રાપર એપીએમસી ખાતે વાગડ વિવિધલક્ષી ખેડૂત સેવા સહકારી મંડળી દ્વારા રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે અગ્રણીઓ, ડાયરેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. મંડળીના કેશુભા વાઘેલાએ જણાવ્યું કે સરકાર દ્વારા બજાર ભાવ કરતાં ઊંચા ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવે છે. આનાથી ખેડૂતોને આર્થિક નુકસાન થતું અટકશે. તેમણે ખેડૂતોને આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. વિસ્તરણ અધિકારી ભરતભાઈ શ્રીમાળીએ ખેડૂતોને તેમના 7/12 કે અન્ય દસ્તાવેજો કોઈને ન આપવા સૂચન કર્યું. તેમણે ગ્રામસેવક અને તલાટીની સલાહ મુજબ કામ કરવા જણાવ્યું હતું. કચ્છ બ્રાન્ચ કેનાલની નર્મદા કેનાલથી વાગડના ખેડૂતોની ખેતી સમૃદ્ધ બની છે. હાલમાં જીરું, રાયડો અને વરિયાળી જેવી ખેતપેદાશોથી એપીએમસી ઊભરાઈ રહી છે. રાપર તાલુકા કિસાન સંઘે ખેડૂતદીઠ 1350 કિલો ખરીદીનો ક્વોટા વધારવાની માંગણી કરી છે. કાર્યક્રમમાં મંડળીના ઉપપ્રમુખ કરસનભાઈ મંજેરી, કેડીસીસી બેંકના વાઈસ ચેરમેન અંબાવીભાઈ વાવિયા, કિસાન સંઘના કુંભાભાઈ ચાવડા અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને બજાર સમિતિના પ્રમુખ શૈલેષ શાહ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.