‘હું આણંદ જાઉં છું’ કહીને માર્બલના વેપારીનો એકનો એક દીકરો પોતાની હોન્ડા સિટી કાર લઇને નીકળ્યો. હજી 24 કલાક પણ નહોતા વીત્યા કે 220 કિમી દૂર તેની અર્ધ સળગેલી લાશ મળી. ક્રાઈમ ફાઈલ્સના પહેલા એપિસોડમાં તમે વાંચ્યું કે કેવી રીતે આંકલાવના આસોદરના માર્બલના વેપારીના 30 વર્ષીય દીકરાનું ધોળા દિવસે કારમાં અપહરણ થઇ જાય છે. પછી 2 કરોડની ખંડણી માટે કોલ આવે છે. પિતા દોડતાં દોડતાં પોલીસ સ્ટેશન પહોંચે છે. આખા જિલ્લાની પોલીસ દોડતી થઇ જાય છે. આરોપીઓ રાજસ્થાન તરફ જતા હોવાની માહિતી મળે છે. હિંમતનગરમાં એક્ટિવા સાથે 18 વર્ષીય 2 યુવકને ઝડપી લે છે. બીજી તરફ 220 કિમી દૂર એક અર્ધસળગેલી લાશ મળે છે. વાંચો પાર્ટ-1: માર્બલ વેપારીના દીકરાનું અપહરણ, 220 કિમી દૂર મળેલી અર્ધ સળગેલી લાશ કોની? હવે વાંચો પાર્ટ-2… આણંદ પોલીસે આપેલા વર્ણનના આધારે હિંમતનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોતીપુરા સર્કલ પર બે યુવાનોને એક્ટિવા સાથે ઝડપી પાડ્યા હતા. બન્નેના નામ હતાં અજયસિંહ ઉર્ફે સાગર ગોપાલસિંહ વાઘેલા (ઉં.18 વર્ષ રહે. સાવલી) અને હર્ષ ઉર્ફે હર્ષરાજ અશોકભાઇ ગઢાદરા (ઉં 18, રહે. સુરત). બંને ગાંધીનગર પોલિટેકનિક કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરતા હતા. જેમને તાત્કાલિક આણંદ લઇ આવવામાં આવ્યા હતા. આણંદ પોલીસની ટીમે બંનેને બેસાડીને પૂછપરછ શરૂ કરી. પહેલા તો આ કેસમાં પોતાની સંડોવણી હોવાનો ઈનકાર કર્યો હતો. પછી પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા પોપટની જેમ બોલવા માંડ્યા હતા. 18 વર્ષીય આરોપી અજયસિંહ વાઘેલાએ પૂછપરછમાં ઘટસ્ફોટ કર્યો કે હા, અમે લોકોએ જૈમીનનું કિડનેપિંગ કરીને તેનું મર્ડર કરી નાંખ્યું છે અને આ કાવતરામાં મારાં બહેન અને બનેવી સામેલ હતાં. પોલીસે બહેન-બનેવીનાં નામ પૂછ્યાં. અજયસિંહ વાઘેલાએ જે નામ કહ્યું તે સાંભળીને પોલીસ જ નહીં આખા આસોદર ગામના હોંશ ઊડી ગયા હતા. અજયસિંહ વાઘેલા કહ્યું કે આ કાવતરું હિતેન્દ્રસિંહ જાડેજાએ ઘડી કાઢ્યું હતું. હિતેન્દ્રસિંહ બીજું કોઈ નહીં પણ એકલવ્યભાઈનો ભાડૂઆત હતો. અજયસિંહ વાઘેલા અને હર્ષ ગઢાદરાએ કબૂલાત આપ્યા બાદ પોલીસની એક ટીમ તુરંત માસ્ટર માઈન્ડ હિતેન્દ્રને ઝડપી લેવા રવાના થઈ હતી. એ વખતે હિતેન્દ્ર અને તેની પત્ની હીરલ પોતાના ઘરમાં જ નિશ્ચિંત હતાં. તેમને એવું હતું કે પોલીસને કંઈ જ ખબર નહીં હોય. પોલીસે દરવાજો ખખડાવતા હિતેન્દ્રએ ખોલ્યો. સામે પોલીસને જોતાં