જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે (22 એપ્રિલ)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત થયા હતા. આ આતંકવાદી હુમલાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સો છે. અમિતાભ બચ્ચન, અજય દેવગન અને કમલ હાસન સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. સંજય દત્તે નરેન્દ્ર મોદીને ટેગ કરીને એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે કે- આ માફીને લાયક નથી, આતંકવાદીઓને જણાવવું પડશે કે હવે આપણે ચૂપ નહીં રહીએ. અમિતાભ બચ્ચને પણ એક પોસ્ટ મૂકી આ હુમલાની નિંદા કરી હતી. સંજય દત્તે આતંકવાદી હુમલા પર લખ્યું કે, તેમણે આપણા લોકોને નિર્દયતાથી માર્યા. આ માફીને લાયક નથી, આતંકવાદીઓને જણાવવું પડશે કે હવે આપણે ચૂપ નહીં રહીએ. આપણે આ હુમલાનો જવાબ આપવો પડશે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહને વિનંતી કરું છું કે તે લોકોને તેની જ ભાષામાં સજા આપવામાં આવે. અજય દેવગને લખ્યું- પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિશે સાંભળીને મને આઘાત લાગ્યો છે. પીડિતો અને તેમના પરિવારો નિર્દોષ હતા અને જે બન્યું તે હૃદયદ્રાવક અને સંપૂર્ણપણે ખોટું છે. મારી સંવેદના અને પ્રાર્થના તેમની સાથે છે. અમિતાભ બચ્ચનની પોસ્ટ
આતંકવાદી હુમલાના સમાચાર ફેલાતા, અમિતાભ બચ્ચને મોડી રાત્રે તેમના X એકાઉન્ટ પરથી ફક્ત ટ્વીટનો નંબર પોસ્ટ કર્યો અને બીજું કંઈ લખ્યું નહીં. કેટલાક લોકો આ પોસ્ટને મૌન ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો માને છે કે જયા બચ્ચનના રાજકીય કારકિર્દીને કારણે અમિતાભ બચ્ચને આતંકવાદી હુમલા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો ન હતો. આતંકવાદી હુમલાની સખત નિંદા કરતી સેલેબ્સની પોસ્ટ- મંગળવારે બપોરે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકો માર્યા ગયા હતા. પહેલગામની બૈસરન ખીણમાં મંગળવારે બપોરે 2:45 વાગ્યે થયેલા આ હુમલામાં 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. લશ્કર-એ-તૈયબાની પાંખ ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ગોળીબાર બાદ આતંકવાદીઓ ભાગી ગયા હતા. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે- પહેલગામ હુમલામાં બે વિદેશી આતંકવાદીઓ અને બે સ્થાનિક આતંકવાદીઓ સામેલ હતા. મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે- પ્રવાસીઓને ગોળી મારતા પહેલા આતંકવાદીઓએ તેમના નામ પૂછ્યા હતા. તેમાંથી એક યુપીનો શુભમ દ્વિવેદી હતો, જેને આતંકવાદીઓએ તેનું નામ પૂછ્યા બાદ માથામાં ગોળી મારી દીધી હતી. મૃતકોમાં યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નેપાળ અને યુએઈના એક-એક પ્રવાસી અને બે સ્થાનિક લોકો પણ માર્યા ગયા.