકી રહ્યો હતો. બધા કાનૂની દસ્તાવેજ પર સહી કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવેલી કમિટી દ્વારા પણ હજી સુધી તેમને ડોક્યુમેન્ટ્સ ન મળ્યા હોવાનું જણાવ્યું છે. ક્લિનિકલ ટ્રાયલ અંગેના ડોક્યુમેન્ટ્સ નથી મળ્યા ત્યારે ડો. દેવાંગ રાણા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને જે પત્ર લખવામાં આવ્યો છે. તેમાં લખવામાં આવેલી બાબતો પરથી જણાય છે કે, કેટલાક ડોક્યુમેન્ટ ગુમ થઈ ગયા છે. NHL મેડિકલ કોલેજના ડીન દ્વારા ડોક્યુમેન્ટ ચોરી થયા હોવા અંગેની ફરિયાદ અને સીસીટીવી ફૂટેજ નથી બતાવ્યા અને તેમની ઉપર ખોટી રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે. હવે આ સમગ્ર મામલે કોર્પોરેશન દ્વારા પત્રમાં જે આક્ષેપ કરવામાં આવ્યો છે તેની ઉપર તપાસ કરવામાં આવે છે કે કેમ તેને લઈને સવાલ છે. આ પણ વાંચોઃ VS હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલમાં 3ના મોત આક્ષેપ VSમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ
અગાઉ વી.એસ. હોસ્પિટલમાં કોઈ મંજૂરી વગર દર્દીઓ પર ક્લિનિક ટ્રાયલ કરી તેના પેટે મળેલા કરોડો પરિવાર કે પરિચિતોનાં બેંક એકાઉન્ટમાં જમા કરાતા હોવાનું કૌભાંડ વિજિલન્સ તપાસમાં પકડાયું છે. મ્યુનિ.એ હોસ્પિટલના ફાર્માકોલોજિસ્ટ એક્સપર્ટ ડૉ. દેવાંગ રાણાને તત્કાલ અસરથી સસ્પેન્ડ કર્યા હતા. આ ઉપરાંત કોન્ટ્રેક્ટ પર ફરજ બજાવતા 8 ડૉક્ટરને કાઢી મુકાયા છે. કૌભાંડના સૂત્રધાર ડૉ. મનીષ પટેલ નિવૃત્ત થઈ ગયા છે. ક્લિનિકલ ટ્રાયલ પ્રકરણમાં ટ્રાયલ કરનારા ડૉક્ટર અને જે સંસ્થામાં એ હાથ ધરાયું એને ફાર્મા કંપનીઓ મોટી રકમ ચૂકવતી હતી. મ્યુનિ. હોસ્પિટલમાં આ પ્રકારની ટ્રાયલ માટે એથિકલ કમિટી જરૂરી છે. જોકે વી.એસ.માં ક્લિનિકલ રિસર્ચના નામે ગેરરીતિ કરાઈ હતી. એનએચએલના સુપરિન્ટેન્ડેન્ટ, વિજિલન્સ ડાયરેક્ટર સહિતની વિજિલન્સ તપાસ ટીમ બનાવાઈ હતી. પ્રાથમિક અહેવાલમાં ખોટી રીતે ટ્રાયલ કરી ગેરશિસ્ત અને નાણાકીય કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું તારણ દર્શાવાતાં કાર્યવાહી કરાઈ છે. શું છે ક્લિનિકલ ટ્રાયલ
ફાર્મા કંપની દવાની શોધ કરે ત્યારે પહેલો પ્રયોગ પ્રાણીઓ પર થાય છે. એ સફળ થાય પછી મેડિકલ કાઉન્સિલની મંજૂરી બાદ માણસ પર ટ્રાયલ માટે હોસ્પિટલમાં મોકલાય છે. ડૉક્ટરની હાજરીમાં એક દર્દીને દવા આપી એનાં પરિણામો નોંધાય છે અને અહેવાલ ફાર્મા કંપનીને મોકલાય છે. કાઉન્સિલ મંજૂર કરે પછી દવાનું ઉત્પાદન થઈ શકે છે.