જ હિતેન્દ્રના મોતિયા મરી ગયા હતા. પછી બંન્નેને પકડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં હતાં. તમામ ચારેય આરોપીઓને પોલીસે સાથે બેસાડીને પૂછપરછ કરી. આશ્ચર્યની વાત એ છે કે હીરલ અને અજયસિંહ વાઘેલા ભાઈ-બહેન હતાં. હિતેન્દ્રએ જઘન્ય ક્રાઇમ માટે પોતાના સાળાની મદદ લીધી હતી. જ્યારે હર્ષ ગઢાદરા અજયસિંહ વાઘેલાનો ભાઈબંધ હતો. તેને પૈસાની લાલચ આપીને સામેલ કર્યો હતો. નડિયાદમાં રહેતા 46 વર્ષીય હિતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભાઈ બહાદુરસિંહ જાડેજા (મૂળ ગામ- મોટવડા તા.લોધિકા. જિ.રાજકોટ)એ એકલવ્યભાઇના શોપિંગ સેન્ટરમાં એક દુકાન ભાડે રાખી આસોપાલવ સાડી સેન્ટર નામથી ધંધો શરૂ કર્યો હતો. જેમાં તેને 15 લાખ રૂપિયાનું દેવું થઇ ગયું હતું. બીજી તરફ જોઇએ તેવો ધંધો પણ ચાલતો નહોતો. હિતેન્દ્રને જલદીથી દેવામાંથી બહાર આવવું હતું અને સતત પૈસા કમાવવાના જ વિચાર આવતા હતા. જેમાં તેને કિડનેપિંગ કરવાનો ખતરનાક વિચાર આવ્યો હતો. આ માટે તેણે ‘શિકાર’ શોધવાનુ શરૂ કર્યું. જેમાં તેની નજર દુકાનના માલિક અને માર્બલના વેપારી એકલવ્યભાઇ પટેલના દીકરા જૈમીન પર ગઇ. જૈમીન એકલવ્યભાઇનો એકનો એક દીકરો હતો. એકલવ્યભાઇની સંપત્તિથી હિતેન્દ્ર વાકેફ હતો. પૈસાદાર હોવાની સાથે જૈમીન સ્વભાવે ભોળો પણ હતો. હિતેન્દ્ર દુકાનનું ભાડું આપવા માટે એકલવ્યભાઇના ઘરે જતો હતો. તેમજ એકલવ્યભાઇનું માર્બલનું ગોડાઉન પણ દુકાન પાછળ જ હતું. એટલે જૈમીન અને હિતેન્દ્ર વચ્ચે રોજિંદી મુલાકાતો થતી હતી એટલે જૈમીનને હિતેન્દ્ર પર વિશ્વાસ હતો. હિતેન્દ્રએ આ કામ માટે પત્ની હીરલને પણ વિશ્વાસમાં લઇ લીધી હતી. બીજી તરફ બહેન-બનેવીના ઘરે અજયસિંહ અવારનવાર રહેવા-જમવા આવતો હતો. એક દિવસ હિતેન્દ્રએ જૈમીનને કિડનેપ કરવાનો પ્લાન અજયસિંહ સામે મૂક્યો. જેમાં જૈમીનના કિડનેપિંગના બદલામાં સારા પૈસા મળશે એવી વાતો કરી હતી. બાદમાં અજયસિંહના મિત્ર હર્ષ ગઢાદરાને પણ વાત કરીને પ્લાનમાં સામેલ કર્યો. આ માટે ચારેય લોકો અનેક દિવસો સુધી મિટિંગ કરીને પ્લાનની ચર્ચા કરી હતી. અંતે એક તારીખ અને પ્લાન ફિક્સ કર્યો. 16મી સપ્ટેમ્બર, 2016ના રોજ નિર્ધારિત દિવસે હિતેન્દ્રએ સસ્તામાં જમીન મળતી હોવાની અને એ જમીન જોવા જવાની વાત કરીને જૈમીનને બોલાવ્યો હતો. જૈમીન ઘરેથી આણંદ જવાનું કહીને પોતાની હોન્ડા સિટી કાર લઇને નીકળ્યો હતો. અગાઉથી રસ્તામાં હિતેન્દ્ર સહિતના ચારેય લોકો જૈમીનની રાહ જોઇને ઊભા હતા. એ લોકોએ જૈમીનને પોતાની સ્વિફ્ટ ડિઝાયર કારમાં બેસાડી અલગ અલગ જગ્યાએ જમીન દેખાડવાનો ડોળ કરીને ફેરવ્યો હતો. કારમાં અગાઉથી સ્પ્રાઇટ કોલ્ડડ્રિન્કની બોટલો રાખી હતી. જેમાં એક બોટલમાં ઘેનની 30 ગોળી ઓગાળીને તૈયાર રાખી હતી. કારમાં હિતેન્દ્રએ આ બોટલ જૈમીનને પીવા આપી હતી. પહેલા તો જૈમીને પીવાની ના પાડી હતી. પણ હિતેન્દ્રએ મિત્રના ભાવે ફોર્સ કરીને જૈમીનને પરાણે સ્પ્રાઇટ પીવડાવી હતી. ત્યારે જૈમીનને ક્યાં ખબર હતી કે મોત આગળ તેની રાહ જુએ છે. સ્પ્રાઇટ પીતા જ થોડીવામાં જૈમીન બેભાન થઇ ગયો હતો. ત્યાર બાદ કારમાં જૈમીનને લઈને સાવલી પાસે રસુલપુર ગામ પાસે નર્મદા કેનાલ પર અવાવરું જગ્યાએ લઈ ગયા હતા. અપહરણકારોને લાગ્યું કે જૈમીનને જો ખંડણી લઇને કે ખંડણી લીધા વગર પણ છોડી દેશે તો તેઓ પકડાઇ જશે. કેમ કે જૈમીને બધાને જોયા હતા અને ઓળખતો પણ હતો. એટલા માટે તેનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું. હિતેન્દ્ર, અજય અને હર્ષે બેલ્ટ વડે જૈમીનને ગળેટૂંપો આપ્યો હતો. બેભાન જૈમીનનું પ્રાણ પંખેરું ત્યાં જ ઊડી ગયું. ત્યાર બાદ બોડી ઉપરથી સોનાનો દોરો, સોનાની લક્કી અને રોકડા 62 હજાર રૂપિયા કાઢી લીધાં હતાં. પછી હિતેન્દ્રએ પોતે જૈમીનના પિતા એકલવ્યભાઇને કોલ કરીને દીકરાનું અપહરણ કરી લીધાનું કહીને ખંડણી માગી હતી. પોતાની ઓળખ ન થાય એટલે હિન્દીમાં વાત કરી હતી. જૈમીનને મોતને ઘાટ ઉતાર્યા પછી તેની લાશનો કેવી રીતે નિકાલ કરવો તેનો વિચાર હિતેન્દ્ર કરવા લાગ્યો. ત્યારે લાશની ઓળખ ન થાય તેમજ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે લાશને દૂર લઇને ઠેકાણે પાડવાનું નક્કી કર્યું. સાવલીથી કાર અંકલેશ્વર, ભરૂચ, નવસારી, ચીખલીથી થઈને સાપુતારા તરફ હંકારી લીધી હતી. રસ્તામાં પાંચ લિટરના કેરબામાં પેટ્રોલ લીધું. કાર હિતેન્દ્ર ચલાવતો હતો અને આગળની સીટમાં હીરલને બેસાડી હતી. જેથી કોઇ જુએ તો શંકા ન જાય. એ દરમિયાન લાશને પાછલી સીટમાં બેસાડી રાખી હતી. રાત્રે 11 વાગ્યાની આસપાસ કારને વાંસદા તાલુકાના કંબોજ ગામે રોકી હતી. જ્યાં કોઈ જ અવરજવર દેખાતી નહોતી. રોડની આગળ બ્રિજ હતો. બ્રિજ નીચે નદી વહેતી હતી અને સાઇડમાંથી એક રસ્તો જતો હતો. નદીકિનારે સ્મશાન હતું અને ત્યાં જવા માટેનો એક સાવ નાનો રસ્તો હતો. રોડથી 200 મીટર અંદર જઇને કાર થોભાવી. જૈમીનને ડેડબોડી બહાર કાઢી પછી તેના પર પેટ્રોલ છાંટ્યું. ત્યાર બાદ ડરના માર્યા દિવાસળી ચાંપીને સીધા જ બધા કારમાં ત્યાંથી રવાના થઇ ગયા હતા પણ લાશ આખી સળગી નહોતી. શૂઝ અને પગનો ભાગ રહી ગયો હતો. રાત્રે જ તેઓ પાછા આવ્યા હતા. હિતેન્દ્ર અને હીરલ પોતાના ઘરે ગયાં હતાં. જ્યારે અજયસિંહ વાઘેલા અને હર્ષ ગઢાદરાને સિમકાર્ડ અને મોબાઈલનો નિકાલ કરવા મોકલી દીધા હતા. અજયસિંહ અને હર્ષ અમદાવાદ બાજુ જવા રવાના થયા હતા. બીજા દિવસે સવારે અજયસિંહ વાઘેલા અને હર્ષ ગઢાદરા બંને રાજસ્થાન તરફ જતા હતા. તેમનો પ્લાન ઉદેપુર તરફ જઇને સિમકાર્ડ અને મોબાઈલ નદી કે તળાવમાં નાખી દેવાનો હતો. જોકે તેઓ પુરાવાનો નાશ કરે એ પહેલાં જ પોલીસે હિંમતનગરથી પકડી લીધા હતા. પૂછપરછ બાદ આણંદ પોલીસે જ્યાં જૈમીનની લાશ સળગાવી હતી એ વાંસદા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. વાંસદા પોલીસે તેમના તાબાના કંબોઈ ગામે લાશ મળ્યાની વાતની ખરાઈ કરી હતી. જ્યાં જૈમીનની લાશ સળગાવી હતી ત્યાં એક શૂઝ મળી આવ્યું. જે જૈમીનનું જ હોવાનું એકલવ્યભાઇએ ઓળખી કાઢ્યું હતું. પીએમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટમાં લાશ જૈમીનની જ હોવાનો ખુલાસો થયો. પોલીસે અપહરણકારોએ જ્યાંથી 5 લિટર પેટ્રોલ લીધું હતું એ પંપના સીસીટીવી કબજે કર્યા હતા. જેમાં હિતેન્દ્ર કેરબામાં પેટ્રોલ લેતા અને કારમાં મૂકતા દેખાયો હતો. આ ઉપરાંત તેઓની કાર પણ બધા ટોલટેક્સના સીસીટીવીમાં દેખાઇ હતી. જે હત્યા અને લાશના નિકાલના સમય સાથે મેચ થતી હતી. હિતેન્દ્ર પહેલાં રાજકોટમાં રહેતો હતો. એ વખતે તેણે ત્યાં કોઈ ડોક્ટર પાસે ઘેનની દવાઓ લીધી હતી. જેથી તેને પૂરેપૂરી ખબર હતી કે આ પ્રકારની દવા આપીએ તો માણસ તરત ઊંઘી જાય. હિતેન્દ્રએ સ્પ્રાઇટમાં એકસાથે 30 ગોળીએ એટલે નાખી કે તરત જ તેની અસર થાય અને જૈમીન સૂધબૂધ ખોઇ બેસે. આ સિવાય ગુનાને અંજામ આપવા માટે અજયસિંહે ગાંધીનગરમાં એક ડમી સિમકાર્ડ કઢાવ્યું હતું. લુણાવાડાના આકાશ રાણાના નામના વ્યક્તિના બોગસ દસ્તાવેજના આધારે આ સિમકાર્ડ મેળવ્યું હતું. બે દિવસ બાદ જૈમીનના અંતિમ સંસ્કારમાં આખું આસોદરા ગામ બંધ પાળી જોડાયું હતું. પોલીસે આરોપીઓને જેલમાં ધકેલીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં વર્ષ 2019માં આણંદના એડિશનલ સેશન્સ જજે ચારેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. વાંચો પાર્ટ-1: માર્બલ વેપારીના દીકરાનું અપહરણ, 220 કિમી દૂર મળેલી અર્ધ સળગેલી લાશ કોની? ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના અન્ય કેસ વાંચવા અહીં ક્લિક કરો